Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

પુરગ્રસ્ત વડોદરામાં પાણી ઉતરતા સફાઈ અભિયાન

હજારો કર્મચારીઓ સફાઈ કામગીરી જોડાયા : અમદાવાદ, સુરત તેમજ વડોદરાના સફાઈ કર્મચારીઓ સામેલ : પાણી ઉતરતા મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરે

વડોદરા, તા. ૪ : વડોદરા શહેરમાં પુર જેવી સ્થિતિમાં આંશિક રાહત મળ્યા બાદ હવે સાફ સફાઈ ઝુંબેશનો દોર ચાલી રહ્યો છે. ત્રણ હજારથી પણ વધુ સફાઈ કર્મચારીઓ લાગી ગયા છે. અમદાવાદ, સુરત અને વડોદરાના સફાઈ કર્મચારીઓને રોકવામાં આવ્યા છે. રોબોટ જેસી મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રોબોટ જેસીબી મશીનોની સાથે સફાઈ કર્મચારીઓને રોકવામાં આવ્યા છે. આગામી પાંચ દિવસ સુધી શહેરને સ્વચ્છ કરવાની કામગીરીને પૂર્ણ કરી દેવામાં આવશે. જાણકાર લોકોનું કહેવું છે કે, જે ક્ષેત્રમાં પાણી ઉતરી ગયા છે અને ગંદગી છે તેવા ક્ષેત્રોમાં શુક્રવારના દિવસે જ સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

           આ કાર્યમાં સુરતથી બે રોબોટ જેસીબી મશીન સહિત ૧૭ જેસીબી, ૨૪ સક્શન મશીનો, ૧૬ જેટિંગ મશીન, ચાર સુપર સક્શન મશીન, ૨૦ ડમ્પર અને ૩૦૦૦થી વધુ સફાઈ કર્મચારીઓ જોડાયા છે. એક લાખ કિલો મેલેથિન પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો છે. ૧૦૫ પ્રાથમિક સ્કુલોના શિક્ષકો અને કર્મચારીઓ તરફથી સફાઈ કર્મચારીઓની સાથે સફાઈ કામગીરી શરૂ કરાઈ છે. વડોદરા શહેર અને જિલ્લાની ૯૮ આરોગ્ય ટીમો કાર્યરત કરવામાં આવી છે. સાથે સાથે ૨૬ ટીમો સર્વે કરી રહી છે. હજુ સુધી અનેક ક્ષેત્રમાં પાણી ભરાયેલા છે જેથી પાણી ઉતરે તેની રાહ જોવાઈ રહી છે.

           જે ક્ષેત્રોમાં રાહત કામગીરી જારી છે તે વિસ્તારમાં પણ સફાઈ કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. સ્થળાંતર કરવામાં આવેલા ૭૯૨૦ લોકોમાંથી મોટાભાગના લોકો પાણી ઉતરી જવાના કારણે પોતાના વિસ્તારોમાં પરત ફરી રહ્યા છે. ૧૬ સ્થળો પર ફુડ પેકેટ્સ, દુધ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી ચુકી છે. જિલ્લા કલેક્ટર અને પ્રભારી તથા મનપા અધિકારી  શાલિની અગ્રવાલનું કહેવું છે કે, કોઇપણ સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર પહેલાથી જ તૈયાર છે. આ ઉપરાંત ફાયર બ્રિગેડની ટીમો પણ ગોઠવવામાં આવી છે.

       એવા સમાચાર પણ મળ્યા છે કે, ભારે વરસાદના પરિણામ સ્વરુપે વર્ષભર માટે જે લોકોએ અનાજ ભરાવીને રાખ્યા હતા તેમાં પણ નુકસાન થયું છે. અનાજના જથ્થાને ફેંકી દેવાની ફરજ પડી છે. વડોદરા સ્ટેશન ઉપર પણ સાફ સફાઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવીચુકી છે. વિજળી પુરવઠાને પુનઃ વ્યવસ્થિત કરવાની કામગીરી ચાલી રહી છે. અત્રે નોંધનીય છે કે, વડોદરામાં હાલમાં જ ૨૧ ઇંચથી વધુ વરસાદ થયા બાદ ભારે જળબંબાકારની સ્થિતિ રહી હતી.

વિદ્યાર્થી તેમજ શિક્ષકોને સન્માનિત કરવા કાર્યક્રમ

૧૧મી ઓગસ્ટના દિવસે કાર્યક્રમ

અમદાવાદ, તા. ૪ : શાહપુર યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ જ આ વર્ષે પણ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શાહપુરને ગૌરવ અપાવનાર વિશિષ્ટ પ્રતિભાઓનું સન્માન કરવામાં આવનાર છે. દર વર્ષની જેમ જ કેજીથી ૧૨માં ધોરણમાં ૬૦ ટકાથી વધારે ગુણ મેળવનાર શાહપુરના પોળ વિસ્તારમાં રહેતા નાગરિકોના સંતાનોને સન્માનિત કરવામાં આવનાર છે. કેજીથી ૧૨માં ધોરણ સુધી પ્રથમ ત્રણ ક્રમાંકે આવનાર છાત્રોનું સન્માન કરવામાં આવશે. શાહપુરમાં ગરનાળાની પોળ પાસે સ્થિત ભાવસાર હોલમાં ૧૧મી ઓગસ્ટના દિવસે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

          આ કાર્યક્રમ સવારે ૯.૩૦ વાગે યોજવામાં આવશે જેમાં વિદ્યાર્થીઓને વિશેષ ઇનામથી સન્માન કરાશે. દર વર્ષે કાર્યક્રમો યોજવામાં આવે છે જેના ભાગરુપે આ કાર્યક્રમ યોજાશે.

(9:33 pm IST)