Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

બધે આવું જ ચાલે છે?...કાપોદ્રા ચોકમાં લારી રાખવી હોય તો લાંચ આપવી પડતી'તી

સુરતમાં એસીબીના અધિકારી ફ્રૂટવાળા બન્યા ને ટ્રાફિક એએસઆઇને લાંચ લેતાં પકડ્યા

લાંચના ૧ હજાર ટીઆરબી કોન્સ્ટેબલે એએસઆઇ વતી સ્વીકારતાં જ રંગેહાથ ધરપકડ

સુરત તા. ૫: શહેરમાં સારા અને ટ્રાફિકથી ધમધમતા હોય તેવા ચોકમાં જો ફ્રુટની લારી રાખવી હોય તો લાંચ આપવાથી આ કામ થઇ જતું હતું. એન્ટી કરપ્શન બ્યુરોને આવી ફરિયાદ મળતાં એક અધિકારી જાતે ફ્રુટવાળા બનીને ગયા હતાં અને ફરજ પરના એએસઆઇ તથા ટીઆરબી જવાન સાથે વાત કરી છટકુ ગોઠવી એક હજારની લાંચમાં બંનેને પકડ્યા હતાં.

એન્ટી કરપ્શન બ્યુરોને સતત ફરિયાદો મળતી હતી કે કાપોદ્રા ચાર રસ્તે શ્રીરામ ચોક પાસે ફ્રુટ અને શાકભાજીની લારીવાળા પાસેથી દર મહિને પાંચસોથી હજાર રૂપિયાની લાંચ એએસઆઇ અને કોન્સ્ટેબલ લઇ રહ્યા છે. આ અંગેની ખરાઇ કરવા ડેકોઇ ગોઠવાઇ હતી અને શનિવારે એસીબીના એક અધિકારી ફ્રુટની લારી લઇને શ્રીરામ ચોકમાં પહોંચ્યા હતાં. અહિ ટ્રાફિક શાખાના એએસઆઇ રાકેશ ફતેસિંહ ચોેધરી અને ટીઆરબી કોન્સ. સનેષ કનૈયાલાલ કુશવાહાએ જો રેંકડી રાખવી હોય તો રૂ. ૧૦૦૦ હપ્તો આપવો પડશે તેમ કહ્યું હતું.

આ પછી રવિવારે છટકુ ગોઠવાયું હતું અને લાંચની રકમ સ્વીકારતાં સનેષને પકડી લેવાયા બાદ એએસઆઇને પણ ડિટેઇન કરી કાર્યવાહી કરાઇ હતી. એસીબીના મદદનીશ નિયામક એન. પી.ગોહિલના માર્ગર્દશનમાં પીઆઇ એસ. એન. દેસાઇ, કે. જે. ચોૈધરી સહિતે આ કામગીરી કરી હતી.

(12:43 pm IST)