Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

હાઇકોર્ટ દ્વારા જામીનના કેસોમાં સીધુ ઇ-ડીસ્પેચ કરાશેઃ જેલમાંથી કેદીઓની ઝડપથી મુકિત થઇ જશે

જામીનનો હુકમ અપલોડ થતાં જેલમાં કેદીઓને રાહત મળવાની શકયતા

અમદાવાદ તા.પ : ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીનના કેસોના આદેશોનું સીધ ઇ-ડિસ્પેચ કરવાની પધ્ધતિની શરૂઆત કરાઇ છે. આ નિર્ણયથી જેલના કેદીઓને મોટી રાહત મળે એવી શકયતા છે. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથે આ માટેનું નવું મોડયુલ લોન્ચ કર્યુ છે. જે અંતર્ગત આદેશ સીધા જેલ ઓથોરીટી અને નીચલી અદાલતોને મળી રહેશે.

મહાત્મા ગાંધીની જયંતીના દિવસે હાઇકોર્ટ દ્વારા જિલ્લા અદાલતોને હાઇકોર્ટ ડિજિટલ સહી કરેલા જામીન અંગેના હુકમ મળી રહે તે માટેની નવી પધ્ધતિ શરૂ કરી છે. હાઇકોર્ટના આઇટી સેલ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ઇ ગવર્નન્સ કમિટીના ન્યાયમૂર્તિઓની ભલામણના આધારે આ સિસ્ટમ શરૂ કરાઇ છે.

આ નવી સિસ્ટમમાં જામીનના આદેશો પર હાઇકોર્ટના વિવિધ વિભાગોની ત્રણ તબકકે ડિજિટલ સહિ થશે. જેનાથી આદેશોની વિશ્વસનીયતા અને પ્રમાણિકતા જળવાઇ રહે. જિલ્લા અદાલતો હાઇકોર્ટના જામીનના આદેશ મુજબ જામીનદારના જામીનની કાર્યવાહી કર્યા બાદ આદેશની નકલ સંબંધીત જેલ ઓથોરીટીને મોકલી આપશે. તે આદેશ કોર્ટ તરફથી મળેલી જેલની યાદી સાથે ક્રોસ ચેક પણ કરાશે.

આ નવી સિસ્ટમના લીધે સમયની અને કાગળની બચત થશે. ઇ-મોડયુલ પર જામીનના હુકમ અપલોડ થતા જેલમાંથી કેદીની મુકિત પણ ઝડપથી થઇ શકશે. કેદીના સંબંધીઓ, વકીલોને પણ હુકમની નકલ મળી જશે.

(2:55 pm IST)