Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

પેરામેડિકલમાં આ વર્ષે ૧૦થી૧૨ ટકા રજિસ્ટ્રેશનમાં વધારો

ગુજરાતમાં પેરામેડિકલના ૩૪ હજારથી વધુ વિદ્યાર્થીનું ભવિષ્ય અધ્ધરતાલ પ્રવેશ પ્રક્રિયા હજુ અનિશ્ચિત

રાજકોટઃ તા.૫, ધો.૧૨ સાયન્સ પછીના બોર્ડ પરિણામ આધારીત  જુદા જુદા પેરામેડિકલ કોર્સીસમાં પ્રવેશ માટેની સરકારની ઓનલોઈન કેન્દ્રિય  પ્રક્રિયા અંતર્ગત રજિસ્ટ્રેશન પૂર્ણ થઈ ગયુ છે ત્યારે આ વર્ષે ૧૦થી૧૨ ટકા વિદ્યાર્થીઓ વધ્યા છે અને ૩૪ હજારથી વધુનું રજિસ્ટ્રેશન થયુ છે.જો કે આગળની પ્રવેશ પ્રક્રિયા કયારે શરૂ થશે તે અનિશ્યિત છે. કારણકે કોરોનાને લીધે કોલેજોની મંજૂરીઓ બાકી છે.બી.એસ.સી.નર્સિંગ, જનરલ નર્સિંગ, ઓકિઝલરી નર્સિંગ, ફિઝિયોથેરાપી, ઓપ્ટોમેટ્રી સહિતના ૮ જેટલા પેરામેડિકલ કોર્સીસમાં  પ્રવેશ માટે આ વર્ષે વિદ્યાર્થીઓ વધ્યા છે. અગાઉ નેચરોપેથીમાં પ્રવેશ માટે મેડિકલ-ડેન્ટલ અને આયુર્વેદિક સહિતના કોર્સ સાથે નીટ આધારીત પ્રક્રિયા થતી હતી પરંતુ આ વર્ષે નેચરોપેથીમાં પ્રવેશ માટે નીટ મહત્વની નથી અને ૧૨ સાયન્સના પરિણામના ધઆરે નેચરોપેથીમાં પ્રવેશ થશે.

 જેથી વિદ્યાર્થીઓ થોડા વધ્યા છે. ગત વર્ષે ૩૧ હજારથી વધુ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયુ હતુ અને ફાઈનલ મેરિટમાં ૨૮ હજારથી વધુ વિદ્યાર્થી હતા ત્યારે આ વર્ષે પેરામેડિકલમાં પ્રવેશ માટેની ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં ૩૪ હજારથી વધુ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયુ છે.

 જો કે કોરોનાને પગલે પ્રવેશ સમિતિ દ્વારા રજિસ્ટ્રેશનની મુદ્દત ત્રણ વાર વધારવામા આવી હતી.  રજિસ્ટ્રેશન પૂર્ણ થયાને ઘણા દિવસો થઈ ગયા છે પરંતુ હજુ સુધી મેરિટ જાહેર થયુ નથી ત્યારે સપ્તાહના અંત સુધીમાં મેરિટ જાહેર થાય તેવી શકયતા છે. જો કે ચોઈસ ફિલિંગ અને પ્રવેશ ફાળવણી સહિતની આગળની પ્રક્રિયા કયારે થશે તે હજુ નક્કી નથી.

 હજુ સુધી સરકાર દ્વારા પ્રવેશ સમિતિને કોઈ સૂચના અપાઈ નથી. કાઉન્સિલો તરફથી કોલેજોની મંજૂરીઓ પણ કોરોનાને લીધે અપાઈ ન હોવાથી પ્રવેશ પ્રક્રિયા આ વર્ષે ઘણી વિલંબીત થશે. જયારે મેડિકલ-ડેન્ટલ, આયુર્વેદિક-હોમિયોપેથીની પ્રવેશ પ્રક્રિયા પણ નીટના પરિણામ વગર થઈ શકી નથી.

(2:56 pm IST)