Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

સુરતના માંગરોળમાં ભારે વરસાદના કારણે લુવારા ગામ સંપર્કવિહોણું થતા હેલિકોપ્‍ટરની મદદથી રેસ્‍ક્‍યુ ઓપરેશન

સુરત: છેલ્લા ત્રણ દિવસથી દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા વરસાદને લઇ સુરત ઉપરાંત વલસાડ, વાપી, વઘઈ અને ડાંગ સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ઉમરપાડામાં 24 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ત્યારે સુરતના માંગરોળના લુવારા અને કોસાડી ગામમાં કિમ નદીના પાણી ફરી વળતા ગામ બેટમાં ફરેવાયું છે. જેને લઇને રાજ્ય સરકારે ભારતીય વાયુસેના વિનંતી કરતા વાયુસેના દ્વારા રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું છે.

સુરત જિલ્લામાં મેઘ મહેર યથાવત છે. સુરતમાં ભારે વરસાદને પગલે કિમ નદીમાં પુરની સ્થિતિ સર્જાઇ છે. જેને લઇને કિમ નદીના પાણી માંગરોળના કોસાડી અને લુવારામાં ફરી વળતા બંને ગામો બેટમાં ફરેવાઇ ગયા છે. બંને ગામમાં પાણી ભરાતા સ્થાનિક લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. જેને લઇને રાજ્ય સરકાર દ્વારા વાયુસેનાને બચાવ કામગીરી કરવા વિનંતી કરવામાં આવી હતી. ત્યારે દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડ દ્વારા બચાવ કામગીરી હાથ દરવામાં આવી છે.

માંગરોળના લુવારા ગામે પાણીમાં 150થી વધુ લોકો ફસાયા છે. જેમાંથી 10 લોકોનું રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યા છે. જ્યારે 140 લોકો હજુ સુધી ફસાયા છે જેમાં મહિલાઓ અને બાળકો પણ ફસાયા છે. ત્યારે તમામ લોકોને એર લિફ્ટ કરી બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.  ફસાયેલા લોકોને 2 હેલિકોપ્ટર વડે બહાર કાઢવાની કામગીરી શરૂ કરી છે.

સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન બારડોલીમાં 2.5 ઇંચ, ચોર્યાસીમાં 1.75 ઇંચ, કામરેજમાં 4 ઇંચ, મહુવામાં 1.75 ઇંચ, માંડવીમાં 8 ઇંચ, માંગરોળમાં 18 ઇંચ, પલસાણામાં 1.75 ઇંચ, ઓળપાડમાં 4.5 ઇંચ, ઉમરપાડામાં 23.5 ઇંચ અને સુરત સીટીમાં 2.25 ઇંચ વરસાદ નોંધાયો છે.

(4:49 pm IST)