Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

બળાત્કારીઓને જાહેરમાં નગ્ન કરી ફાંસીએ લટકાવોઃ બાપુ

સેકસ મેનિયાક અંગે શંકરસિંહ વાઘેલાનું 'તડ'અને 'ફડ': ઈસ્લામીક કાનુન સખ્ત છે તેને અમલી કરવું જરૂરીઃ ફાંસીની માંગણી અને પરપ્રાંતિય અંગેની વાત વ્યાજબી નથી આખા દેશમાં આવા બનાવો વધ્યા છેઃ સંતો-મહંતો, તમામ સમાજ અને સરકાર શિક્ષણ અને કાનુન અંગે વિચારે

રાજકોટ તા.૫: દેશભરમાં હાલ સોૈથી જટીલ સમસ્યા અને મુદ્દો બની રહેલા સેકસ મેનિયાક અંગે પુર્વ કેન્દ્રીય મંત્રી, ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી અને ફરીથી રાજકીય મેદાનમાં આવેલા શંકરસિંહજી વાઘેલાએ દેશની જનતાને એક વીડિયો મેસેજમાં જણાવ્યું છે કે ૧૪ મહિનાની નિર્દોષ બાળકી ઉપર બળાત્કારની ઘટના સોૈને હચમચાવી દે તેવી છે. આપણો સમાજ કયાં જઇ રહયો છે તે સોૈએ મળીને વિચારવાનો સમય આવી ગયો છે. ઈસ્લામિક કાનુન આ બાબતે સખ્ત છે. તેનો અમલ કરવો જરૂરી છે. આવા હેવાનિયતભર્યા કૃત્યો કરનારને જાહેરમાં નગ્ન કરીને લટકાવી દેવા જોઇએ જેથી ગુન્હાની ગંભીરતા સોૈને સમજાય. બાપુના આ તડને ફડ વાળા  નિવેદનથી ખળભળાટ મચી ગયો છે.

સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો મેસેજમાં બાપુએ જણાવ્યું છે કે દેશવાસીઓને મારે સેકસ મેનિયાક, સમાજ અને શિક્ષણની વાત કરવી છે. ૧૪ મહિનાથી નાનકડી ફુલ જેવી બાળકી ઉપરના બળાત્કાર જેવી દેશભરમાં બનેલી સંખ્યાબંધ ઘટનાઓએ સોૈને હચમચાવી મુકયો છે. આ પ્રશ્ન કોઇ સરકાર કે સમાજનો નહી પરંતુ સમગ્ર ભારતવાસીઓનો પ્રશ્ન છે.

સેકસ મેનિયાક કેટલી હદે વિકૃત થયો છે સાંબરકાંઠાની ૧૪ મહિનાની નાનકડી બાળકી કે જેને હજુ કાંઇ ખબર નથી તેવી નિર્દોષ ફુલ સાથેની ઘટના સેકસ મેનિયાકની પરાકાષ્ટા છે. આપણે કેવી શિક્ષા આપી છે અને કેવો સમાજ બનાવ્યો છે તે અંગે વિચારવાનો સમય પાકી ગયો છે. બધાએ સાથે મળીને આ પ્રશ્ને યોગ્ય કાનુન અને શિક્ષા દ્વારા બાળકોમાં નાનપણથી જ યોગ્ય શિક્ષણ આપવાની નોબત આવી છે. બાપુએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે એકલ દોકલને ફાંસીની માંગણી કે તમામ પરપ્રાંતિયો માટે પ્રશ્ન ઉઠાવવાના બદલે સમાજ કયા છે. સેકસ મેનિયાક કયાં પહોંચ્યો છે તે અને હાલમાં ''હયુમન નેચર'' કયાં પહોંચ્યો છે તે માટે સાથે મળીને કોઇને પણ દોષિત ઠેરવવાના બદલે સખ્ત કાનુની અને યોગ્ય શિક્ષા માટે વિચારવાનો સમય આવી ગયો છે.

બાપુના જણાવ્યા મુજબ ૧૪ મહિનાની બાળકી, ૪ વર્ષની બાળા, ૧૫ વર્ષની દિકરીને ચાર ગુંડાઓ ઉઠાવી જાય અને દુષ્કૃત્ય આચરે તેવા બનાવો ગુજરાત કે દિલ્હી જ નહીં પરંતુ યુપી, બિહાર સહિત સમગ્ર દેશમાં વધી રહયા છે. પાશવી બળાત્કારનો બનાવ બને એટલે રાજકીય માર્ર્કેટીંગ કે 'કેન્ડલ માર્ચ' યોજવાના બદલે સોૈએ સાથે મળીને આપણે કયાં જઇ રહયા છીએ સેકસ મેનિયાકો કયાં જઇ રહયા છે તે વિચારવાનો વખત આવી ગયો છે.

તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે હું સંતો-મહંતોને પણ કહેવા માંગુ છું કે તમારી દુનિયામાં પણ આ સમસ્યા આવી ગઇ છે ત્યારે સમાજમાં સાચો ઉપદેશ, સાચા સંસ્કારનું ઘડતર કરવા ધાર્મિક સંપ્રદાયના વડાઓએ પણ આગળ આવવું પડશે.

શંકરસિંહજીએ વીડિયો મેસેજમાં જણાવ્યું છે કે સેકસ મેનિયાકો તથા ભવિષ્યમાં કોઇ આવ સમાજને હચમચાવી મુકે તેવી ગંભીર ભુલો કરતા સો વખત વિચારે તે માટે આવી નરાધમોને જાહેરમાં નગ્ન કરીને લોકોની હાજરીમાં ચોક વચ્ચે ફાંસીએ લટકાવી દેવા જોઇએ આ માટે સોૈએ સાથે મળીને વિચારીને સખ્ય કાયદો બનાવવો પડશે.

બાપુના જણાવ્યા મુજબ ઈસ્લામિક કાયદો આવી ઘટનાઓ માટે સખ્ત છે અને આવા કાયદાને દેશમાં અમલી બનાવવો જરૂરી બની ગયો છે.

એકલ-દોકલને ફાંસી આપવી એ આ પ્રશ્નનો હલ નથી પરંતુ ધાર્મિક વડાઓ, સંતો-મહંતો, તમામ સમાજના વડાઓએ આગળ આવવું પડશે. કોઇએ કાનુન હાથમાં લેવાની જરૂર નથી પરંતુ સરકાર, સમાજ, કાનુન અને કોર્ટ બધા સાથે મળીને એવો કાયદો બનાવીએ કે હીચકારી ઘટનાઓનો ૨૪ કલાકમાં ચુકાદો આવી જાય અને લોકોની હાજરીમાં જ આવા નરાધમોને સરાજાહેર નગ્ન કરીને લટકાવી દેવામાં આવે.

બાપુના જણાવ્યા મુજબ બાળકોને નાનપણથી યોગ્ય શિક્ષા આપવી જોઇએ કે ૨૦ વર્ષ પહેલા કોઇપણ ગેરકાનુની કૃત્ય અથવા તો સેકસ મેનિયાક બનતા તેઓ અટકે ગુન્હાઓને ઓળખે, તેની ગંભીરતા સમજે તે માટે સરકાર, સમાજ કે કોઇ પ્રાંત કે કોઇને દોષ  આપવાના બદલે સોૈ સાથે મળીને એક તંદુરસ્ત-નિર્ભય સમાજ બનાવવા નવેસરથી વિચાર કરી યોગ્ય કાનુન અને નિયમો બનાવવા એ સાંપ્રત પરિસ્થિતિમાં આવશ્યક છે.(૧.૨૬)

(3:57 pm IST)