Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભીડ જામી

સોમનાથમાં શ્રદ્ધાળુઓની લાંબી લાઇનો લાગી : સોમનાથ મહાદેવની પાલખીયાત્રા નીકળી : શિવાલયો ઓમ નમઃ શિવાય તેમજ હર હર મહાદેવથી ગુંજી ઉઠયા

અમદાવાદ, તા.૫ : દેવાધિદેવ મહાદેવના પવિત્ર શ્રાવણ મહિનાનો આજે પહેલો સોમવાર હતો., તેને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરના શિવાલયો, શિવમંદિરોમાં આજે ખૂબ જ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ ભકતો ઉમટયા હતા. ભકતોની ભારે ભીડ અને લાંબી લાઇનોના કારણે શિવાલયોમાં ભારે ધસારો જોવા મળ્યો હતો. શવિભકતોએ ભોળાનાથને જળાભિષેક, દૂધ અને ધન-ધાન્યનો અભિષેક અને બિલ્વપત્ર, ગુલાબ ચઢાવી ભારે ભકિતભાવ સાથે પૂજા કરી હતી. બીજીબાજુ, આજે સુપ્રસિધ્ધ સોમનાથમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે હજારો શ્રધ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે ઉમટયા હતા,

           જેના કારણે સોમનાથ ખાતે દોઢથી બે કિલોમીટર લાંબી લાઇનો નજરે પડતી હતી. સોમનાથ મહાદેવની જેમ દ્વારકા પાસે નાગેશ્વર મહાદેવ ખાતે પણ હજારો શિવભકતો નાગેશ્વર મહાદેવના દર્શન માટે ઉમટયા હતા. શ્રાવણ માસના પ્રથમ સોમવારને લઇ શહેર સહિત રાજયભરના શિવાલયો, શિવમંદિરો ઓમ નમઃ શિવાય, હર...હર...મહાદેવ, બમ બમ ભોલે ના નારાથી ગુંજી ઉઠયા હતા. ભોળાનાથના ખૂબ જ પ્રિય એવા શ્રાવણ માસના આજના પ્રથમ સોમવારને લઇ વહેલી સવારથી અમદાવાદ શહેર સહિત રાજયભરના શિવાલયો, શિવમંદિરોમાં ભકતોએ ભોળાનાથના દર્શન માટે ભારે ભીડ લગાવી હતી. શિવાલયોની બહાર પણ બિલ્વપત્ર, ફુલ, હાર સહિતના પૂજાપા સાથે ફેરિયાઓ અડીંગો જમાવીને બેસી ગયા હતા.

           શ્રાવણ માસના પ્રથમ સોમવારને લઇ શિવભકતોએ ભોળાનાથને રીઝવવા અને પ્રસન્ન કરવા દેવાધિદેવને જળાભિષેક, દુગ્ધાભિષેક અને બિલિપત્ર, ગુલાબ સહિતના ફુલ-હાર ચઢાવી ભકિત આરાધના કરી હતી. તમામ શિવાલયો અને શિવમંદિરો ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ અને બમ બમ બોલે તેમ જ મહામૃત્યુજંય મંત્રના જાપ અને ભકિતસભર નારાથી ગુંજી ઉઠયા હતા. શ્રાવણ માસના પ્રથમ સોમવારને લઇ શિવમંદિરો અને શિવાલયોમાં મંદિર ટ્રસ્ટીઓ અને પૂજારીઓ દ્વારા શ્રધ્ધાળુ ભકતો માટે દર્શન અને પૂજાની વિશેષ વ્યવસ્થા અને આયોજન કરવામાં આવ્યા હતા. દેવાધિદેવ મહાદેવના ૧૨ જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના દર્શન કરવા પહેલા સોમવારે શિવભકતોની લાંબી લાઇનો લાગી હતી. સોમનાથ મહાદેવની સવારની આરતીનો લ્હાવો લેવા ભક્તો ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. શ્રાવણ માસના પ્રથમ સોમવારને લઇ આજે સોમનાથ મહાદેવની પાલખીયાત્રા નીકળી હતી.

            જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. સામાન્ય દિવસમાં દરરોજ સોમનાથ મંદિરના કમાડ ૫.૩૦ વાગ્યે ખુલે છે જ્યારે શ્રાવણ માસના સોમવારે ૪ વાગે કપાટ ખુલી જાય છે. કપાટ ખુલતા જ હજારો ભાવિકોએ જય સોમનાથ મહાદેવના નારા લગાવી સુપ્રસિધ્ધ અને ચમત્કારિક સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. ગત મોડી રાત્રિથી જ શ્રદ્ધાળુઓ મંદિર પરિસરમાં આવી ગયા હતા અને મહાદેવના દર્શન કરવા પડાપડી કરી હતી. સોમનાથ મહાદેવની પાલખી યાત્રા ભાવિકોએ ખભા પર ઉંચકી મંદિરની પ્રદક્ષિણા કરાવી હતી ધન્યતા અનુભવી હતી. સોમનાથ મહાદેવને આજે બહુ ભવ્ય અને વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. સોમનાથ દાદાની ભવ્યાતિભવ્ય એવી આજની આરતી અને દર્શનનો લાભ લઇ શિવભકતોએ ભારે ધન્યતા અનુભવી હતી.

(9:05 pm IST)