Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

સિંહોના મોતને લઇને મોરારીબાપુ દુખી થયા

પૂર્ણ કાળજી લેવા માટે અપીલ

અમદાવાદ, તા.૫: ગીર પંથકમાં ૨૩ સિંહના મોત બાદ ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં ખળભળાટ મચી ગયો છે અને તેને પગલે વન વિભાગ અને સરકારના અધિકારીઓ પણ દોડતા થઈ ગયા છે ત્યારે ગુજરાતના ગૌરવ અને ગુજરાતની આગળવી ઓળખ સમા એશિયાટીક લાયન એવા સિંહના મોતને લઇ આજે અમરેલીમાં  સુપ્રસિધ્ધ કથાકાર મોરારિબાપુએ પણ ભારે દુઃખ વ્યક્ત કર્યું હતું. મોરારીબાપુએ સિંહોના અકાળે મોત અંગે ઉંડા આઘાતની લાગણી વ્યકત કરતાં જણાવ્યું હતું કે, એકસાથે આટલા સિંહોના મોતની આ ઘટના દુઃખદ છે. શું કામ બન્યું છે, શું થઈ રહ્યું છે, બધા તપાસ કરે છે. પરંતુ ૨૩ સિંહોના મોત થયા તેના મૂળમાં તંત્રએ જવું જોઈએ. મોરારીબાપુએ રાજય સરકાર અને વનવિભાગને જાગૃત થઇ આ પ્રકારનો બનાવ ફરી ના બને તેની કાળજી લેવા ભારપૂર્વકનો અનુરોધ પણ કર્યો હતો. ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ના બને તે માટે બધાએ જાગૃત થવું જોઈએ. આજે મોરારિબાપુએ અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે આવેલા આરોગ્ય મંદિર બહાર આવેલા એક ગાર્ડનમાં વૃક્ષારોપણ કર્યું હતું. જેમાં ખૂબ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને આગેવાનો હાજર રહ્યા હતા. આ આરોગ્ય મંદિરમાં વિના મૂલ્યે દર્દીઓની સારવાર કરવામાં આવે છે. વૃક્ષારોપણ કર્યા બાદ બાપુએ આરોગ્યમંદિરની પણ મુલાકાત લીધી હતી.

(10:19 pm IST)