Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

અમદાવાદનાં મેયર બીજલ પટેલને કોરોનાના કોઈપણ નિયમોની પરવા જ નથી !: સરેઆમ કરે છે ઉલ્લંઘન

માસ્ક વગર ફોટા બાદ બાયડાયવર્સિટી પાર્કના લોકાર્પણ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં

અમદાવાદઃ અમદાવાદના મેયર બિજલ પટેલ કોરોના અંગેના નિયમોનું જાહેરમાં વારંવાર ઉલ્લંઘન કરતા દેખાઇ રહ્યાં છે. શહેરમાં કોરોના મહામારી અંકુશમાં આવવાનું નામ નથી લઇ રહી. ત્યારે સરકારની નિયમો પાળવાની લાખ અપીલ છતાં ખુદ સરકારના જ પ્રતિનિધિઓ તેનું ઉલ્લંઘન કરી રહ્યા છે. હવે તો ગુજરાત હાઇકોર્ટે પણ તેની સામે લાલ આંખ કરી છે.

અમદાવાદના મેયર બિજલબેન પટેલ મેયર બંગલામાં યોજાયેલા એક કાર્યક્રમમાં માસ્ક વગર ફોટાં પડાવવાનો વિવાદ હજુ શમ્યો નથી. ત્યાં વળી સોમવારે સવારે બાયડાયવર્સિટી પાર્કના લોકાર્પણના કાર્યક્રમમાં તેમણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કર્યું. તેમના દ્વારા વડાપ્રધાન  મોદીએ દો ગજકી દૂરી’ ની કરેલી અપીલ ભુલાતાં મેયરના નામે નવો એક વિવાદ સર્જાયો છે.

આ કાર્યક્રમમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ભાજપના આગેવાનો પણ તેમાં સામેલ હતા. નાગરિકોને માસ્ક વગર ફરવા કે સોશિયલ ડિસ્ટન્સિંગ વગર દંડવામાં આવે છે. ત્યારે શું આ ભાજપના નેતાઓ પાસેથી દંડ વસૂલવામાં આવશે કે કેમ તે મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

 

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તરફથી આજે બે લોકાર્પણના જુદા જુદા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. મેયર બિજલબેનના હસ્તે આ બંને સ્થળોએ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સવારે 10 વાગ્યે સાબરમતી નદીની પશ્ચિમ બાજુએ સુભાષબ્રીજથી રેલવે બ્રીજ સુધી તૈયાર કરવામાં આવેલા RCC રોડનું કેશવનગર રેલવે બ્રીજ નીચે કાર્યક્રમમાં લોકાર્પણ કરાયું હતું.

ત્યારબાદ સવારે 10ઃ30 વાગ્યાના અરસામાં સાબરમતી રિવરફ્ર્ન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી નદીની પશ્ચિમ બાજુએ આંબેડકર બ્રીજ નીચે 20 હજાર ચો.મી. જગ્યામાં તૈયાર કરાયેલા બાયો ડાયવર્સિટી પાર્ક ફેઝ 1નું લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં મેયર સહિત ડેપ્યુટી મેયર દિનેશભાઇ મકવાણા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન અમુલ ભટ્ટ તેમ જ પક્ષના નેતા અમિત શાહ સહિતના કોર્પોરેટરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમાંય વળી રીબિન કાપતી વખતે વડાપ્રધાન મોદી દ્વારા વારંવાર દો ગજ કી દૂરી જાળવવાની કરાયેલી અપીલને ભાજપના જ શહેરના આગેવાનો ભૂલી જઇને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજિયાં ઊડાવ્યા હતા.

તાજેતરમાં જ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ડીવાયએમસી નીતિન સાંગવાને સાયકલ રેલીને લીલીઝંડી આપવાના કાર્યક્રમમા માસ્ક નહીં પહેર્યો હોવાનો ફોટો પોસ્ટ કર્યો હતો. તેને લઇને હોબાળો થતાં આખરે તેમણે રૂપિયા 1 હજારનો દંડ ભર્યો હતો. તો શું ભાજપના શાસકો દ્વારા સોશિયલ ડીસ્ટન્સીંગના ભંગ બદલ દંડ વસૂલ કરવામાં આવશે કે કેમ તે મુદ્દો ચર્ચાના ચગડોળે ચડ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ મે મહિનામાં મેયર બંગલામાં એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીના એક કાર્યક્રમમાં મેયર શ્રીમતિ બિજલબેન પટેલ માસ્ક વગર ફોટાં પડાવ્યા હતા. જો કે તેમની સાથે કંપનીના અધિકારીઓ માસ્ક પહેરેલા હતા.

આ પોસ્ટને લઇને જ શહેરના એક જાગ્રત નાગરિક ચંદ્રવદન ધ્રુવે મેયર પાસેથી દંડ વસૂલવા માટે અમદાવાદ મ્યુનિ. કમિશનરને રજૂઆત કરી હતી. ત્યારબાદ પણ બે વખત સ્મુતિ પત્રો લખ્યા છે. છતાં હજુ સુધી કોઇ જ કાર્યવાહી થઇ નથી.

(6:48 pm IST)