Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

શેરબજાર ભલે ગગડયું પોલીસની લાંચના ભાવમાં અ-ધ-ધ ઉછાળો

૩૦ લાખથી લઇ એક કરોડની લાંચની બેધડક માંગણી

સુરતના એક પીઆઇએ એક કરોડની લાંચમાં ૭૦ લાખનું ડીસ્કાઉન્ટ આપ્યું, જેતપુરના પીઆઇએ ૧૦ લાખની લાંચમાં ર લાખનું ડીસ્કાઉન્ટ આપ્યું : એસીબીની સક્રિયતાને કારણે પોલીસ સહિત વિવિધ ખાતાના નાના માછલાઓ નહિ મોટા મગરમચ્છો પણ સપડાયાઃ સજાના પ્રમાણમાં ૪૮ ટકાનો વધારો : એસીબીને સંપુર્ણ પણે સીબીઆઇ સમકક્ષ બનાવવા 'ટીએફએસયુ' યુનીટ કાર્યરત કાયદાના ૭ તજજ્ઞો તુર્તમાં એસીબીમાં: સેસન્સથી લઇ સુપ્રિમ કોર્ટ સુધી જામીન ન મળે તે માટેનો કાનુની જંગ વધુ જમાવવા માટે એસીબીમાં ફોરેન્સીક તજજ્ઞો પણ નિમાશેઃ એસીબી વડા કેશવકુમાર સાથે અકિલાની વાતચીત

રાજકોટ, તા., પઃ શેરબજારમાં સેન્સેકસ  કડડભૂસ ભલે થયો હોય કે બીજી રીતે ભાવો તળીયે પહોંચ્યા હોય પરંતુ પોલીસની લાંચના ભાવમાં સરકારના ચોક્કસ મલાઇદાર ખાતાનો ચેપ લાગ્યો હોય તેમ આશ્ચર્યજનક રીતે વધારો થયાનું ખુદ એસીબી વર્તુળો બિનસતાવાર રીતે સ્વીકારતા થયા છે. રાજય પોલીસ તંત્રમાં એક પોલીસ ઇન્સ્પેકટર કક્ષાના અધિકારીએ એક કરોડની લાંચ માંગ્યા બાદ ૩૦ લાખ પ૦ હજારમાં ડીલ ફાઇનલ કરી તો જેતપુરના ડીવાયએસપી કક્ષાના અધિકારીએ ૧૦ લાખની લાંચ માંગ્યા બાદ ૮ લાખ લાંચ પોલીસમેન મારફત સ્વીકાર્યાના આરોપ લાગ્યા છે.

રાજય પોલીસ તંત્રની માનસિકતામાં  જાણે આમુલ પરિવર્તન આવ્યું હોય તેમ હવે  કોઇને નાની-મોટી રકમમાં રસ જ ન હોય તેવું ફલીત થયા વગર તાજેતરના એસીબીના લાંચના કિસ્સાઓમાં નજર કરીએ તો દ્રષ્ટિગોચર થયા વગર રહેતું નથી. લાંચના  કિસ્સાઓમાં અન્ય ખાતાઓ માફક પોલીસ તંત્રમાં પણ લાંચના મામલામાં ભારે ડીસ્કાઉન્ટ પણ શરૃ થયાનું સુરતની એક કરોડની લાંચમાં ૭૦ લાખનું ડીસ્કાઉન્ટ અને જેતપુરની ૧૦ લાખની લાંચમાં ર લાખનું ડીસ્કાઉન્ટ અપાયું એ આ બાબતની ચાડી ખાય છે.

રાજય પોલીસ તંત્રમાં અગાઉના સમયમાં નાની-મોટી લાંચો લેવાતી અને આવી લાંચો લેતા અગાઉ કોઇને જાણ ન થાય તે રીતે ભારે ખાનગીમાં વરલી-મટકાવાળાઓ પાસે તથા જુગારની કલબો ચલાવતા શખ્સો કે પછી નાનો-મોટો દારૃનો ધંધો કરતા શખ્સો પાસેથી હપ્તા રૃપે લેવાતી. બહુ ઉહાપોહ  થાય ત્યારે પોલીસની ભાષામાં કહીએ તો બેઠી રેઇડ કરવામાં આવતી. એ સમયે જમીનના ધંધાના ગફલાની પોલીસને કોઇ કમાણી ન હતી. એક સમયે રાજકારણીઓ પણ આવી બધી બાબતોથી અળગા રહેતા.

ફરી મૂળ વાત પર આવીએ તો અગાઉના સમયમાં નિવૃતીના એક-બે વર્ષ અગાઉ પેન્શન સહિતના હક્ક, હિતો જોખમાય ન જાય તે માટે ઘણા પોલીસ અધિકારીઓ મલાઇદાર બ્રાન્ચો કે પોલીસ મથકોને બદલે આઇબી, સીઆઇડી, એમઓબી જેવી બ્રાન્ચોમાં ચાલ્યા જતા. આમા પણ આમુલ ફેરફાર થયો હોય તેમ તાજેતરમાં જ વડોદરાના એક પીઆઇ કે.ડી.રાવ નિવૃતીના ૩ દિવસ અગાઉ રૃા.૧ લાખની લાંચમાં સપડાયા.

લોકોને જેની સાથે રોજબરોજનો પનારો રહે છે અને જે સરકારી ખાતાઓમાં લાંચ વગર કામ થતું નથી તેવી વધતી જતી ફરીયાદો સંદર્ભે રાજય સરકારે એસીબીને બેધડક કાર્યવાહી કરવા આપેલી લીલીઝંડીને કારણે નાના-નાના માછલાઓ જ નહી મોટા મગરમચ્છો પણ હવે એસીબીની જાળમાં સપડાવા લાગ્યા છે. હાલના એસીબી વડા કેશવકુમાર કે જેઓ સીબીઆઇનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓએ એસીબીનું આખુ માળખુ સીબીઆઇ સમકક્ષ બનાવવા જે મહેનત કરી તે મહેનતનો પણ સિંહફાળો છે. આ અગાઉ હાલના સીઆઇડી વડા આશીષ ભાટીયાએ પણ લાંચ રૃશ્વત વિરોધી બ્યુરોમાં અસરકારક કામગીરી બજાવી હતી.

એસીબીના માળખાને સુદ્રઢ કરવા માટે ટીએફએસયુ યુનીટ એસીબી હેડ કવાર્ટરમાં કાર્યરત કરવામાં આવ્યું છે. એસીબીના કેસોને ફુલપ્રુફ બનાવવા માટે અને ટેકનીકલ અને ફોરેન્સીક માર્ગદર્શન માટે આ ટેકનીકલ યુનીટ ખુબ ઉપયોગી છે. એસીબી દ્વારા થતા કેસોમાં સજાના પ્રમાણમાં ૪૮ ટકા જેટલો વધારો થયો છે. કેસોમાં સરળતા રહે તે માટે નાયબ નિયામક કક્ષાના અધિકારી તુર્તમાં જ એસીબીમાં નિમવામાં આવશે. વિરમગામના ડીવાયએસપી, સુરતના પીઆઇ કે પછી વડોદરાના પીઆઇ સહીતના વિવિધ ખાતાઓના અધિકારીઓને સેસન્સ કોર્ટ તો શું સુપ્રિમ કોર્ટ સુધી જામીન ન મળી  શકયા. આ પ્રથા યથાવત રાખવા કોર્ટમાં પુરાવાની મજબુત સાંકળ ગુંથી શકાય તે માટે કાનુની તજજ્ઞો સાથે ફોરેન્સીક સલાહકારોની ટીમો એસીબીમાં તુર્તમાં કાર્યરત થશે તેમ અકિલા સાથેની વાતચીતમાં એસીબી વડા કેશવકુમારે જણાવ્યું હતું.

(12:13 pm IST)