Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

શહેરના નરોડામાંથી દારૂની હેરાફેરી કિશોર ઝડપાયો

દારૂની હેરાફેરીમાં બુટલેગરોની મોડેસ ઓપરેન્ડી : બુટલેગરો દારૂની હેરાફેરી આસાનીથી થઈ શકે તે માટે કિશોરોનો ઉપયોગ કરતા હોવાની વિગતો ખુલી રહી છે

અમદાવાદ,તા.૪ : ડોન લતીફે પૈસા કમાવવા માટે બાળપણમાં દારૂની હેરાફેરીના બે નંબરના ધંધામાં પગ મૂક્યો હતો. ડોન લતીફની જેમ ૧૪ વર્ષની રમવાની ઉંમરે પૈસા કમાવા માટે દારૂની હેરાફેરી કરતા રાજસ્થાની કિશોરને નરોડા પોલીસે ઝડપી લીધો છે. બુટલેગરો પોલીસને શંકા ના જાય અને દારૂની હેરાફેરી આસાનીથી થઈ શકે તે માટે કિશોરોનો ઉપયોગ કરતા હોવાની વિગતો ખુલી રહી છે. નરોડા પોલીસને શનિવારે મેસેજ મળ્યો હતો કે, ગંગોત્રી સોસાયટી પાસે ગાડીમાં બે છોકરાઓની બેગમાંથી દારૂની બોટલો મળી છે. જે મેસેજના આધારે નરોડા પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે ૧૪ વર્ષનો કિશોર હાજર હતો. પોલીસને તેની પાસેની બેગમાંથી બિયરની ૩૨ બોટલ મળી હતી. પોલીસ તપાસમાં બિયરની બોટલો સાથે ઝડપાયેલો કિશોર મૂળ રાજસ્થાનના બાસવાડા જિલ્લાના આનંદપુરી તાલુકાના પીપલાઈ ગામનો રહેવાસી છે. ૧૪ વર્ષની ઉંમરે દારૂની હેરાફેરી કરતા કિશોરને જોઈ પોલીસ પણ હેબતાઈ ગઈ હતી. પોલીસે કિશોરની પૂછપરછ કરી હતી. પોલીસ તપાસમાં ખૂલેલી વિગત મુજબ કિશોર સઆઠે કુબેરનગર વિસ્તારમાં રહેતો વિજય ઠાકોર પણ હતો. વિજય ઠાકોર રાજસ્થાનથી કિશોર જોડે બિયરની બોટલો લાવ્યો હતો. બન્ને જણા બિયરની બોટલો સગેવગે કરવાની યોજનામાં હતા. તે દરમિયાનમાં પોલીસ આવશે તેવા ડરથી વિજય સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. નરોડા પોલીસે આ અંગે ગુનો નોંધી કાયદાના સઘર્ષમાં આવેલા કિશોરની પૂછપરછ કરી વિજયની શોધખોળ હાથ ધરી છે. પોલીસે સ્થળ પરથી રૂ.૪૮૦૦નો બિયરનો જથ્થો, રૂ.૫ હજારનો મોબાઈલ ફોન વગેરે કબ્જે લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી છે.

(9:45 pm IST)