Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

મહિલાઓના સ્વાભિમાનનું રક્ષણ કરવામાં ભાજપ સરકાર સંપૂર્ણ નિષ્ફળ : પરેશભાઇ ધાનાણી

ગુજરાતની નારીશકિત આવતા દિવસોમાં નારાયણી બની ભાજપના સત્તાના અહંકારને કચડશે અને ગરીબ - ગામડા - ખેડૂતની સરકાર બનાવશે : વિધાનસભા વિરોધ પક્ષના નેતાનો આક્ષેપ

રાજકોટ તા. ૫ : રાજયમાં ભાજપ સરકારના શાસનની નિષ્ફળતા ઉજાગર કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આયોજિત જનસંપર્ક અભિયાનના ભાગરૂપે મહિલા સુરક્ષા અભિયાન અન્વયે રાજયવ્યાપી ધરણાં-રેલી અને દેખાવ યોજીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી તાપી જિલ્લામાં ઉચ્છલ ખાતે યોજાયેલ મહિલા સુરક્ષા અભિયાનમાં હાજર રહ્યા હતા અને રાજયની ભાજપ સરકારની ઉજવણીની આકરી આલોચના કરી હતી.

પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, રાજયમાં કાયદો અને વ્યવસ્થા ભાંગીને ભુક્કો થઈ ગઈ છે. રાજયની અસંવેદનશીલ ભાજપ સરકારના રાજમાં મહિલાઓ સુરક્ષિત નથી ત્યારે રાજય સરકાર ઉત્સવોના નામે તાયફાઓ કરવામાં વ્યસ્ત છે અને લાજવાને બદલે ગાજી રહી છે. ભારત દેશમાં નારીની શકિતસ્વરૂપે પૂજા થાય છે ત્યારે ગાંધી અને સરદારના ગુજરાતમાં મહિલાઓના સ્વાભિમાનનું રક્ષણ કરવામાં ભાજપ સરકાર સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે. આજે ભૂખમરાના કારણે મહિલાઓમાં કુપોષણનું પ્રમાણ સતત વધતું જાય છે. સ્વાસ્થ્ય-સુરક્ષાના અભાવે માતાની કૂખેથી જન્મતા બાળકોમાં મૃત્યુદરનું પ્રમાણ પણ સતત વધતું જાય છે. રાજયમાં એક તરફ મહિલા જીવન જીવવા, તેના સ્વાભિમાનનું રક્ષણ કરવા સંઘર્ષ કરી રહી છે ત્યારે બીજી તરફ ગુંડારાજના કારણે સગીર દીકરીઓને ભગાડી જવામાં લુખ્ખાઓ સફળ થાય છે. મહિલાઓ પર સામુહિક બળાત્કારના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે ત્યારે મહિલાઓનું રક્ષણ કરવામાં ભાજપ સરકાર સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે.

પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, મોંઘવારી, બેકારી, અત્યાચાર, બળાત્કાર, કુપોષણ, ભ્રષ્ટાચાર વગેરે મુદ્દાઓને લઈને ગુજરાતની બહેનો આજથી એક વર્ષ સુધી તેમના દિલ્હીમાં બેઠેલા ભાઈને દર્દભર્યા પત્રો લખીને મહિલા સુરક્ષાના જે પ્રશ્નો છે તે સતત ઉઠાવશે તેનો મને સંપૂર્ણ વિશ્વાસ છે. સુતેલી ભાજપ સરકાર જો મહિલાઓની વેદનાને વાચા નહીં આપે અને એની સમસ્યાનું સમાધાન નહીં કરે તો આવતા દિવસોમાં આ જ ગુજરાતની નારીશકિત નારાયણી બનીને ભાજપના સત્ત્।ાના અહંકારને કચડશે અને ગરીબ-ગામડા-ખેડૂતની સરકાર બનાવશે તેવો વિશ્વાસ પરેશ ધાનાણીએ વ્યકત કર્યો હતો.

(10:27 am IST)