Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સાથે સંલગ્ન ડીગ્રી-ડિપ્લોમા કોર્ષના અેન્જીનીયરીંગના વિદ્યાર્થીઓઅે હવે પાસ થવા માટે ૪૦ ટકા લાવવા પડશે

અમદાવાદ: ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સાથે સંલગ્ન ડિગ્રી અને ડિપ્લોમા કોર્સના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ પાસ થવા માટે વધુ મહેનત કરવી પડશે. GTUએ પાસિંગ માર્કમાં 35%થી વધારી 40% કર્યા છે, એટલે કે હવે વિદ્યાર્થીઓએ 70 માર્કના પેપરમાં પાસ થવા માટે 23 નહિ 28 માર્ક્સ લાવવા પડશે. GTUના અધિકારીઓએ કહ્યું કે, યુનિવર્સિટીના એકેડેમિક કાઉન્સિલે પાસિંગ માર્કની વધારેલી ટકાવારીને મંજૂરી આપી દીધી છે. હવે બોર્ડ ઓફ ગવર્નર્સની મંજૂરીની રાહ જોવાઈ રહી છે.

GTUના વાઈસ ચાન્સેલર નવીન શેઠે કહ્યું કે, “જો ત્યાંથી પણ મંજૂરી મળી જશે તો નવા પાસિંગ માર્ક્સ 2019ના શૈક્ષણિક વર્ષથી અમલમાં મૂકી દેવામાં આવશે. દેશભરની યુનિવર્સિટીઓમાં ડિગ્રી અને ડિપ્લોમા એન્જિનિયરિંગ કોર્સના પાસિંગ પર્સન્ટેજમાં 40 ટકા જ રાખવામાં આવ્યા છે. પાસ થવા માટે વિદ્યાર્થીઓ વધુ મહેનત કરે તે જરૂરી છે. શિક્ષણનું સ્તર સુધારવા પણ આ પગલું મહત્વનું છે.”

MBA, MCA અને ફાર્મસી જેવા પ્રોફેશનલ કોર્સમાં પાસ થવા માટે 40% માર્ક મેળવવા જરૂરી છે. ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરિંગમાં પાસ થવા માટે 35% માર્ક જરૂરી હોવાનો નિયમ 2008થી GTU શરૂ થઈ ત્યારથી જ અમલમાં આવ્યો. GTU સંલગ્ન એન્જિનિયરિંગ કોલેજોના 4 લાખ વિદ્યાર્થીઓ પર આ નિર્ણયની અસર થશે. GTUના સૂત્રોના મતે, પાસિંગ માર્ક્સ વધારવાથી ગ્રેસિંગ માર્ક્સ વધારવાની સ્થિતિ ન આવે તેવી આશા.

GTUના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, “ભૂતકાળમાં GTUએ પ્રતિ વિષય મહત્તમ 8 માર્ક્સ ગ્રેસ આપ્યા અને ઓવરઓલ 15 માર્ક્સ આપ્યા છે. અમને આશા છે કે અમારે ગ્રેસિંગ માર્ક્સ વધારવા ન પડે. આશરે 40 ટકા વિદ્યાર્થીઓ પરીક્ષામાં નપાસ થાય છે અને 9 ટકા વિદ્યાર્થીઓ 23 માર્ક્સ પાસ થવા માટે લાવે છે.”

(5:06 pm IST)