Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

રાજપીપળામાં કોરોના કહેર વચ્ચે કેટલાક વિસ્તારમાં ગંદુ અને ડહોળું પાણી આવતા ગૃહિણીઓનો મિજાજ બગડ્યો

પાલિકા ચૂંટણીમાં આવી લાલીયાવાડીનો જવાબ આપીશું તેવી વાત કરતી સ્થાનિક મહિલાઓ:વારંવાર ઓછું પાણી આવવું પાણી આપવામાં પણ અમુક વિસ્તારો સાથે ઓરમાયું વર્તન કરવું સહિતની અમુક બાબતોનો આવનારી ચૂંટણીમાં પ્રજા જવાબ આપશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : એક તરફ રાજપીપળા શહેરમાં કોરોના ના કેસ વધતા જોવા મળી રહ્યા છે ત્યાં બીજી તરફ રાજપીપળા નગરપાલિકા દ્વારા અપાતું પીવાનું પાણી દરબાર રોડ વિસાતરમાં રવિવારે સવારે એકદમ ડહોળું આવતા આવા પાણીના કારણે બીજો કોઈ મોટો રોગચાળો ફાટે તેવી દહેશતથી ગૃહિણીઓ અકળાઈ ઉઠી હતી.આમ પણ ઘણા સમયથી ઓછું ઓછું આવવાની બુમો છે જેમાં રવિવારે સવારે એકદમ ડહોળું પાણી આવતા ગૃહિણીઓનો મિજાજ બગડ્યો હતો ત્યારે નજીકમાં આવી રહેલી પાલીકાની ચૂંટણીમાં પાલીકાની આવી બેદરકારી અને લાલીયાવાડી બાબતે અમે જડબાતોડ જવાબ આપી નવા ને તક આપીશું તેવી વાતો પણ સાંભળવા મળી હતી.
  રવિવારે સવારે પાલીકા દ્વારા અપાયેલુ પીવાનું પાણી તદ્દન ડહોળું અને ગંદુ આવતા પીવાનું તો પાણી કોઈ ભરી ન શક્યું પરંતુ કપડાં ધોવામાં પણ કામ ન લાગે તેવું પાણી આવતા સ્થાનિક મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો કેમ કે આમ પણ ઘણા સમયથી માલિવાડ, મોચીવાડ, પારેખ ખડકી સહિત લાઈબ્રેરી બોર માંથી છોડતું પાણી ઘણા ઓછા ફોર્સથી આવતું હતું અને આજ બોર માંથી અન્ય જગાયા પર અપાતું પાણી વધુ ફોર્સ માં અપાતું હોવાથી પાલીકા અમુક વિસ્તરો સાથે ઓરમાયું વર્તન કરાતું હોય તેમ જણાયું હતું અને હવે એકદમ ગંદુ અને ડહોળું પાણી આવતા નજીક માં આવી રહેલી પાલીકા ની ચૂંટણી માં મતદારો જવાબ આપશે તેવો રોષ જોવા મળ્યો હતો.જોકે અનેકવાર પાણી બાબતે ફરિયાદ કરવા છતાં કોઈ કાયમી ઉકેલ ન આવતા સ્થાનિક રહીશો હવે પાલીકા ની આવી લાલીયાવાડી થી કંટાળી ચુક્યા છે.જેની અસર આવનારી ચૂંટણી પર ચોક્કસ પડશે તેમ લાગી રહ્યું છે.

(10:24 pm IST)