Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

કોંગ્રેસના જિલ્લાના ૩ વોટ્સએપ ગ્રુપમાં 'પોર્ન કિલપ' અપલોડ થતાં ખળભળાટ

લોકોને કોંગ્રેસ સાથે જોડવાના ગ્રુપમાં 'ગ્રેટ ઇન્ડિયા' નામના મેમ્બરે અશ્લીલ લીંક મૂકીઃ વિરમગામ શહેર, તાલુકા અને માંડલ તાલુકા કોંગ્રેસ ટીમમાં મહિલા સભ્યોએ ધડાધડ ગ્રુપ છોડી દીધા

અમદાવાદ તા. ૫ : સોશિયલ મીડિયાનો અતિરેક કયારેક કેવો ખળભળાટ સર્જે તેનો અનુભવ તાજેતરમાં અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેર અને તાલુકા તથા માંડલ તાલુકા કોંગ્રેસના વોટ્સએપ ગ્રૂપને થયો છે. કોંગ્રેસ સાથે વધુને વધુ લોકોને જોડવા માટે બનાવાયેલાં વોટ્સએપ ગ્રૂપમાં કોઈ વ્યકિતએ પોર્નકિલપ અને લીંક અપલોડ કરતાં ભારે ખળભળાટ મચી ગયો હતો. આ અશ્લીલ કિલપને પગલે ગ્રૂપની મહિલા સભ્યો સહિતના અનેક સભ્યો ધડાધડ ગ્રૂપ છોડી ગયા હતા. કોંગ્રેસના ગ્રૂપમાં આ ઘટનાના તીવ્ર પ્રત્યાઘાત જોવા મળ્યા છે અને અમદાવાદ જિલ્લા કોંગ્રેસના અનેક વોટ્સએપ ગ્રૂપમાં સોપો પડી ગયો છે. કોંગ્રેસના જિલ્લાના કાર્યકરો-આગેવાનોમાં આ 'ગલગલિયાકાંડ'થી ભારે ચકચાર મચી છે. .

ગુજરાતમાં કોંગ્રેસે લોકસભાની ચૂંટણી પહેલાં વધુને વધુ લોકોને કોંગ્રેસ સાથે જોડવા માટેનું અભિયાન હાથ ધર્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વના આદેશને પગલે યુવાનો, મહિલાઓ અને સામાન્ય લોકોને કોંગ્રેસ સાથે જોડવા માટેના આ અભિયાનને વેગ આપવા કોંગ્રેસે રાજયના દરેક જિલ્લા, તાલુકાઓમાં વોટ્સએપ, ફેસબુક અને ટ્વિટર સહિતના સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ શરૂ કર્યો છે, પરંતુ ટેકનોલોજી-સોશિયલ મીડિયાનો ઉપયોગ ઘાતક પણ નીવડે તેનો વરવો અનુભવ તાજેતરમાં અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકા કોંગ્રેસ ટીમ, વિરમગામ શહેર કોંગ્રેસ ટીમ અને માંડલ તાલુકા કોંગ્રેસના વોટ્સએપ ગ્રૂપને થયો છે. આ ગ્રૂપના સભ્ય એવા એક વ્યકિતએ નામ ન લખવાની શરતે ભારે નારાજગી વ્યકત કરતાં જણાવ્યું કે, સામાન્ય રીતે આ ગ્રૂપમાં પક્ષને લગતા કાર્યક્રમો અને કોંગ્રેસ સાથે જોડાવાની અપીલ કરતાં મેસેજ મૂકવામાં આવે છે, પરંતુ એક દિવસે અચાનક જ ત્રણેય ગ્રૂપમાં એક સાથે 'ગલગલિયાં' કરતી લીંક સાથેની પોર્ન કિલપનો મેસેજ જોઈને સભ્યો ભડકી ગયા હતા.

કોંગ્રેસના આ વોટ્સએપ ગ્રૂપમાં અનેક મહિલા સહિત ઓછામાં ઓછા ૨૦૦-૨૦૦ સભ્યો છે ત્યારે આ પ્રકારની હરકતથી મહિલા સભ્યોએ ભારે ગુસ્સા સાથે ધડાધડ ગ્રૂપ છોડવામાં જ શાણપણ માન્યું હતું. કોંગ્રેસની સોશિયલ આર્મીના સૂત્રોએ જણાવ્યું કે, ભારત બહારના નંબર પરથી 'ગ્રેટ ઈન્ડિયા' નામથી સભ્ય બનેલાં મેમ્બરનું આ કારસ્તાન હોવાનું ધ્યાન પર આવતાં જ તાત્કાલિક અસરથી આ વ્યકિતને રિમૂવ કરી દેવામાં આવી હતી અને ગ્રૂપને 'ઓપન'ને બદલે 'કલોઝ' બનાવીને ગ્રૂપ એડમિન જ પોસ્ટ મૂકી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.(૨૧.૫)

(12:01 pm IST)