Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

કુકીંગ ઓઇલથી બાયોડિઝલ બનાવવા માટેની તૈયારી થઇ

અમદાવાદમાં રૂકોના પાયલોટ પ્રોજેકટની જાહેરાતઃ કુકીંગ ઓઇલમાંથી બાયોડિઝલ બનાવવા માટે પ્રોજેકટનું અમલીકરણ કરવા જઇ રહેલું ગુજરાત દેશનું પ્રથમ રાજય

અમદાવાદ, તા.૪: શહેર સહિત રાજયભરમાં હોટલ-રેસ્ટોરન્ટ અને ફરસાણની દુકાનોમાં એકનું એક તેલ વારેઘડીયે ઉપયોગમાં લેવાતાં બિનઆરોગ્યપ્રદ બની જતાં આવા કુકીંગ ઓઇલમાંથી બાયોડિઝલ બનાવવાના એક નવતર અને રચનાત્મક અભિગમ સાથે રૂકો(રિપ્રોસેસીંગ યુઝ્ડ કુકીંગ ઓઇલ)ના મહત્વના પાયલોટ પ્રોજેકટની આજે અમદાવાદમાં જાહેરાત કરવામાં આવી હતી. બાયોડિઝલ એસોસીએશન ઓફ ઈન્ડિયા (બીડીએઆઈ) દ્વારા ફુડ સેફ્ટી એન્ડ્ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા (એફએસએસએઆઈ) અને ગુજરાતના ફુડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમીનીસ્ટ્રેશન(એફડીસીએ)ના સહયોગથી આ પાયલોટ પ્રોજેકટના અમલીકરણની દિશામાં ચક્રો ગતિમાન કરાયા છે. આગામી ૨૦૨૦ સુધીમાં આ પ્રોજેકટ હેઠળ દેશભરમાંથી આવા બિનઆરોગ્યપ્રદ કુકીંગ ઓઇલમાંથી ૨૨૦ કરોડ લિટર બાયોડિઝલ ઉત્પન્ન કરી શકાશે. આ સાથે જ બિનઆરોગ્યપ્રદ કુકીંગ ઓઇલમાંથી બાયોડિઝલ બનાવવાના પાયલોટ પ્રોજેકટના અમલીકરણ કરવા જઇ રહેલું ગુજરાત દેશનું પ્રથમ રાજય બન્યું છે, જે બહુ મોટા ગૌરવની વાત કહી શકાય. આજે શહેરમાં એફએસએસએઆઈના સીઈઓ પવન અગ્રવાલ (આઈએએસ) અને બીડીએઆઈના પ્રમુખ સંદીપ ચતુર્વેદી, સુરેન્દ્રનગરના ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી પૂનમચંદ પરમાર, રાજયના ફુડ્ઝ એન્ડ ડ્રગ્સ કમિશનર ડો.એચ.જી.કોશીયા, શિક્ષણ સચિવ વિનોદ રાવ, એફએસએસએઆઈના જોઇન્ટ સેક્રેટરી માધવી દાસ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખૂબ જ મહત્વના એવા આ પાયલોટ પ્રોજેકટની જાહેરાત કરવામાં આવી હતી. એફએસએસએઆઈના સીઈઓ પવન અગ્રવાલ (આઈએએસ) અને બીડીએઆઈના પ્રમુખ સંદીપ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, રૂકો પ્રોજેકટ અન્વયે દેશમાં પાંચ અલગ અલગ ઝોનમાં બેકઅપ ટીમ્સ સાથે સૌથી વિશાળ ગ્લોબલ નેટવર્ક સર્જવાનો ઉદ્દેશ છે. જાન્યુઆરી-૨૦૧૯ સુધીમાં ૮૭૦૦૦ પર્સોનેલની તાલીમ અને યુકો સ્ટોરેજ-સ્ટેબિલાઝેશન માટે ૩૫૦ સેન્ટર્સ રૂકો એગ્રેગેશન સિસ્ટમ અંતર્ગત સસ્ટેનેબલ વેલ્યુ ચેઈન ઉભી કરવા માટે સ્થપાશે. હોટલ-રેસ્ટોરન્ટ કે ફરસાણની દુકાનોમાં જયારે એકનું એક તેલ વારેઘડીયે ઉપયોગમાં લેવાય છે ત્યારે તેમાંથી ૩૦થી ૪૦ ટકા તો બિનઆરોગ્યપ્રદ બની જતુ હોય છે અને આવુ કુકીંગ ઓઇલ તેની ટોક્સિસિટીના લીધે અનેક રોગો નોંતરી શકે છે ત્યારે આવા વેસ્ટેજ બની ગયેલા કુકીંગ ઓઇલમાંથી બાયોડિઝલ બનાવી દેશમાં સામાજિક, આર્થિક અને રોજગારલક્ષી લાભો ઉપલબ્ધ બનાવવાનું આયોજન છે. એફએસએસએઆઈની આ પહેલ અને નિયમનો સાથે નેશનલ બાયોફ્યુલ પોલિસી એ અનોખું કોમ્બિનેશન છે કે જેનાથી ૧૦૮૦૦ કરોડ યુકો એગ્રેગેશન ઈન્ડસ્ટ્રી જનરેટ થશે અને બે વર્ષમાં ૮૭૦૦૦થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓ સર્જાશે. આ પ્રસંગે રાજયના ફુડ્ઝ એન્ડ ડ્રગ્સ કમિશનર ડો.એચ.જી.કોશીયાએ જણાવ્યું કે, બિનઆરોગ્યપ્રદ કુકીંગ ઓઇલમાંથી બાયોડિઝલ બનાવવાના પાયલોટ પ્રોજેકટના અમલીકરણ કરવા જઇ રહેલું ગુજરાત દેશનું પ્રથમ રાજય બન્યું છે, જે બહુ મોટા ગૌરવની વાત છે. ગુજરાતનું ફુડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમીનીસ્ટ્રેશન(એફડીસીએ) આ પ્રોજેકના સહયોગમાં સંપૂર્ણ સજ્જ છે. વૈકલ્પિક ફ્યુલ સોર્સ તરીકે બાયોડિઝલ ખૂબ ઉપયોગી બનશે.

 

(10:03 pm IST)