Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

પલસાણાના ખાડીના ધસમસતા પ્રવાહમાં લીબાયતના બે યુવાનો તણાયા

એક યુવાનના હાથમાં ઝાડ આવી જતા તેને ગ્રામજનોએ બચાવી લીધો;બીજાની શોધખોળ

પલસાણા તાલુકાના કારેલીથી દસ્તાન વચ્ચે આવેલી ખાડીના પુલ પરથી બે બાઈક પર આવી રહેલા ચાર યુવાનો પૈકી એક યુવાનનું બાઈક ખાડીનો બ્રિજ ઉતર્યા બાદ પાણીના પ્રવાહમાં તણાયું હતું. જેમાં એક યુવાનના હાથમાં ઝાડ આવી જતા તેને ગ્રામજનોએ બચાવી લીધો હતો જયારે બીજા યુવાનની શોધખોળ હાથ ધરાઈ છે

લિંબાયતમાં શ્રીનાથ સોસાયટીમાં રહેતા શૈલેષ  રાજેન્દ્ર પાટીલ  અને સાગર પાટીલ સહિત તેના અન્ય બે મિત્રો કારેલી ગામ ખાતે શૈલેષ પાટીલે નવુ મકાન ખરીદ્યુ હોવાથી તે જોવા માટે ગત રોજ ગયા હતા. જ્યાંથી આ ચારેય મિત્રો બે મોટર સાયકલ પર પરત આવી રહ્યા હતા અને શૈલેષ પાટીલ તેમજ સાગર પાટીલ મોટર સાયકલ પર પરત સુરત તરફ આવી રહ્યા હતા ત્યારે કારેલીથી દસ્તાન વચ્ચે આવતી ખાડીનો બ્રીજ તેઓ ઉતર્યા હતા અને બ્રીજ ઉતરતા જ ખાડીનું થોડું પાણી વહેતું હતું તેમાથી પોતાનું મોટર સાયકલ ચલાવી રહ્યા હતા ત્યારે અચાનક આવી ગયેલા પાણીને કારણે શૈલેષ પાટીલની મોટર સાયકલ ખાડીના પ્રવાહમાં તણાવા લાગ્યું હતું અને બેલેન્સ ન રહેતા મોટર સાયકલ પાણીમાં ગરક થઇ ગયું હતું. બચવા માટે ફાંફા મારી રહેલા સાગર પાટીલના હાથમાં એક ઝાડ આવી જતા તેએ ઝાડ પકડી લીધું હતું જેથી તે બચી ગયો હતો પરંતુ શૈલેષ પાટીલ ખાડીના ઉંડા પાણીમાં તણાયો હતો. બનાવ અંગે જાણ થતા સ્થાનિક ગ્રામજનો દોડી આવ્યા હતા અને તેમણે સાગરને ઝાડ પરથી બચાવી લીધો હતો પરંતુ શૈલેષ પાટીલનો કોઇ પતો લાગ્યો ન હતો. જેથી ફાયરના લાશ્કરો સહિતના તરવૈયાઓ દ્વારા શૈલેષ પટેલની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

 

(9:30 pm IST)