Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

યાર્ન એક્ષ્પો ૨૦૧૯માં એક્ઝીબીટર્સને ૪૦૦ કરોડનો બીઝનેસ :25 હજારથી વધુ બાયર્સે મુલાકાત લીધી

વરસાદે એક દિવસ બ્રેક મારતા 14 હાજરીથી વધુ બાયર્સ પ્રદર્શનમાં ઉમટ્યા

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાયેલ યાર્ન એક્ષ્પો ૨૦૧૯માં એક્ઝીબીટર્સને આશરે ૪૦૦ કરોડનો બીઝનેસ મળ્યો હતો. મેઘરાજાએ એક દિવસનો વિરામ લેતા  ૧૫ હજારથી વધુ બાયર્સે મુલાકાત લીધી હતી. જયારે ત્રણ દિવસ દરમિયાન ૨૫ હજારથી વધુ બાયર્સે પ્રદર્શનની મુલાકાત લીધી હતી. એકઝીબીટર્સને સારો બીઝનેસ મળતા આગામી વર્ષમાં પણ યાર્ન એક્ષ્પોમાં રજીસ્ટ્રેશન માટે અત્યારથી જ તૈયારી દર્શાવી હતી.

ચેમ્બરના પ્રમુખ કેતન દેસાઈએ જણાવ્યું હતું કે ત્રણ દિવસ દરમિયાન આંધ્રપ્રદેશ, ભીવંડી, ઇચ્છલકરંજી, તિરુપુર, લુધિયાના, બેલગામ, બનેતી,હૈદરાબાદ, ગુવાહાટી-આસામ, સેલમ, સુરત અને અમદાવાદ સહીતની જગ્યાએથી ખુબ જ મોટી સંખ્યામાં બાયર્સ પ્રદર્શનમાં ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત ઈરાન અને ચાઈનાના બાયર્સે પણ પ્રદર્શનની મુલાકાત લેતા એકઝીબીટર્સને સારા એવા ઓર્ડર મળ્યા હતા.

એક્ઝીબીશન સેલના વડા દેવેશ પટેલે જણાવ્યું હતું કે મેઘરાજાએ આજે બ્રેક મારતા એક જ દિવસમાં ૧૪ હજારથી વધુ બાયર્સ દ્વારા પ્રદર્શનની મુલાકાત લેવામાં આવી હતી. આથી આજે પ્રદર્શનનો સમય પણ એક કલાક માટે લંબાવી દેવામાં આવ્યો હતો. અને સાંજે સાત વાગ્યા સુધી પ્રદર્શનને ખુલ્લું રાખવામાં આવ્યું હતું. વરસાદની વચ્ચે પણ પ્રથમ દિવસે ૩ હજાર અને બીજા દિવસે ૮૫૦૦ જેટલા બાયર્સે પ્રદર્શનની મુલાકાત લીધી હતી.આમ ત્રણ દિવસ દરમિયાન ૨૫ હજાર જેટલા બાયર્સે પ્રદર્શનની વિઝીટ કરી બીઝનેસ મેળવ્યો હતો.

યાર્ન એક્ષ્પો ૨૦૧૯ના ચેરમેન ગિરધરગોપાલ મુંદડાએ જણાવ્યું હતું કે વિશ્વમાં ફેન્સી યાર્નની જે ડીમાંડ વધી છે એ તમામ યાર્ન આ એક્ષ્પોમાં પ્રદર્શિત કરવા આવ્યું હતું. આથી બાયર્સને યાર્ન એક્ષ્પોમાં એક જ સ્થળે તમામ પ્રકારના યાર્ન મળી રહ્યા હતા, આ પ્રદર્શનમાં જુદા-જુદા એક્ઝીબીટર્સ દ્વારા વિવિધ પ્રકારના યાર્ન પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ ત્રણ દિવસ દરમિયાન ૧૦૦ જેટલા એક્ઝીબીટર્સને આશરે ૪૦૦ કરોડનો બીઝનેસ થયો હતો.

 

(9:39 pm IST)