Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

મેયર બીજલબેન ટુંકા ગાળામાં બીજી વખત વિદેશ પ્રવાસે જશે

મેયરને બે વખત વિદેશ પ્રવાસ માટેની તક મળીઃ ર૧-ર૩ ઓક્ટોબરે યુકેની એક સમિટમાં જોડાશે : વિપક્ષે નારાજગી વ્યકત કરી ખોટા અને ઉડાઉ ખર્ચની ટીકા કરી

મદાવાદ, તા.૫: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના ઉચ્ચ હોદ્દેદારો અને કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓના વિદેશ પ્રવાસની નવાઇ નથી. આ મહાનુભાવો કાં તો સ્ટડી ટૂર અથવા તો કોઇ ગ્લોબલ સમિટ કે ઇવેન્ટના કાર્યક્રમમાં હાજરી આપવા જતા હોય છે. છેલ્લા બે દાયકામાં આ પ્રકારના ૧૦૦થી વધુ વિદેશ પ્રવાસ થઇ ચૂક્યા છે પરંતુ શહેરના વર્તમાન મહિલા મેયર બીજલબહેન પટેલ આ મામલે નસીબદાર નીકળ્યા છે. કારણ કે, બીજલબહેન ફક્ત સવા મહિનાની અંદર બીજી વખત વિદેશની ધરતી પર અમદાવાદનું પ્રતિનિધિત્વ કરવા જવાનાં છે. મેયરની બીજી વખત વિદેશ મુલાકાતને લઇ એકબાજુ તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહની લાગણી ફેલાયેલી જોવા મળી રહી છે, તો બીજીબાજુ, વિપક્ષે આ મામલે નારાજગી વ્યકત કરી ખોટા અને ઉડાઉ ખર્ચાની ટીકા કરી છે. આમ તો અમદાવાદ કોર્પોરેશનના મોટા ભાગના મેયર પોતાના કાર્યકાળમાં અમેરિકાનો પ્રવાસ ખેડી ચૂક્યા છે. સ્વ.અનીસાબેગમ મિર્ઝાથી લઇને છેલ્લા મેયર ગૌતમ શાહ વગેરે અમેરિકાનો આંટો મારી આવ્યા છે, તેમાં પણ કોંગ્રેસના શાસનકાળમાં તત્કાલીન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીલાલ પરમારે તો આખ્ખી સ્ટેન્ડિંગ કમિટીને અમેરિકાનો પ્રવાસ કરાવ્યો હતો તેમજ અમેરિકામાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજીને ભારે વિવાદ ઊભો કર્યો હતો. મેયર બીજલબહેન પટેલ અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં હાઇ લેવલ ગ્લોબલ ક્લાઇમેટ સમિટમાં ભાગ લેવા ગયાં હતાં. ત્યાં તેમણે ઇન્ડિયા ક્લાઇમેટ એક્શન વિષય પર સ્પીકરપદે હાજરી આપી હતી. તેમની સાથે એક ઉચ્ચ અધિકારી પણ અમેરિકાના પ્રવાસમાં જોડાયા હતા. ગઇકાલની સ્ટેન્ડિંગ કમિટીમાં મેયર બીજલબહેન પટેલના આગામી તા.ર૧ થી ર૩ ઓક્ટોબર, ર૦૧૮ દરમ્યાન યુકેના એક સમિટમાં ભાગ લેવા અંગે તંત્ર દ્વારા રજૂ કરાયેલી દરખાસ્તને લીલીઝંડી અપાઇ છે. આ દરખાસ્ત મુજબ મેયર બીજલબહેન પટેલ યુકેના બ્રિસ્ટલમાં ગ્લોબલ પાર્લામેન્ટ ઓફ મેયર્સ એન્યુઅલ સમિટ-ર૦૧૮માં ભાગ લેશે. આ વિદેશી પ્રવાસનો ખર્ચ મ્યુનિસિપલ કોર્પોરેશન ભોગવશે, જોકે હાલના તબક્કે તેમની સાથે કોઇ ઉચ્ચ અધિકારીના નામની દરખાસ્ત રજૂ થઇ ન હોઇ તેઓ એકલાં યુકે જાય તેવી શકયતા સેવાઇ રહી છે, છેલ્લી ઘડીયે તેમની સાથે કોઇને મોકલાય તો નવાઇ નહી.

(10:21 pm IST)