Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

અને, અનુપમસિંહ ગેહલોતે પીઆઇ જે.કે.ડોડીયાને કહયું કે 'તમે ફસાશો તો હુ હેલિકોપ્ટર સાથે આવી તમને ઉગારી લઇશ'

૧૦ નવજાત બાળકોને બચાવવા વડોદરા પોલીસનું દિલધડક ઓપરેશન

બચાવ ટીમની છાતી સુધી પાણી આવ્યાઃ રસ્તામાં ઝેરી સાપો પણ નડયાઃ ટ્રક બંધ થયાઃ તમામ અવરોધો વટાવી બાળકોને બીજી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરાવીને જ જંપ્યા

રાજકોટ, તા., પઃ  વડોદરામાં મેઘરાજાએ મહેરને બદલે કહેર વર્તાવ્યો પરંતુ સરકારના વિવિધ વિભાગો અને ખાસ કરીને મિલટ્રી અને એનડીઆરએફ ટીમોની સાથોસાથ પોલીસ તંત્રએ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શનમાં જીવના જોખમે જે રીતે પોલીસે કામગીરી કરી એક હોસ્પીટલમાં રહેલા દસેક જેટલા નવજાત શીશુઓને બચાવવા માટે જે રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યુ તેની સમગ્ર કથા દિલધડક અને માનવતાની પરાકાષ્ઠા સમી છે.

 વડોદરાના સાયબર ક્રાઇમ સેલમાં ઇન્ચાર્જ પીઆઇ તરીકે પોલીસ કમિશ્નરે જે.કે.ડોડીયાની પસંદગી કરી એડમન ડીવાયએસપી મનીષસિંઘની મદદમાં ખાસ પોલીસ ટીમો સાથે તૈનાત કરેલા પોલીસ કમિશ્નરની આ દુરંદેશી સફળ રહી. વડોદરાની  લોટસ હોસ્પીટલમાં નવજાત બાળકો જયાં હતા તે પૈકીના ઘણા બાળકો આઇસીયુમાં હતા. લાઇટ ચાલી જવાના કારણે ઓકસીજન સહીતની સુવિધાઓ ખોરવાઇ ગઇ હતી. જનરેટર પણ ડીઝલ ખુટી જવાથી બંધ પડી ગયું હતું.

હોસ્પિટલ સતાવાળાઓએ કંટ્રોલ અને પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતનો સંપર્ક સાધતા તેઓએ ડીસીપી મનીષસિંઘ સાથે ચર્ચા કરી જે.કે.ડોડીયાને છાતીડુબ પાણીમાં જઇ આ ઓપરેશન પાર પાડવા માટે જણાવ્યું. જે.કે.ડોડીયાએ ખુશી-ખુશી આ ઓપરેશન પાર પાડવા પોતાની પસંદગી બદલ ખુશી વ્યકત કરી કારણ કે તેમને અનુપમસિંહ ગેહલોતમાં પુર્ણ શ્રધ્ધા હતી. આમ છતાં  અનુપમસિંહ ગેહલોતે જે.કે.ડોડીયાને ખાત્રી આપી કે તમે વિશ્વાસ રાખજો તમે મુશ્કેલીમાં મુકાશો તો હું જાતે હેલીકોપ્ટર લઇ તમને ઉગારી લઇશે.

આટલું સાંભળતા જ એ પીઆઇનું જોશ બવેડાઇ ગયું તેઓએ મહામુસીબતે એક ટ્રેકટર અને ટ્રકની વ્યવસ્થા કરી તેઓ જેમ જેમ આગળ ગયા તેમ-તેમ પાણી વધતું ગયું પાણીમાં ખુદ તણાઇ જશે તેવો ભય એક તબક્કે લાગ્યો. પાણીની નીચે ટુ વ્હીલરો અને કારો હતી જે પણ નજરે ચઢતી ન હોવાથી પોલીસ સ્ટાફે ડુબકી મારી આ અડચણો દુર કરી મહામુસીબતે હેડ કવાર્ટરમાંથી લાવેલ ડીઝલ સાથે હોસ્પીટલે પહોંચ્યા.

હોસ્પીટલે પહોંચ્યા પછી જાણ થઇ કે જનરેટર તો આખુ પાણીમાં ડુબી ગયું છે. આવા સંજોગોમાં લાઇટ ચાલુ ન થાય અને નવજાત શીશુઓના જીવ પર હવે જોખમ છે આથી સમય બગાડયા વગર જે બાળકોના ઓકસીજનની પાઇપ હતી તેઓને તે રીતે તથા બીજાઓને પાછળના ટ્રકમાં પોલીસે સુવ્યવસ્થિત રીતે તે સંભાળીને અન્ય હોસ્પિટલમાં  લઇ ગયા.

અન્ય હોસ્પિટલમાં પહોંચાડવા સુધી અનેક અવરોધો પાર કરવા પડયા રસ્તામાં સાપો પણ આવ્યા અને બીજા ઝેરી જીવજંતુઓ પણ આવ્યા પણ એ પોલીસ ઇન્સ્પેકટરે પરવા કર્યા વગર સમગ્ર ઓપરેશન પાર પાડયું. આ દરમિયાન રસ્તામાં તેઓના ટ્રક બંધ પડી જતા તે પણ ચાલુ કર્યા હતા.

વડોદરાના એક પીએસઆઇએ માથા પર બાળકને છાબડીમાં લઇ જીવ બચાવેલ તે જાણીતી વાત છે. આ તો ફકત બે-ત્રણ કિસ્સા છે પરંતુ વડોદરા પોલીસના નાના-મોટા તમામ સ્ટાફે જે રીતે એનડીઆરએેફ  સાથે કે મિલટ્રી સાથે રહી લોકોને બચાવવા તથા વિતરણ કાર્યમાં મદદ કરી તેની નોંધ ખુદ રાજયકક્ષાના ગૃહમંત્રીએ પણ લઇ ફેસબુક ઉપર ઉલ્લેખ કર્યો છે.

 

(12:59 pm IST)