Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

રાજયભના ૧૦૬થી વધુ તાલુકામાં નોંધપાત્ર વરસાદ

હજુ ૪૮ કલાક સુધી અતિભારે વરસાદની ચેતવણી : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાકમાં બેથી ૧૭ ઇંચ સુધીનો વરસાદ : પાણીની સમસ્યા હળવી

અમદાવાદ, તા.૪ : ગુજરાતભરમાં વરસાદી માહોલ અકબંધ રહ્યો છે. અતિભારે વરસાદગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. બીજી બાજુ રાજ્યભરમાં ૧૦૬થી વધુ તાલુકાઓમાં વરસાદી માહોલ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં મોટાભાગના વિસ્તારોમાં બેથી ૧૦ ઇંચ સુધીનો વરસાદ થયો છે. બચાવ અને રાહત કામગીરીમાં એનડીઆરએફ, ફાયરબ્રિગેડ સહિતની ટીમો જોડાયેલી છે.

             બીજી બાજુ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી યથાવતરહી છે જેથી તંત્ર હજુ પણ ખડેપગે છે. અપર એર સાઇકલોનિક સિસ્ટમની અસરના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, ગણદેવી, બીલીમોરા, વલસાડ, કપરાડા, ભરૂચ સહિતના પંથકોમાં અતિ ભારે વરસાદ નોંધાતાં સર્વત્ર જળબંબાકાર અને પાણી જ પાણીની સ્થિતિ સર્જાઇ હતી. હવામાન વિભાગના આકંડા પર નજર કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ઉમરપાડામાં સૌથી વધુ ૧૭ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ખંભાતમાં ૧૬ ઇંચ, ઓલપાડમાં ૧૪ ઇંચ, વઘઈમાં ૧૩ ઇંચ, સુરતના માંગરોળમાં ૧૧ ઇંચ, વાંસદામાં ૧૧ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. હાલ બંગાળની ખાડીમાં લો પ્રેશર બની રહ્યું છે. જેથી હવામાન વિભાગ દ્વારા આગામી ૪૮ કલાક રાજયમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

             આ સાથે જ રાજયમાં ૧૦૬થી વધુ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો, જેને પગલે ચોમાસાની સીઝનનો રાજયનો કુલ વરસાદ ૫૮ ટકાથી વધુ નોંધાઇ ચૂકયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૪૮ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત વિસ્તારમાં ભારે વરસાદની આપવામાં આવેલી આગાહીના પગલે આ જિલ્લાના કલેકટરોને સંપૂર્ણ સતર્ક અને સજાગ રહેવાની તાકીદ કરી દેવાઇ હતી. નીચાણવાળા વિસ્તારના લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવાની સૂચના પણ આપી દેવાઇ છે. ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઇ સરકારી તંત્ર હાઇએલર્ટ પર છે તો, સાથે સાથે એનડીઆરએફ, ફાયર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિતની રાહત અને બચાવની ટીમોને સ્ટેન્ડ ટુ અને એકદમ એલર્ટ રખાઇ છે. સમગ્ર રાજ્યમાં દસ હજાર જેટલા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાત-કચ્છમાં પણ વ્યાપક વરસાદની સંભાવનાઓ જોતાં રાજ્ય સરકારે સમગ્ર તંત્ર હાઇ એલર્ટ પર મૂક્યું છે. એટલું જ નહીં એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયરબ્રિગેડ સહિતની ટીમો બચાવ-રાહત કામો માટે ખડેપગે રાખવામાં આવી છે.

(9:28 pm IST)