Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

રાજ્યમાંથી 1 કરોડ લિટર વપરાયેલા ખાદ્યતેલને એકત્ર કરી તૈયાર કરાશે બાયોડીઝલ

 

અમદાવાદ: વપરાયેલા ખાદ્યતેલનો ઉપયોગ કરીને બાયોડિઝલ અસોસિએશન ઓફ ઈંડિયા (BDAI) બાયોડિઝલ તૈયાર કરશે. BDAIનું લક્ષ્ય છે કે ગુજરાતના 2 લાખ રજિસ્ટર્ડ ફૂડ વેન્ડર્સ પાસેથી 1 કરોડ લિટર વપરાયેલું ખાદ્યતેલ એકત્ર કરી બાયોડિઝલ તૈયાર કરવામાં આવે. અમદાવાદમાં મંગળવારે RUCO (રીપર્પસ યુઝ્ડ કૂકિંગ ઓઈલ) એપના લોન્ચિંગ દરમિયાન જાહેરાત કરવામાં આવી. એપની મદદથી વપરાયેલા ખાદ્યતેલનું વેપારીઓ અને પ્રોસેસિંગ યુનિટ પાસેથી કરાયેલું કલેક્શન મેનેજ કરી શકાશે. અને ખાદ્યતેલને એગ્રીગેટર્સની મદદથી બાયોડિઝલ ઉત્પાદક પાસે મોકલાશે. હાલમાં રાજ્યમાં પ્રકારના 27 એગ્રીગેટર્સ છે. આગામી એક વર્ષમાં BDAI વધુ એગ્રીગેટર્સ મૂકવાની યોજના બનાવી રહી છે.

એક્સપર્ટના મતે ખાદ્યતેલને ગરમ કરવામાં આવે છે ત્યારે તેમાં TPC (ટોટલ પોલરાઈઝ્ડ કમ્પાઉન્ડ) વધે છે અને TPC 25 ટકાથી વધી જાય (એકવાર વપરાયેલું ખાદ્યતેલ વારંવાર ગરમ કરવાથી વધે છે) ત્યારે આવું તેલ ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈંડિયા (FSSAI) એક્ટમાં કરવામાં આવેલો સુધારો 1 જુલાઈથી લાગુ થયો છે. સુધારા પ્રમાણે, 25%થી વધુ TPC ધરાવતું ખાદ્યતેલ આરોગવું વ્યક્તિના સ્વાસ્થય માટે નુકસાનકારક છે.

BDAIના પ્રમુખ સંદીપ ચતુર્વેદીએ જણાવ્યું કે, “FSSAIમાં કરાયેલા સુધારા પ્રમાણે 25% કે તેનાથી વધુ TPC ધરાવતા ખાદ્યતેલને ફૂડ વેન્ડર્સ અને પ્રોસેસિંગ યુનિટ્સ ફરીથી ઉપયોગમાં નહીં લઈ શકે. આવા તેલને ફેંકી દેવું જરૂરી છે. RUCO એપની મદદથી વેપારીઓ વપરાયેલું ખાદ્યતેલ એગ્રીગેટર્સને પહોંચાડશે અને તેઓ તેલને બાયોડિઝલ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ સુધી પહોંચાડશે.”

FSSAIના CEO પવન અગ્રવાલે જણાવ્યું કે, “2022 સુધીમાં 20 લાખ ટન વપરાયેલા ખાદ્યતેલને બાયોડિઝલમાં રૂપાંતરિત કરવાનું FSSAIનું લક્ષ્ય છે. બાયોડિઝલથી ભવિષ્યમાં 12,000 કરોડનું ફ્યૂઅલ બચાવી શકાશે.” BDAI દ્વારા 87,000 જેટલા લોકોને એગ્રીગેટર તરીકે ટ્રેનિંગ આપવામાં આવશે. 1 જાન્યુઆરી 2019 સુધીમાં દેશભરમાં 350 ડિપો ઊભા કરવાનું BDAIનું લક્ષ્ય છે. ડિપો એગ્રીગેટર્સ મેળવેલા ખાદ્યતેલના કલેક્શન સેન્ટર તરીકે કામ કરશે.” BDAI તરફથી મળેલી માહિતી પ્રમાણે, હાલ ગુજરાતમાં બાયોડિઝલનું ઉત્પાદન આણંદ અને સુરતમાં થાય છે.

(10:57 am IST)