Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

ગુજરાતી ફિલ્મ'મોન્ટુની બિટ્ટુ'નું પહેલુ વિડીયો સોંગ 'રંગ દરિયો' રિલીઝઃ યુવા કવિ પાર્થની અદ્દભુત રચના

વરસતા વરસાદમાં, ગમતી વ્યકિતના સંગાથમાં, ઈયરફોનને એકબીજાના કાનમાં અર્ધા અર્ધા વહેંચીને, કડક મીઠી ચાના સાથમાં રીપીટ મોડમાં માણવા જેવુ રોમેન્ટિક ગીત : ઐશ્વર્યા મજમૂદાર કોઇપણ ગીત રેકોર્ડ કરવા અડધો કલાક લે છે, આ ગીત માટે ચાર કલાકનો સમય આપ્યોઃ મેહુલ સુરતીના સંગીતનો જાદૂઃ દિવના ખુબસૂરત લોકેશનમાં શુટીંગ

રાજકોટ તા. ૫: વિજયગીરી બાવાની ગુજરાતી ફિલ્મ 'મોન્ટુની બિટ્ટુ'નું ટ્રેલર અને મ્યુઝીક ગયા અઠવાડિયે લોન્ચ થઈ ચૂકયા છે.  વિજયગીરી ફિલ્મોસ પ્રોડકશન હાઉસની આ ફિલ્મના ટ્રેલરને અને મ્યુઝીકને ખાસ્સી લોકપ્રિયતા મળી રહી છે. ગાના, જીઓ, સાવન, યુટ્યુબના જુકબોકસ, જલસો મ્યુઝીકલ એપ, હંગામા ડોટ કોમ, આઈટ્યુન્સ, એમેઝોન મ્યુઝિક, વીંક મ્યુઝીક જેવી એપ્લીકેશન્સના સરનામે લોકો આ ફિલ્મના બધા જ ગીતોને ભરપૂર માણી રહ્યા છ.  ટ્વિંકલ બાવા દ્વારા નિર્મિત આરોહી પટેલ, મૌલિક નાયક અને મેહુલ સોલંકી દ્વારા અભિનિત ફિલ્મ'મોન્ટુની બિટ્ટુ' સાતમ આઠમના તહેવારોમાં એટલે કે ૨૩ ઓગસ્ટના રોજ રીલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું પહેલુ વિડીયો સોંગ 'રંગ દરિયો' રિલીઝ થઇ ગયું છે.

ભરપૂર મનોરંજન અને સંપૂર્ણ પરિવાર સાથે બેસીને માણી શકાય એવી આ ગુજરાતી ફિલ્મની લોકો આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે. રંગ દરિયો ગીતના શબ્દો યુવા કવિ પાર્થ તારપરાના છે. લોકો ગીત માણીને આફરીન પોકારી રહ્યા છે. આ ગીત દ્વારા કવિ પાર્થ ગીતકાર તરીકે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહ્યા છે. જેમાં લાગણીની ખોવાતી રંગભીની નદીઓ...એક ટીપામાં પલળી ગઈ સદીઓની સદીઓ!... જેવા શબ્દોમાં કવિની અસાધારણ કલ્પનાની ઉંચાઈ જોવા મળે છે. જાણીતા સંગીતકાર મેહુલ સુરતીએ આ ગીતના સંગીતમાં જાદુ કર્યો છે. ગુજરાતની કોકિલકંઠી ઐશ્વર્યા મજમૂદારનો અવાજ ગીતમાં ચાર ચાંદ લગાવી દે છે.

સંગીતકાર મેહુલ સુરતીના કહેવા મુજબ સામાન્ય રીતે કોઈપણ ગીતનું રેકોર્ડીંગ હોય તો ઐશ્વર્યા મજમૂદાર લગભગ ત્રીસ પાંત્રીસ મિનિટમાં ગીત રેકોર્ડ કરી આપે છે. પણ રંગ દરિયો એવું ગીત છે જેનું રેકોર્ડીંગ કરવા માટે ઐશ્વર્યા મજમૂદારે સ્ટુડિયોમાં ચાર કલાકથી પણ વધુ સમય આપ્યો છે.

મનમાં સવાલ થવો સ્વાભાવિક છે કે પાંચ મિનિટના ગીતમાં ચાર કલાક ? તો રંગ દરિયો ગીત આપ માણશો ત્યારે ગીતકાર, સંગીતકાર અને ગાયકની સાધનાનો અંદાજ આવી જશે. ગીતકાર પાર્થ તારપરાને આ ગીત દરિયાકિનારે જ મનમાં ઘોળાયું હતું. પૂનમની રાત્રે આખી રાત તેઓ દરિયાકિનારે બેઠા હતા ને એમના મનમાં આ રંગદરિયો ગીત જનમ્યું હતું! સંગીતકાર મેહુલ સુરતીનું કહેવું છે કે આજ સુધી એમણે રંગ દરિયો શબ્દનો ઉપયોગ કોઈ ગુજરાતી ગીતમાં નથી સાંભળ્યો એટલે એ અર્થમાં આ એક કુંવારૂ કલ્પન છે !

ફિલ્મ મોન્ટુની બિટ્ટુના આ વિડિયો સોંગને દિવના ખુબસૂરત લોકેશન્સમાં ફિલ્માવવામાં આવ્યું છે. આરોહી પટેલ, મેહેલુ સોલંકી પર ફિલ્માવાયેલા આ રોમેન્ટિક નંબરમાં દિવનો દરિયા કિનારો, દિવની ગુફા અને દિવનું બ્યુટીફૂલ રંગબેરંગી ફૂદમ ગામ જોવા મળે છે. જે વિઝયુઅલી રંગ દરિયોના નવા અર્થો ઉપજાવે છે.   યુટ્યુબ પર વિજયગીરી ફિલ્મોસ ચેનલ પર આપ રંગ દરિયો સોંગ માણી શકશો. વરસતા વરસાદમાં, ગમતી વ્યકિતના સંગાથમાં, ઈયરફોનને એકબીજાના કાનમાં અર્ધા અર્ધા વહેંચીને, કડક મીઠી ચાના સાથમાં રીપીટ મોડમાં માણવા જેવુ રોમેન્ટિક ગીત છે....રંગ દરિયો!

(4:08 pm IST)