Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદનો માહોલ અકબંધ

જુનાગઢ, કેશોદ, માળિયામાં ભારે વરસાદ : વલસાડ-વાપીમાં પણ વરસાદ : લોપ્રેશરની સ્થિતિ હોવાથી માછીમારોને દરિયામાં ન જવા સૂચના : તંત્ર એલર્ટ ઉપર

અમદાવાદ, તા. ૫ : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જુદા જુદા ભાગોમાં આજે પણ વરસાદી માહોલ રહ્યો હતો. વરસાદના પરિણામ સ્વરુપે લોકોમાં એકબાજુ ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. બીજી બાજુ કેટલાક વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ પડવાથી અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. વિજળી પણ ડુલ થઇ ગઇ હતી. સૌરાષ્ટ્રના જે વિસ્તારોમાં આજે પણ વરસાદ થયો હતો તેમાં જુનાગઢ અને તેના આસપાસના વિસ્તારો, માળિયા, કેશોદનો સમાવેશ થાય છે. બીજી બાજુ વલસાડ, વાપીમાં પણ વરસાદી માહોલ રહ્યો હતો. ઘણા વિસ્તારમાં વિજળી ડુલ ઇ ગઇ હતી. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી દક્ષિણ પશ્ચિમ મોનસુન હવે પરત ખેંચાઈ રહ્યું છે. વરસાદી સિઝન પૂર્ણાહૂતિના તબક્કામાં છે ત્યારે વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ આજે વરસાદ થયો હતો. બીજી બાજુ ભુજમાં આજે પારો ૪૧.૨ સુધી પહોંચ્યો હતો. હવામાન વિભાગના કહેવા મુજબ અરબી દરિયામાં લોપ્રેશરની સ્થિતિ સર્જાઈ શકે છે જેથી માછીમારોને ૪૮ કલાક સુધી દરિયામાં ન જવા માટે કહેવામાં આવ્યું છે. ગુજરાતના જુદા જુદા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જારી રહી શકે છે. આગામી બે ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ અકબંધ રહી શકે છે. આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં કચ્છમાં ૮૯ ટકા વરસાદની ઘટ રહી છે અને માત્ર ૨૬.૫૧ ટકા વરસાદ થયો છે. ગુજરાતમાં સરેરાશ ૭૬.૬૧ ટકા વરસાદ થયો છે. કચ્છમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. બીજી બાજુ હવામાનના કહેવા મુજબ દક્ષિણમાં હળવા વરસાદી ઝાપટા જારી રહી શકે છે. આજે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ પડ્યો છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૭.૩ ડિગ્રી નોંધાયું હતુ ંજ્યારે ભુજમાં આજે પણ પારો ૪૧.૨ સુધી રહ્યો હતો. આ વર્ષે નોર્મલ કરતા ઓછો વરસાદ રહ્યો છે. જો કે, દેશના ૨૫૧ જિલ્લામાં દુષ્કાળનું સંકટ છે.  દેશમાં વરસાદી સિઝન પહેલી જૂન ૨૦૧૮ના દિવસે મોનસુનની શરૂઆત થયા બાદથી ૧૧૭ દિવસ સુધી રહી છે જેમાં લોંગ ટર્મ એવરેજના માઇનસ નવ ટકા વરસાદ રહ્યો છે. આઈએંમડી દ્વારા આંકડા જારી કરવામાં આવ્યા બાદ સ્થિતિમાં સુધારો થયો છે. દરમિયાન એલર્ટની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. લોપ્રેશરની સ્થિતિ હોવાથી તંત્ર સાબદુ કરાયું છે.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ, તા. ૫ : ગુજરાતના જુદા જુદા ભાગોમાં વરસાદી માહોલ અકબંધ રહ્યો છે. બીજી બાજુ મહત્તમ તાપમાનને લઇને પણ આશ્ચર્યની સ્થિતિ છે. ક્યાં કેટલું તાપમાન રહ્યું તે નીચે મુજબ છે.

સ્થળ....................................... તાપમાન (મહત્તમ)

અમદાવાદ.................................................... ૩૭.૩

ડિસા............................................................ ૩૯.૨

ગાંધીનગર................................................... ૩૬.૨

ઇડર............................................................. ૩૭.૨

વડોદરા........................................................ ૩૬.૮

સુરત........................................................... ૩૭.૮

વલસાડ........................................................ ૩૫.૯

અમરેલી....................................................... ૩૭.૨

ભાવનગર..................................................... ૩૮.૧

રાજકોટ............................................................ ૩૮

સુરેન્દ્રનગર...................................................... ૩૯

ભુજ............................................................. ૪૧.૨

કંડલા પોર્ટ                                                 ૩૯.૮

(8:33 pm IST)