Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

ગુજરાતમાં અભૂતપૂર્વ ઘટના : લોકસભાની ચૂંટણીમાં તમામ મત મશીન નવા

કુલ ૬૭૦૦૦ ઇ.વી.એમ.ની જરૂર : અમરેલી માટેનો જથ્થો રવાના

રાજકોટ, તા. પઃ વર્ષ ર૦૧૯માં આવી રહેલ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં બધા જ મતદાન મથકો પર નવા ઇ.વી.એમ.નો ઉપયોગ થશે. બેલ કંપની દ્વારા બેંગ્લોર ખાતેથી નવા મશીન મોકલવાની શરૂઆત થઇ ગઇ છે. આજે સૌ પ્રથમ અમરેલી જિલ્લા માટેના ઇ.વી.એમ. પોલીસ બંદોબસ્ત હેઠળ રવાના થયા છે. ક્રમશઃ બધા જિલ્લા માટે નવા મશીન આવી જશે. નવા વીવીપેટ આવવાની શરૂઆત એકાદ મહિના પછી થશે. કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. ગઇકાલે નવી દિલ્હીમાં તમામ રાજયમાં સી.ઇ.ઓ.ની બેઠક બોલાવવામાં આવેલ, જેમાં ગુજરાત તરફથી સંયુકત મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી જયદીપ દ્વિવેદીએ ભાગ લીધો હતો.

ગુજરાતમાં મતદારો અને મતદાન મથકોની સંખ્યા ધ્યાને લેતા ૬૭ હજાર જેટલા ઇ.વી.એમ.ની જરૂર રહે છે. એક ઇ.વી.એમ.ની અંદાજિત કિંમત રૂપિયા ૧પ હજાર છે. તેટલી જ કિંમતનું વીવીપેટ પડતર થાય છે. ઇ.વી.એમ.નું સરેરાશ આયુષ્ય ૧૦ વર્ષનું હોય છે. ગુજરાતના જુના ઇ.વી.એમ. કેરળ અને બિહાર મોકલાયા છે. નવા ઇ.વી.એમ.ના કારણે તાંત્રીક બાબતોને લગતી ફરીયાદોનું પ્રમાણ ઘણું ઘટી જશે. સ્ટાફની કામગીરી સરળ થઇ જશે. લોકસભા કે ધારાસભાની ચૂંટણીમાં તમામ મત મશીન નવા જ હોય તેવું ગુજરાતમાં પ્રથમ વખત બનશે.

(2:07 pm IST)