Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

હવે વડોદરામાં રોગચાળાને રોકવા માટેના બધા પગલા

અસરગ્રસ્ત વિસ્તારોમાં સાફસફાઈને પ્રાથમિકતા : વડોદરામાં વિવિધ વિસ્તારોમાં જંતુનાશક દવાનો છંટકાવ અને લોકોના ઘેર-ઘેર આરોગ્ય ચકાસણીનો પણ આરંભ

અમદાવાદ, તા.૫ : વડોદરા શહેરમાં પૂરના પાણી ઓસરી જતાં હવે રોગચાળાનો ખતરો ઉભો થયો છે. ત્યારે શહેરમાં સંભવતઃ રોગચાળો ફાટી ના નીકળે તેના ભાગરૂપે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા હવે યુધ્ધના ધોરણે સમગ્ર વડોદરામાં રાત-દિવસ ઘનિષ્ઠ સફાઇ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. છેલ્લા પાંચ-છ દિવસથી પાણીમાં ઘરક સયાજીગંજ વિસ્તારના પરશુરામ ભઠ્ઠા, મહારાજાનગર, અંબિકાનગર, સંતોષી નગર, શિવાજીનગર વિસ્તારોમાં સફાઇ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં છથી સાત કલાક સફાઇ કરીને ૧૩૦થી વધુ ટન કચરો કાઢવામાં આવ્યો હતો. તો વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં જંતુનાશક દવાનો પણ છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે. આ સાથે આરોગ્ય ટીમ દ્વારા ઘરે-ઘરે જઇ લોકોની આરોગ્યની ચકાસણી કરવામાં આવી રહી છે.

વડોદરાના વોર્ડ નંબર-૬ના વોર્ડ ઓફિસર જીતેન્દ્ર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં પૂરના પાણી ઓસરતાની સાથેજ મોડી રાતથી સફાઇ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. છથી સાત કલાકની સફાઇ દરમિયાન પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાંથી ૧૩૦ ટન કચરો કાઢવામાં આવ્યો છે. કચરો કાઢવાની સાથોસાથ જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આ સાથે આરોગ્ય ટીમો દ્વારા ઘરે-ઘરે જઇ લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી રહી છે. અને શંકાસ્પદ જણાઇ આવે તેવા દર્દીઓને દવાઓ આપવામાં આવી રહી છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સફાઇની કામગીરી માટે ૪ ટ્રેક્ટર, ૨ આઇવા ટ્રક, ૩ જે.સી.બી. સાથે કોર્પોરેશનના ૧૦૦ ઉપરાંત સફાઇ સેવકો કામે લગાડવામાં આવ્યા છે.

કોર્પોરેશનની સફાઇની ટીમ સાથે સામાજિક સંસ્થા સંત નિરંકારીના સેવકો પણ જોડાયા છે. ગંદકીથી ઉભરાઇ ગયેલા પરશુરામ ભઠ્ઠાની સફાઇ બાદ હવે તેની આસપાસના વિસ્તારોની સફાઇ શરૂ કરી દેવામાં આવી છે. નોંધનીય બાબત એ છે કે, વડોદરા શહેરમાં આવેલા વિનાશક પૂર બાદ કોર્પોરેશન દ્વારા ૪૦૦૦ ઉપરાંત સફાઇ સેવકો તેમજ મશીનરી ઉતારી દેવામાં આવી છે. પરંતુ, શહેરમાં રોગચાળો ફાટી ન નીકળે સફાઇ સેવકો યુધ્ધના ધોરણે હાલ સફાઇ કરી રહ્યા છે.  સફાઇ સેવકો પોતાનું આરોગ્ય જોખમમાં મુકીને સફાઇ કરી રહ્યા છે.  દરમ્યાન જિલ્લા કલેક્ટર અને ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, સફાઇ કામ કર્મચારીઓ તેમજ સફાઇ કામ માટે બોલાવવામાં આવેલી ખાનગી એજન્સીઓને સ્પષ્ટ સુચના આપવામાં આવી છે કે, દરેક સફાઇ સેવક માસ્ક અને હેન્ડગ્લોઝ પહેરીને સફાઇ કરે. આમ છતાં, સફાઇ સેવકો સેફ્ટીના સાધનોનો ઉપયોગ કર્યા વિના કામ કરતા હશે તો સબંધિત અધિકારીઓને સુચના આપવામાં આવી રહી છે. આગામી ત્રણ-ચાર દિવસમાં વડોદરાને સંપૂર્ણ સ્વચ્છ કરી દેવાનું આયોજન છે.

(8:06 pm IST)