Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

સુરતના માંગરોળ તાલુકામાં 86 લોકોને રેસ્ક્યૂ કરાયા: કિમ નદીમાં પૂરના પાણી લુવારા અને કોસાડીમાં ઘુસ્યા

વહીવટી તંત્ર અને એનડીઆરએફની ટીમ ખડેપગે : બે હેલિકોપ્ટર દ્વારા એર-લિફ્ટિંગ પણ કરાયું

સુરત :ભારે વરસાદના પગલે પૂરની સ્થિતિને કારણે સુરત જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડી બચાવની કામગીરી કરવામાં આવી રહી છે. માંગરોળ તાલુકામાં સતત બે દિવસ દરમિયાન પડેલા ભારે વરસાદને પગલે કીમ નદીમાં પૂર આવતાં લુવારા અને કોસાડી ગામમાં ગ્રામજનોના ઘરોમાં નદીના પાણી ઘુસી ગયા હતા. જેથી સ્થાનિક વહીવટી તંત્રના સહયોગથી તાત્કાલિક રાહત અને બચાવની કામગીરી આરંભી લુવારા ગામના 78 વ્યક્તિઓ અને કોસાડી ગામના 08 વ્યક્તિઓને બે હેલિકોપ્ટર દ્વારા એર-લિફ્ટિંગ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાનું પુર નિયંત્રણ કક્ષ દ્વારા જણાવાયું છે.

    જયારે એન.ડી.આર.એફ.ની ટીમે ઓલપાડ તાલુકાના ઉમરાશીમાં ૪૦ તથા વડોલી ૧૮ લોકોને બોટ દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વડોલીની સગર્ભા મહિલા શ્રીમતી સોનલબેન પાટીલને એસ.ડી.આર.એફ. દ્વારા રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે આશ્રય અપાયો હતો. બારડોલી નગરપાલિકા વિસ્તારમાં ભારે વરસાદને પગલે વહીવટીતંત્રએ 1260 વ્યક્તિઓનું સ્થળાંતર કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના કારણે ફસાયેલા 130 લોકોને રેસ્ક્યુ કરાયા હતા.

    ભારે વરસાદને બારડોલી તાલુકામાં પુરની પરિસ્‍થિતિ સર્જાઇ હતી. પરિસ્‍થિતિ ઉપર જિલ્લા કલેકટરશ્રી ડો. ધવલ પટેલ સતત નજર રાખી રહ્યા છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે નદીમાં પુરની સ્થિતિ સામે તેમજ વહીવટીતંત્ર સાબદું થઇને અગમચેતીની જાણકારી નીચાણવાળા વિસ્‍તારોને પહોંચાડી રહી છે.

    મહુવા તાલુકાના અલગટ ગામે નાયકા ફળિયામાં લાલભાઈ છનાભાઈ નાયકાના ઘરના પતરા તુટી જવાથી નુકશાન થયું હતું જો કે કોઈ જાનહાનિ થઈ થયેલ નથી. તાલુકાના અધિકારીઓને અલગ અલગ વિસ્‍તારો ફાળવી લઇ સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. એન.ડી.આર.એફ.ની ટીમ પણ તૈનાત પર રાખવામાં આવી છે.

   
(11:53 pm IST)