Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

લોકસભાની ચૂંટણીમાં હારનો ડર લાગતા સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડયા

પેટ્રોલ રૂ.૪પ અને ડીઝલ રૂ. ૩પ ના લીટર લેખે આપી શકાય તેમ છે : માત્ર અઢી રૂપિયાનો ઘટાડો લોલીપોપ સમાન : અમિત ચાવડા

અમદાવાદ, તા. પ : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવમાં ઘટાડો છતાં મોદી સરકારના શાસનમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને છે. મોદી સરકારે બાવન મહિનામાં દેશના નાગરિકો પાસેથી ૧ર.૭૬ લાખ કરોડ રૂપિયા ખંખેરી લીધા છે, ત્યારે સમગ્ર દેશમાં પ્રજાના આક્રોશ સામે માત્ર અઢી રૂપિયાનો ઘટાડો કરીને દેશના નાગરિકોને લોલીપોપ આપી છે. મોદી સરકાર નીતિ અને નિયત સાફ હોય તો પેટ્રોલ-ડીઝલ સહિતની પેટ્રોલિયમ પ્રોડકટને જીએસટીમાં સમાવેશ કરી રાહત આપવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું કે, કેન્દ્રની મોદી સરકાર અને રાજયની ભાજપ સરકાર જુદા જુદા ટેક્ષ અને સેસના નામે પ્રજાને લૂંટવામાં આવે છે. કોંગ્રેસ દ્વારા દેશની પ્રજાને રાહત મળે તે માટે ભારત બંધનું એલાન આપ્યું હતું અને સરકાર પર દબાણ લાવ્યા હતા. આગામી પાંચ રાજયોની ચૂંટણી ત્યારબાદ લોકસભાની ચૂંટણીમાં હારનો ડર લાગતા નજીવો ભાવ ઘટાડવામાં આવ્યો છે. ગુજરાતની ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલ પર ર૪ ટકા જેટલો વેટ + સેસ ઉઘરાવતી હોવાથી પ્રજા મોંઘવારીના મારથી પરેશાન-મોંઘવારી આસમાને પહોંચી છે. કેન્દ્ર સરકાર કુદરતી ગેસના ભાવમાં ૬ ટકાનો વધારો કર્ર્યો છે. સાથોસાથ રાંધણ ગેસની કિંમતમાં પણ વધારો થયો છે. ખાનગી ગેસ કંપનીઓએ સી.એન.જી.-પી.એન.જી.ની કિંમતમાં વધારો ઝીંકી દીધો છે. આ ભાવ વધારાથી વીજળી અને યુરિયા ઉત્પાદનનો ખર્ચ વધશે. મોદી શાસનમાં પેટ્રોલમાં ર૧૧ ટકા અને ડીઝલમાં ૪૪૩ ટકાથી વધુ કુલ ૧ર વાર એકસાઇઝમાં વધારો ઝીંકવામાં આવ્યો. જયારે કેરોસીનમાં ૩૧.ર ટકા અને જાહેર વિત્તરણ વ્યવસ્થામાં ૩૧.૮૬ ટકા વધારાથી પેટ્રોલ-ડીઝલ, સી.એન.જી.-પી.એન.જી.માં મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવતી લૂંટ, અને કાળઝાળ મોંઘવારીથી જનતા ત્રાહીમામ પોકારી રહી છે. પ્રજા મોંઘવારીથી ત્રસ્ત છે અને ભાજપ સરકાર-મોદી સરકાર ઉત્સવોમાં મસ્ત અને વ્યસ્ત છે. આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવો ધ્યાનમાં લઇએ તો દેશના ૧રપ કરોડ નાગરિકોને પેટ્રોલ-રૂ. ૪પ અને ડિઝલ રૂ. ૩પ ના ભાવે આપી શકાય તેમ છે પણ મોદી સરકારની જનવિરોધી નીતિના પરિણામે ઓઇલ કંપનીઓ કરોડો રૂપિયા ગ્રાહકો પાસેથી વસુલ કરીને મોટી નફાખોરી કરી રહ્યા છે અને ભાવ ઘટાડાનો લાભ દેશના સામાન્ય નાગરિકને આપવામાં આવતો નથી તેમ અમિત ચાવડા  જણાવે છે.

(11:47 am IST)