Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

અર્બન હેલ્થ સેન્ટરની મહિલા કર્મીની થયેલ જાતિય સતામણી

બનાવને પગલે સરદારનગરમાં ભારે ચકચાર : અર્બન હેલ્થ સેન્ટરના વોર્ડ બોય દ્વારા જ જાતિય સતામણી થતાં મહિલા કર્મચારીએ ઉપરી અધિકારીને ફરિયાદ કરી

અમદાવાદ,તા.૫ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ન્યુ સરદારનગરના અર્બન હેલ્થ સેન્ટરના એક મહિલા કર્મચારીની જાતીય સતામણીનો કિસ્સો પ્રકાશમાં આવતાં ભારે ચકચાર મચી ગઇ છે. આ મહિલા કર્મચારીએ અર્બન હેલ્થ સેન્ટરના વોર્ડબોય વિરુદ્ધ તંત્રમાં જાતીય સતામણીને લગતી લેખિત ફરિયાદ કરતાં અમ્યુકો વર્તુળમાં પણ ભારે ચર્ચા જાગી છે. મહિલા કર્મચારીની ફરિયાદને પગલે અમ્યુકોની મહિલા જાતીય સતામણી ફરિયાદ નિવારણ સમિતિ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. ન્યુ સરદારનગરના અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીએ ગત તા.૮ સપ્ટેમ્બર, ર૦૧૮એ અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસરને સંબોધીને કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્યા મુજબ, આ જ કચેરી ખાતે વોર્ડબોય તરીકે ફરજ બજાવતા નામે નરેશભાઇ જે. વાઘેલા મને છેલ્લા એક મહિનાથી સતત ફોન કરી હેરાન કરે છે અને અશોભનીય તથા અયોગ્ય માગણીઓ કરે છે. આ સિવાય કચેરીથી મારા ઘરે આવવા-જવાના રસ્તા પર ઊભા રહી હેરાન કરે છે. મારી આ બાબતે વખતોવખત ના પાડવા છતાં પણ તેમની હેરાનગતિ હજુ પણ ચાલુ છે. તેમની આ પ્રકારની સતામણીથી હું સતત માનસિક ત્રાસ અનુભવી રહી છું. તેમણે કરેલા ફોન કોલની વિગત પુરાવા સાથે મારી પાસે રાખેલ છે. આ અંતર્ગત આપ સાહેબશ્રીને મારી સલામતી અંગે વિચારી નરેશભાઇ જે. વાઘેલા સામે કડક પગલાં ભરી મને ન્યાય આપવા વિનંતી છે. દરમ્યાન આ મહિલા કર્મચારીની જાતીય સતામણીને લગતી લેખિત ફરિયાદને હેલ્થ વિભાગના ઇન્ચાર્જ વડા ડો.ભાવિન સોલંકી દ્વારા ગંભીરતાથી લેવાઇ છે. આ અંગે તેમણે ગત તા.ર૪ સપ્ટેમ્બર, ર૦૧૮એ મ્યુનિસિપલ કોર્પોરેશનના મહિલા જાતીય સતામણી ફરિયાદ નિવારણ સમિતિના કોર્ડિનેટર હીનાબેન ભાથાવાલાને પત્ર પાઠવીને જરૂરી તપાસ હાથ ધરી પંદર દિવસમાં રિપોર્ટ આપવાની તાકીદ કરી છે. જો કે, મહિલા કર્મચારીની આ ફરિયાદને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે, તો અમ્યુકો ખાસ કરીને અર્બન હેલ્થ સેન્ટરના વર્તુળમાં ભારે ચર્ચાનો મુદ્દો બન્યો છે.

બોર્ડની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે શાળા ખર્ચ નહીં લઇ શકે

(8:32 pm IST)