Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

વાપી જીઆઇડીસી નજીક હોસ્પિટલ જાવું દંપતીને મોંઘુ પડ્યું: તસ્કરો ઘરમાંથી 9 તોલા દાગીના તફડાવી છૂમંતર

વાપી:જીઆઈડીસી મોરારજી સર્કલ નજીક સોસાયટીમાં આવેલા બંગલામાંથી તસ્કરો રોકડા રૂ. ૧૫ હજાર તથા સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ. ૧.૯૫ લાખના માલમત્તાની ચોરી કરી ભાગી છૂટયા હતા. બંગલા માલિક પત્નીને હોસ્પિટલમાં સારવાર કરાવવા લઈ ગયા અને તસ્કરો ખેલ કરી ગયા હતા.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વાપીના મોરારજી સર્કલ નજીક ક્રિષ્ણા કો.ઓ.હા.સો.ના બંગલા નં.૧માં પરેશ નંદશંકર ભટ્ટ પરિવાર સાથે રહે છે. વાપી જીઆઈડીસીમાં કંપની ચલાવતા પરેશભાઈ ભટ્ટ બે દિવસ અગાઉ પત્નીની તબિયત સારી નહી હોવાથી ઈન્ડિકા વિસ્ટા કારમાં ચણોદ ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. બંને દંપતિ તબીબને બતાવ્યા બાદ પરત ઘરે આવ્યા હતા. તે દરમિયાન મુખ્ય દરવાજાનું તાળુ તૂટેલું જોતા ચોકી ગયા હતા. બાદમાં અંદર પ્રવેશી તપાસ કરતા જોતા માલસામાન વેરવિખેર અને કબાટ તથા પર્સમાંથી રોકડા રૂ. ૧૫ હજાર, ૯ તોલા સોનાના ઘરેણાં, ૩ કિલો ચાંદીની પાટ મળી કુલ રૂ. ૧.૯૫ લાખના માલમત્તાની ચોરી થયાનું માલૂમ પડયું હતું. બનાવ અંગે પરેશ ભટ્ટે વાપી ઉદ્યોગનગર પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની વધુ તજવીજ આદરી છે. શહેરમાં ચોરી, ચીલઝડપ, તફડંચી સહિતના ગંભીર પ્રકારના ગુનાઓનો આંક દિન-પ્રતિદિન વધી રહ્યું છે. છતાં પોલીસ નોંધાયેલા ગુનાને ઉકેલવામાં અસમર્થ રહી છે.

 

(5:49 pm IST)