Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

એ બાળકનું અપહરણ નહિ, ખુદ પિતાએ જ ગૂમ કરેલઃ સુરત પોલીસની તપાસમાં ધડાકો

ભીખારી (ચૌધરી)નો પુત્ર પ્રિન્સને આખી રાત દોડધામ કરી પોલીસે કઇ રીતે શોધ્યોઃ રસપ્રદ કથા : સુરતના પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર ટીમને એક જ માસમાં ગરીબ પરિવારના ત્રીજા સંતાનને શોધવાના માનવતાવાદી કાર્યમાં યશ મળ્યોઃ એડીશ્નલ પોલીસ કમિશ્નર એચ.આર. મુલીયાણાના સુપરવીઝનમાં એસીપી જયકુમાર પંડયા, પીઆઇ દેસાઇ સહીતની અડધો ડઝન ટીમ કામે લાગેલીઃ મૂળ રાજકોટના વતની એવા બે અધિકારીઓની કાબીલેદાદ કામગીરી

રાજકોટ, તા., ૫: સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં મજુરી કામ કરતા ભીખારી ચૌધરીનો પુત્ર પ્રિન્સ ગુમ થયાની ફરીયાદ  ગત રાત્રે નોંધાયા બાદ, પોલીસ માત્ર મોટા માથાઓ કે રાજકીય ભલામણ હોય તો જ રસથી કામ કરે તે માન્યતાનો સુરતના પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર ભુક્કો બોલાવ્યો છે. સુરતના એડીશ્નલ પોલીસ કમિશ્નર એચ.આર.મુલીયાણાના માર્ગદર્શન હેઠળ અડધો ડઝન ટીમોની રચના કરી હતી. એક ટીમનું સુકાન મદદનીશ પોલીસ કમિશ્નર જયકુમાર પંડયાએ સંભાળ્યું હતું.

બાળકના પિતાને ફરીયાદ આધારે તમામ  સીસીટીવીઓની વિવિધ ટીમો દ્વારા ચકાસણી થતા બાળક પિતાની સાથે જ હોવાની શંકા જાગી હતી. આગળ સીસીટીવી ચેક કરતા જ એક બસમાં પિતા જ પુત્રને બેસાડતા હોવાનું સ્પષ્ટ જણાતા આ ફરીયાદ અપહરણની ન હોવાનું ફલીત થયું હતું. પિતા પર પ્રશ્નોની ઝડી વરસાવતા પિતાએ જ આર્થિક સમસ્યાને લઇને પુત્રને તરછોડી દીધાનું ખુલ્યું હતું.

 પોલીસ માટે તો સમસ્યા એ હતી કે બાળકને શોધવો એ જ પ્રાથમીકતા હતી. આખી રાત પુછપરછનો દોર ચાલ્યો. દરમિયાન મદદનીશ પોલીસ કમિશ્નર જયકુમાર પંડયાને એવી જાણ થઇ કે એસટી અને રેલ્વે સ્ટેશન સામ-સામા આવેલ છે ત્યાં કોઇ બાળકને મુકી ગયું હતું. તુર્ત જ રેલ્વે પોલીસનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ કે આવો એક બાળક મળી આવતા તેની નજીકની શિશુવિહાર સંસ્થામાં મુકવામાં આવ્યો છે. આમ તુર્ત જ પોલીસે આખી રાત જહેમત ઉઠાવી બાળકને શોધીને જ જંપ લીધો હતો.

પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર ટીમ દ્વારા એક માસમાં સામાન્ય અને ગરીબ પરીવારના આ ત્રીજા બાળકને ગણતરીના કલાકોમાં શોધી પરીવારને સુપ્રત થયું છે. જીઆઇડીસી (સચીન) પીઆઇ દેસાઇ ટીમ પાંડેસરા પોલીસ ટીમ તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આ માનવતાવાદી કાર્યમાં જોડાઇને  પુણ્યના ભાગીદાર બન્યા હતા.

(12:20 pm IST)