Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

પરપ્રાંતિયોની સુરક્ષા માટે પોલીસ સતર્ક : શિવાનંદ ઝા

બનાસકાંઠામાં બાળકી સાથે દુષ્કર્મ બાદ ફાટી નીકળેલા રોષને કારણે નિર્દોષ લોકો પર થઇ રહેલા હુમલાની ઘટનાઓમાં કડક રાહે પગલા લેવાશે : SRP સ્ટેન્ડ ટુ

રાજકોટ તા. ૫ : બનાસકાંઠામાં બાળકી સાથે દુષ્કર્મ બાદ લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વિવિધ પ્રકારે લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. જેમાં ખાસ કરીને મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગરમાં પરપ્રાંતિય લોકો પર હુમલાઓની ઘટના વધી રહી છે. આવી ઘટનાને લઇને રાજય સરકારે પોલીસને તાત્કાલિક આરોપીઓ વિરુદ્ઘ કાર્યવાહી કરવા તથા ઘટના રોકવા પગલા લેવાની સૂચના આપી છે.

ગાંધીનગર ખાતે DGP શિવાનંદ ઝાએ નિવેદન આપતાં જણાવ્યું કે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગરમાં પરપ્રાંતિય પર હુમલાની ઘટના બની છે. આ ઘટનામાં આરોપીઓ વિરુદ્ઘ કાર્યવાહી કરવામાં આવશે. તથા આવી ઘટનાઓ ન બને તે માટે ફેકટરીની સુરક્ષા વધારવામાં આવી છે. મોટાભાગની આવી ઘટના કારખાનામાંથી છૂટવા સમયે બને છે, જેના કારણે આવા વિસ્તારોમાં SRPની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. વધુમાં શિવાનંદ ઝાએ જણાવ્યું કે સાબરકાંઠામાં જે દુષ્કર્મની ઘટના બની તેના રિએકશનના કારણે પરપ્રાંતિય પર હુમલાની ઘટના બની છે. આરોપીઓની ધરપકડ કરી તેમની સામે મોટી કલમો લગાવવાની સૂચના આપવામાં આવી છે. અગાઉ લોકોના ટોળાએ જે ફેકટરીમાં ઘટના બની હતી તેમાં તોડફોડ કરી હતી. આ ફેકટરીને મદદ આપવી, તથા સાંજના સમયે પોલીસ બંદોબસ્ત તથા પેટ્રોલિંગ સઘન રાખવાની સૂચનાઓ આપવામાં આવી છે. સોશિયલ મીડિયા પર જે ઉશ્કેરણી જનક પોસ્ટ થાય છે તેના પર નજર રાખવા માટે સાયબર ક્રાઇમને પણ સૂચના આપી દેવામાં આવી છે. રાજયમાં આવી તમામ ઘટનાઓ પર અમદાવાદ ક્રાઇમ નજર રાખશે.(૨૧.૩૩)

(3:57 pm IST)