Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

મેઘ કહેરની વચ્ચે ઉંમરપાડામાં ૧૧ ઇંચથી વધારે વરસાદ પડ્યો

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદથી જનજીવન ઠપ : મોટાભાગના કોઝ વે પાણીમાં ગરકાવ : ઓલપાડ-કિમ હાઈવેને બંધ કરવાની ફરજ પડી : કપરાડામાં પણ ૧૦ ઇંચ વરસાદ : ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ

અમદાવાદ, તા.૪ : સુરત સહિત દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આજે અતિભારે વરસાદ થયો હતો. સુરત જિલ્લાના ઉમરપાડામાં ૧૧ ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી ગયો હતો. બીજી બાજુ કપરાડામાં પણ વધુ વરસાદ થયો હતો. દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં અતિભારે વરસાદના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાયેલું રહ્યું હતું. નિચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ રહી હતી. મોટાભાગના કોઝવે પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ઓલપાલ-કિમ હાઈવેને બંધ કરવાની તંત્રને ફરજ પડી છે. માંગરોળ, ઉંમરપાડા અને ઓલપાડની તમામ સ્કુલોમાં ભારે વરસાદના કારણે રજા જાહેર કરી દેવામાં આવી છે. સુરત-ભરુચ વચ્ચેનો રેલવે વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. સુરત જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે.

             દક્ષિણ ગુજરાતની મોટાભાગની નદીઓમાં પુર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. મેઘ કહેર વચ્ચે દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હાલત કફોડી બનેલી છે. આજે જે વિસ્તારમાં વધારે વરસોદ થયો હતો તેમાં કપરાડામાં ૧૦ ઇંચથી વધુ, ક્વાંટમાં સાત ઇંચથી વધુ, ઉછ્છલમાં પાંચથી વધુ, વાપીમાં પાંચ ઇંચથી વધુ, નાંદોદમાં પાંચ ઇંચથી વધુ વરસાદ થયો હતો. દક્ષિણ ગુજરાતમાં આજે મેઘરાજાએ જોરદાર વરસાદી કહેર વચ્ચે નવસારી, ગણદેવી, કપરાડા, વલસાડ, વાપી, ભરૂચ સહિતના પંથકોને ઘમરોળી નાંખ્યા હતા. દક્ષિણ ગુજરાતના મોટાભાગના પંથકોમાં ધોધમાર વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

          જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે વલસાડ જિલ્લાની ઔરંગા નદી અને નવસારી જિલ્લાની અંબિકા નદીમાં પૂરની સ્થિતના કારણે કાંઠા વિસ્તારના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. વલસાડના હનુમાન ભાગડા વિસ્તારમાં લોકોના ઘરમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફની ટીમ દ્વારા રાહત અને બચાવની કામગીરી હાથ ધરાઇ રહી છે. દરમ્યાન આજે ગણદેવીના ભાટ ગામમાં પૂરના પાણીમાં ૫૦થી વધુ લોકો લોકો ફસાઈ જતા એરફોર્સની મદદથી એરલિફ્ટ કરી સુરત એરપોર્ટ ખાતે લવાયા હતા. અતિ ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લાના મધુબન ડેમની સપાટીમાં બહુ નોંધપાત્ર વધારો થતા ૧૦ દરવાજા ખોલી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આજે વહેલી સવારથી વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં કપરાડામાં છેલ્લા ૪ કલાકમાં ૮ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

            જ્યારે ઔરંગા નદીમાં પણ પૂરની સ્થિતની પગલે લોકોની હાલત કફોડી થઈ ગઈ હતી. વાપી-સેલવાસ રોડ ચંદ્રલોકની સામે, હાઇવે જલારામ મંદિર પાસે, ચણોદ કોલોની, સુર્યા કો-હાઉસીંગ સોસાયટી આગળ વરસાદી પાણી ભરાતા દોડધામ મચી હતી. આ ઉપરાંત છરવાડા રમઝાન રોડ પર પાણી ભરાતાં અહીથી પસાર થવું મુશ્કેલ બન્યું હતું. વાપી તથા આજુબાજુના વિસ્તારમાં વરસાદ ચાલુ રહેતાં નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતાં. ગટરોની સફાઇનો અભાવ તથા કુદરતી વહેણ પસાર થાય તે મુજબ કામગીરી તંત્રએ ન કરતાં આ ફરી વાપીના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. સૌથી વધારે અસર વાપી-સેલવાસ રોડ સ્થિત ચંદ્રલોક બિલ્ડીંગની સામે થઇ હતી. ઘૂંટણસમા પાણી ભરાતાં વાહન ચાલકો પણ અહીથી પસાર થઇ શકયા ન હતાં.

            હાઇવે જલારામ મંદિર પાસે, ચણોદ કોલોની, સુર્યા કો-હાઉસીંગ સોસાયટી, છરવાડા રમઝાન વાડી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદી પાણી ભરાયા હતાં. જેના કારણે લોકોએ હાલાકી ભોગવાનો વારો આવ્યો હતો. વલસાડમાં ઔરંગામાં પૂરની પરિસ્થિતિ સર્જાતા કલેકટર સી.આર.ખરસાણે તાત્કાલિક એનડીઆરએફ ટીમને બોટ સાથે રવાના કરતા રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઇ હતી. કાશ્મીરનગરમાં જ લગભગ ૧૦૦ પરિવારના મહિલા સહિતના સભ્યોને સ્થળાંતર માટે બહારફાયર વિભાગે બહાર કાઢી વલસાડ પારડીની પ્રાથમિક શાળામાં સુરક્ષિત સ્થળે લઇ જવાયા હતા. મોગરાવાડીના કાઉન્સિલર ગીરીશ દેસાઇ અસરગ્રસ્તોને મદદરૂપ થયા હતા.જ્યારે બરૂડિયાવાડ, વાડીફળિયા જેવા વિસ્તારોમાંથી પણ નજીકના સલામત સ્થળે લોકોને જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસની મદદથી ખસેડવામાં આવ્યા હતા.ગત રોજ ૧૭ ઇંચથી વધુ વરસાદ ખાબક્યા બાદ આજે સુરત જિલ્લાના ઉંમરપાડામાં ફરી ધોધમાર વરસાદ થયો હતો. ૧૧ ઇંચથી પણ વધુ વરસાદ થઇ ગયો હતો. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. સુરતમાં તાપી નદી બે કાંઠે થઇ હોવાના અહેવાલ મળ્યા છે.

          સુરત જિલ્લાના ઉંમરાપાડમાં ગઇકાલે ૧૭ ઇંચ વરસાદ બાદ આજે વધુ ૧૧ ઇંચથી વધુ વરસાદ થયો હતો. છેલ્લા બે કલાકમાં ખુબ જ વરસાદ નોંધાયો હતો. સુરત સિટીમાં પણ પાણી ભરાયા હોવાના અહેવાલ મળ્યા છે. ઓલપાલના સાયન-ગોધાણ ગામ પાસે રેલવે બ્રિજ પર પાણી ફરી વળ્યા છે.

ક્યાં કેટલો વરસાદ.....

અમદાવાદ, તા. ૪ : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જારી રહ્યો છે. ક્યાં કેટલો વરસાદ થયો તે નીચે મુજબ છે.

સ્થળ........................................... વરસાદ (ઇંચમાં)

ઉંમરપાડા...................................... ૧૧ ઇંચથી વધુ

કપરાડા......................................... ૧૦ ઇંચથી વધુ

ક્વાંટ............................................... ૭ ઇંચથી વધુ

ડભોઈ.............................................. ૫ ઇંચથી વધુ

વાપી............................................... ૫ ઇંચથી વધુ

ઉછ્છલ............................................ ૫ ઇંચથી વધુ

નાંદોદ............................................. પ ઇંચથી વધુ

માંડવી............................................. ૫ ઇંચથી વધુ

કામરેજ........................................... બે ઇંચથી વધુ

(9:23 pm IST)