Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

અરવલ્લી નજીક માલપુરમાં સોનાક્ષી સિંહાનું પૂતળાદહન

વાલ્મિકી સમાજ માટે અપમાનજનક શબ્દો : આપત્તિજનક શબ્દોનું ઉચ્ચારણ કરતાં સમાજમાં વિવાદ

અમદાવાદ, તા.૫ : સમગ્ર દેશમાં અનુસૂચિત જાતિ સમાજના લોકો સાથે ભેદભાવભર્યું વલણ દાખવવાનો વધુ એક કિસ્સો સામે આવતાં આ સમાજમાં ફરી એકવાર ઘેરા પ્રત્યાઘાત પડયા છે. આ વખતે બોલીવુડની અભિનેત્રી સોનાક્ષી સિંહાએ એક ઇન્ટરવ્યુમાં વાલ્મિકી સમાજ માટે અપમાનજનક શબ્દ વાપરતાં સમગ્ર દેશમાં વાલ્મિકી સમાજમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. આજે અરવલ્લી જીલ્લાના માલપુરમાં વાલ્મિકી સમાજે સોનાક્ષી સિંહાના પૂતળાનું દહન કરી મામલતદારને આવેદનપત્ર આપી એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવા માંગ કરી હતી. અરવલ્લી જિલ્લા વાલ્મિકી સમાજે બોલિવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહાનો ભારે વિરોધ કરી માલપુરમાં તેણીના પુતળાનું દહન કર્યું હતું. વાલ્મિકી સમાજના અગ્રણી લાલજી ભગતના જણાવ્યા મુજબ, અભિનેત્રી સોનાક્ષી સિંહા અને સિદ્વાર્થ કાને અનુસૂચિત જાતિ વિષે એક ઈન્ટરવ્યુમાં જાતિ વિષયક આપત્તિજનક શબ્દોનું ઉચ્ચારણ કર્યું હતું.

              જાતિ વિષયક શબ્દોના આપત્તિજનક શબ્દોથી જિલ્લાના લોકોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ ઇન્ટરવ્યુનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે, જેને લઇને વાલ્મિકી સમાજના લોકોએ ઠેરઠેર વિરોધ નોધાવ્યો હતો. અરવલ્લી જિલ્લાના માલપુર નગરમાં અનુસૂચિત જાતિના લોકોએ સોનાક્ષી સિંહા અને સિદ્વાર્થના પૂતળા દહન કરી વિરોધ નોધાવ્યો હતો. ત્યારબાદ આ અંગે મામલતદારને આવેદન પત્ર આપી બન્ને ફિલ્મ કલાકારો સામે પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવાની માંગ કરી હતી.

(9:02 pm IST)