Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

અમદાવાદમાં પરિવારના સભ્‍ય ઉપર વૃક્ષ પડતા કોર્ટે કોર્પોરેશન તંત્રને જવાબદાર ઠેરવ્યુઃ પીડિત પરિવારને આર્થિક વળતરરૂપે ૨.પ લાખ ચૂકવવા આદેશ

અમદાવાદઃ રસ્તા પરનું ઝાડ એક પરિવારના સભ્યની માથે પડતા સ્થાનિક કોર્ટે અમદાવાદ કોર્પોરેશનને જવાબદાર ગણાવ્યું છે. આવી બેદરકારી બદલ કોર્પોરેશન જવાબદાર હોવાનું સ્પષ્ટ કર્યું છે. ઉપરાંત, પીડિત પરિવારને આર્થિક વળતર ચૂકવવા માટે પણ આદેશ કર્યા છે. કેસમાં પરિવારે દોઢ લાખની માગ કરી છે. જ્યારે કોર્ટે સ્થાનિક તંત્રને કેસમાં 8 ટકાના વ્યાજ સાથે 2.5 લાખ રકમ ચૂકવવા માટે આદેશ કર્યા હતા.

હકીકતમાં વાત 28 વર્ષ પહેલાની છે. જ્યારે ભરત ઠાકરના પત્ની પર ઝાડ પડ્યું હતું. આટલા લાંબાગાળાના સમય બાદ કોર્ટે ચૂકાદો આપ્યો છે. ઉપરાંત કોર્ટે વાત ફગાવી દીધી હતી કે, ઝાડ કુદરતી રીતે પડ્યું હતું. સિવિક ઓથોરિટીની બેદરકારીને કારણે વ્યક્તિનો ભોગ લેવાયો હતો. શહેરના મણિનગર વિસ્તારમાં રહેતા ભરત ઠાકર તા. 16 ઓગસ્ટ 1990ના રોજ જ્યારે પત્ની મીનાબેન સાથે સ્કૂટર પર નીકળ્યા ત્યારે સોસાયટીની બાજુમાં એક મોટું ઝાડ તેમની માથે પડ્યું હતું. જેમાં બ્રેઇન હેમરેજ થઇ જતા પત્નીનું મોત નીપજ્યું હતું.

બીજી તરફ દીકરીને ઈજા થતા ફેક્ચર થયું અને ભરતભાઇને સામાન્ય ઈજા પહોંચી હતી. પરિવારે કોર્પોરેશન સામે દાવો માંડ્યો હતો. તંત્રની બેદરકારીને કારણે મીનાબેનનું મૃત્યું નીપજ્યું હતું. મીનાબેન એક શાળામાં શિક્ષિકા હતા. તેથી પરિવારને આર્થિક ફટકો પડ્યો હતો. પરિવારે દલીલ કરી હતી કે, બોમ્બે પ્રોવિન્સિઅલ મ્યુનિસિપલ એક્ટ અનુસાર ઝાડ ઉછેરવા, જતન કરવું અને યોગ્ય સમયે કાપવા તમામ કોર્પોરેશનની જવાબદારીમાં આવે છે. જેમાં જાનમાલને કોઇ નુકસાન થાય તેનું ધ્યાન રાખવું સ્થાનિક તંત્રની ફરજ છે.

બે દાયકા બાદ કોર્ટે કેસને ગંભીરતાથી લીધો અને કોર્પોરેશનની ઝાટકણી કાઢી. ચોમાસામાં કુદરતી રીતે ઝાડ પડે છે એવી દલીલને નકારી કાઢી. કોર્ટે કહ્યું કે, એક અકસ્માત છે અને તંત્રએ હાલ સુધી કંઇ કર્યું નથી. જોકે, પહેલા પણ તંત્રને નોટિસ ફટકારવામાં આવી હતી પણ તંત્રએ ગણકારી નથી. જોકે, તંત્ર તરફથી એવી પણ દલીલ થઇ કે, પરિવારને પોતાની સુરક્ષાનું ધ્યાન રાખવું જોઇતું હતું. તંત્ર દર વખતે ઝાડ પાડતી વખતે જાહેરાત કરી શકે, જોકે, કોર્ટે પોતાનું કડક વલણ જાળવી રાખ્યું હતું.

ચીફ જસ્ટિસ બી જે ગણાત્રાએ તંત્ર, બાગ-બગીચા શાખા, પ્લાનિંગ ડ્યુટી ઓફિસર તથા મેઇનટેનિંગ સ્ટાફ સામે કડક સવાલ કર્યા હતા. કોર્ટે કહ્યું કે, કોર્પેરેશને કોઇ સમયગાળા દરમિયાન કોઇ તકેદારી લીધી નથી. ઉપરાંત ઝાડની વધી ગયેલી ડાળખીઓ પણ યોગ્ય રીતે કાપી નથી. કોર્ટે કેસને ગંભીરતાથી લઇને જણાવ્યું કે, તંત્રની બેદરકારીને કારણે વ્યક્તિનો ભોગ લેવાયો છે તેથી વળતર વ્યાજ સાથે ચૂકવવું પડશે.

(5:08 pm IST)