Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

ટોચના આઇપીએસ અધિકારીઓની ખાલી પડનાર જગ્યા માટે ગાંધીનગરમાં ડીપીસી બેઠક મળી

મોડી રાત સુધી ચર્ચા ચાલી પીઆઇ ટુ ડીવાયએસપીઓની બઢતી-બદલીની, હકિકત કંઇક જુદી જ હતીઃ ડીજી કક્ષાના વિપુલ વિજોયની નિવૃતીઃ અમદાવાદના સીપી એ.કે.સિંઘનું દિલ્હી ડેપ્યુટેશન તથા જાન્યુઆરીમાં ડીજી કક્ષાના તીર્થરાજ નિવૃત થાય છે, ૧૯૮૬ બેચના સતીષ શર્મા-કેશવકુમાર અને વિનોદ મલ્લને ડીજી બનાવવા કવાયતઃ મનોજ શશીધર પણ એડીશ્નલ ડીજી બની સારૂ પોષ્ટીંગ મેળવશેઃ આશીષ ભાટીયા અમદાવાદના સીપી બને તો સતીષ શર્મા સીઆઇડી ક્રાઇમમાં? કે પછી મૂળ જગ્યાએ જ બઢતીઃ ઉથલપાથલ અંગે રાજયભરમાં હોટ ટોપીક ચર્ચા

રાજકોટ, તા., ૫: રાજય પોલીસ તંત્રના સિનીયર પોલીસ ઇન્સ્પેકટરોને સાંજ સુધીમાં બઢતી મળવા સાથે ડીવાયએસપી કક્ષાએ બદલી સહીતના મોટા ફેરફારો મોડી રાત સુધીમાં થઇ જશે તેવા અહેવાલો મોડી રાત સુધી પોલીસ તંત્રના વોટસએપ ગૃપમાં પ્રસરતા રહયા. પરંતુ આ બાબતે તપાસ કરતા કંઇક જુદુ જ નિકળ્યંુ.

સિનીયર કક્ષાના આઇપીએસ અધિકારીને બઢતી આપવા માટે ગૃહ ખાતામાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓની ડીપાર્ટમેન્ટલ કમીટીની બેઠક મળી હતી. આ બેઠક માટે ઉચ્ચ ઓફીસરો ભેગા થતા એવી ચર્ચાએ જોર પકડયું કે ૯૦ જેટલા પોલીસ ઇન્સ્પેકટરોને ડીવાયએસપી બનાવાઇ રહયા છે. ડીવાયએસપીઓની મોટે પાયે બદલીઓ થઇ રહી છે. આવી ચર્ચા જો કે સાવ અસ્થાને ન ગણાય. પોલીસ ઇન્સ્પેકટરોને બઢતી આપવાની વાત છેલ્લા ૭-૮ માસ થયા ચાલે છે. પરંતુ આ માટેનું મુહુર્ત ગૃહ ખાતામાં આવતું નથી. આ બઢતીના વિલંબ પાછળ ચોક્કસ પીઆઇના સારા પોષ્ટીંગ માટેના દબાણ, ચોક્કસ પીઆઇના ખાતાકીય ઇન્કવાયરી પેન્ડીંગ જેવી સાચી-ખોટી ચર્ચા વધુ વિલંબના કારણે જોશભેર ચાલે છે.

દિપોત્સવી તહેવારો નજદીક હોવાથી અને પોલીસ ઇન્સ્પેકટરોએ તહેવારોમાં આંદોલનોમાં જે રીતે રાત-દિવસ જોયા વગર કામગીરી કરી તેનાથી પ્રભાવીત થઇ બઢતી-બદલીની ફાઇલ હાથમાં લીધી હશે તેવું સમજી મોટા ભાગના પીઆઇઓ મનોમન લાંબા સમયે ખુબ રાજી થયા. જો કે સવાર પડતા સુધીમાં જ તેમના નહિ મોટા ટોપાઓના જ બઢતી-બદલી માટે ગૃહ ખાતુ  સક્રિય બનેલ તે જાણી ફરી નિસાસો નાંખી ફરી માનસીક હતાશામાં ઘેરાઇ ગયા છે.

ફરી મુળ વાત પર આવીએ તો રાજય પોલીસ તંત્રમાં ડીજી કક્ષાના સ્ટેટ ટ્રાફીકના ડીજી વિપુલ વિજોયની નિવૃતી, અમદાવાદના સીપીનું દિલ્હી ડેપ્યુટેશન તથા જાન્યુઆરી માસમાં ડીજી કક્ષાના તિર્થરાજની નિવૃતી વિગેરે કારણો કારણભૂત હતા. જો કે આવતા વર્ષે મોહન ઝા અને વી.એમ.પારગી, જે.કે.ભટ્ટ વિગેરે નિવૃત થઇ રહયા છે. ડીજી કક્ષાએ ૧૯૮પ બેચના તમામ અધિકારીઓ ડીજી પદે છે. હવે ૧૯૮૬ બેચ ડીજી બનવા માટે હકકદાર છે. ૧૯૮૬ બેચમાં સૌ પ્રથમના સુરતના પોલીસ કમિશ્નર સતિષ શર્માનું છે તે પછી કેશવકુમાર (ઇન્ચાર્જ એસીબી વડા) તથા વિનોદ કુમાર મલ્લનું નામ છે. ઉકત ત્રણેયને ડીજીપી બનાવાશે. સતીષ શર્માને ડીજી બનાવાયા બાદ ચુંટણી ધ્યાને લઇ મૂળ જગ્યાએ ચાલુ રાખવા કે પછી સીઆઇડી ક્રાઇમમાં મુકવા?  તે અંગે મથામણ ચાલે છે. સીઆઇડી ક્રાઇમના ડીજી કક્ષાના વડા આશીષ ભાટીયા અમદાવાદ પોલીસ કમિશ્નર પદ માટે હોટ ફેવરીટ છે. સુરતમાં સતીષ શર્માને બદલવાના થાય તો તેમના સ્થાને સુરતના અનુભવીને ચુંટણી ધ્યાને લઇ મુકવાનું સરળ રહે આ માટે પોલીસ ભવનમાં ફરજ બજાવતા એડીશ્નલ ડીજી કક્ષાના ડો. કે.એલ.એન.રાવની શકિતનો ઉપયોગ કરવા વિચારણા સાથે અજય તોમરનું નામ પણ વિચારણામાં છે. એડીશ્નલ ડીજીપી કક્ષાએ ખાલી પડનાર જગ્યા માટે જેમનું નામ મોખરે છે તેવા મનોજ શશીધર પણ સુરત પોલીસ કમિશ્નર માટે ફીટ અફસર છે. ભાવનગર રેન્જના વડા નરસિંમ્હા કોમાર જેવા સક્ષમ અધિકારીની સેવા કોઇ મોટા શહેરમાં લેવી જોઇએ તેવો પણ મત પ્રવર્તી રહયો છે. (૪.૬)

(3:58 pm IST)