Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

નવરાત્રીમાં ગુજરાતીઓ રેઈન ડાન્સની તૈયારી કરેઃ આવી રહ્યું છે વાવાઝોડુ ''લુબાન''

એકાદ દિવસમાં તામિલનાડુ અને કેરળમાં અસર દેખાવા લાગશેઃ દેશના અલગ- અલગ રાજયોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરતું હવામાન ખાતુ: ગુજરાતીઓ રેઇન ડાન્સની નવરાત્રિમાં કરો તૈયારીઓ, વાજતે ગાજતે આવી રહ્યું છે

અમદાવાદ,તા.૫: દેશમાં વાવાઝોડુ લુબાન આવી રહ્યું છે. જેના સ્વાગતની તૈયારી માટે દેશના ૩ રાજયોએ તૈયારી કરી લીધી છે. આગામી દિવસોમાં ગરમીનો પારો ઘટવાની સાથે વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે.  ''લુબાન'' નામનું ચક્રવાત એકાદ દિવસમાં પોતાની અસર દેખાડવા લાગશે. દેશના ૩ રાજયોમાં ભારે વરસાદની આગાહી અપાઈ છે. તામિલનાડુ અને કેરળમાં તો વરસાદ ચાલુ થઈ ગયો છે. આગામી દિવસોમાં લુબન નવરાત્રિ બગાડે તેવી પૂરી સંભાવના છે.

હવામાનખાતા દ્વારા ભારે વરસાદની આગાહીને પગલે કેરળ અને લક્ષદ્વીપમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. કેરળ સરકાર દ્વારા રાજયના ત્રણ જિલ્લામાં લોકોને સાવધાન રહેવા તાકીદ કરાઈ છે. જે ત્રણ જિલ્લાને સાબદા કરાયા છે, તેમાં ઈડુક્કી, પલક્કડ અને થ્રિશુરનો સમાવેશ થાય છે. કર્ણાટકમાં સરકારે રેડ એલર્ટ જાહેર કરી છે. દરિયા કાંઠાના વિસ્તારોમાં સ્કૂલોમાં પણ સરકારે રજા જાહેર કરી દીધી છે. તામિલનાડુંમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. કર્ણાટકમાં આ સપ્તાહમાં ભારે વરસાદ પડવાની સંભાવનાને પગલે તંત્ર પણ એલર્ટ બન્યું છે. ચક્રવાત લુબનને પગલે દેશમાં ગરમીનો પારો નીચે આવી છે. દિલ્હી સહિત દેશભરમાં વાદળો છવાયેલા રહેશે. ગુજરાતમાં ગરબાના શોખિનોએ રેઈન ડાન્સની તૈયારી કરવી પડશે. ૧૧મીથી ગુજરાતમાં વાતાવરણ બદલાઈ જશે.

દેશના અલગ-અલગ રાજયોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ૪૮ કલાકમાં પોડુચેરી, કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત લક્ષદ્વીપ, આંદમાન નિકોબારમાં પણ વરસાદ પડવાની શકયતા છે. હવામાન વિભાગની આગાહીના પગલે રાજય સરકારને એલર્ટ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. મહત્વનું છે કે, કેરળમાં ગત્ત દિવસે વરસાદ અને પુરના કારણે તારાજી સર્જાઈ હતી. કેરળમાં પુરના કારણે ૪૫૦થી વધારે લોકોના મોત થયા હતા. જેથી વરસાદની પ્રબળ શકયતા ધરાવતા રાજયમાં વહીવટી તંત્રને એલર્ટ રહેવાના આદેશ આપવામાં આવ્યા  છે. અરબી સમુદ્રમાં દરિયાકિનારે આવેલા તમામ રાજયોમાં આ ચકવાતની અસર દેખાશે.

પલક્કડમાં તકેદારીનાં પગલાંરૂપે માલમપૂજા બંધમાં પાણીની સપાટી ઘટાડવા માટે તેના ૪ દરવાજા ખોલવામાં આવ્યા છે, આને કારણે પાણીની સપાટી ૯ સે.મી. સુધી ઘટશે તેવી ગણતરી છે. સત્તાવાળાઓ દ્વારા સ્થિતિ પર સતત નજર રખાઈ રહી છે. ખાનગી હવામાનસંસ્થા સ્કાયમેટના જણાવ્યા મુજબ શુક્રવારે અરબી સમુદ્રમાં સર્જાનારાં આ વાવાઝોડાને 'લ્યુબન' નામ આપવામાં આવશે. હળવાં દબાણનો પટ્ટો ઉત્તરપૂર્વ દિશામાં આગળ વધશે અને ભારે વરસાદ પડશે તેમ સ્કાયમેટે જણાવ્યું હતું. કેરળ સરકાર દ્વારા એનડીઆરએફની ટીમને સાબદી કરાઈ છે. કેરળ રાજય ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક યોજીને કોઈપણ સ્થિતિને પહોંચી વળવા અને યુદ્ઘનાં ધોરણે પગલાં લેવા સત્તાવાળાઓને આદેશ અપાયો છે. ગુજરાતમાં આ લુબનની અસર ૧૧મીની આસપાસ થઇ શકે છે. એટલે નવરાત્રિમાં રેઇન ડાન્સ કરવાની તૈયારી ગુજરાતીઓએ કરવી પડશે.(૩૦.૫)

(9:10 pm IST)