Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

JEE-Advanced Result

અમદાવાદનો હર્ષ શાહ ગુજરાતમાં પ્રથમઃ ઓલ ઈન્ડિયામાં ૧૧માં ક્રમે

નવી દિલ્હી, તા.૫: દેશભરની IITમાં પ્રવેશ માટે IIT દિલ્હીએ આ વર્ષની JEE-Advanced ની પરીક્ષાનું આયોજન કર્યુ હતું જેનું આજે પરિણામ આવી ગયું હતું. જેમાં મુંબઈનો ચિરાગ દેશમાં પ્રથમ ક્રમે આવ્યો છે જયારે અમદાવાદનો હર્ષ શાહ ગુજરાતમાં પ્રથમ ક્રમે રહ્યો હતો.

આ પરીક્ષામાં કુલ ૧,૫૦,૮૩૮ વિદ્યાર્થીઓ બેઠા હતા જેમાંથી પેપર ૧ અને ૨માં કુલ ૪૩૨૦૪ વિદ્યાર્થીઓ પાસ થયા છે. તેમાંથી ૬૭૦૭ છોકરીઓ છે.

આ મહત્વની પરીક્ષામાં અમદાવાદના હર્ષ શાહનો ગુજરાતમાં પ્રથમ ક્રમ આવ્યો હતો. જયારે ઓલ ઈન્ડિયામાં હર્ષનો ક્રમ ૧૧મો રહ્યો છે. બીજી બાજુ ઓલ ઈન્ડિયા ૧૦૦માં ગુજરાતના અન્ય વિદ્યાર્થીઓમાં અમદાવાદના શ્રેય બાવીશીનો ૫૫મો રેન્ક, નિયતી મહેતા ૬૨મો રેન્ક, પૂજન સોજીત્રા ૬૪મો રેન્ક અને ધ્રુવ મારુએ ૯૯ મો રેન્ક મેળવ્યો હતો.

IIT મુંબઇ ઝોનના ચિરાગ ફાલોરે ૨૦૨૦ના કોમન રેન્ક લિસ્ટમાં ટોપ કર્યું છે. તેણે ૩૯૬માંથી ૩૫૨ માકર્સ મેળવ્યા છે. તો બીજી તરફ IIT રુડકી ઝોનની કનિશ્કા મિત્ત્।લ CRL૧૭ સાથે મહિલા ટોપર બની છે. તેણે ૩૯૬માંથી ૩૧૫ માકર્સ મેળવ્યા છે.

આ વર્ષે રિઝલ્ટ તૈયાર કરતી વખતે ૧૨માં ધોરણના માકર્સ પર વિચાર કરવામાં આવ્યો નથી. નવા નિયમ અનુસાર આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા JEE એડવાન્સમાં ભાગ લેવા માટે ૧૨માં ધોરણની પરિક્ષામાં વિદ્યાર્થીઓ ૭૫ ટકા લાવવા જરૂરી હતી. આ વર્ષે કોરોનાને લીધે કેટલાક બોર્ડે વિશેષ યોજનાના આધાર પર રિઝલ્ટ આપ્યા છે.

મેરિટના આધાર પર પરિણામના એક દિવસ પર ૬ ઓકટોબરથી કાઉન્સેલિંગ આયોજીત કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે આ પરિક્ષા ૨૭ સપ્ટેમ્બરે લેવામાં આવી હતી.

(3:54 pm IST)