Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

ઓઢવની ગેરકાયદે પ્લે સ્કૂલના કેસમાં કાર્યવાહી કરવા આદેશ

ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોર્પોરેશનને આદેશ : કોઇ પ્રકારની મંજુરી વિના ગેરકાયદે બાંધકામો થવા છતાં કોર્પોરેશન તરફથી કાર્યવાહી નહી કરાતાં હાઇકોર્ટમાં રિટ

અમદાવાદ, તા.૪ : શહેરના ઓઢવ વિસ્તારમાં વિરાટનગર વોર્ડ નં-૨૫માં આવેલ હરિવીલા સોસાયટી ખાતે બંગલા નંબર-૧૪, ૧૫ અને ૧૬માં ગેરકાયદેસર રીતે ચાલતી પ્લે સ્કૂલ(ઇંગ્લીશ) સામે કાયદેસર કાર્યવાહી કરી જરૂરી પગલાં લેવા દાદ માંગતી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી રિટ અરજીની સુનાવણીમાં જસ્ટિસ એ.જે.દેસાઇએ આ કેસમાં જરૂરી પગલાં લેવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓને મહત્વનો હુકમ કર્યો છે. હાઇકોર્ટે નોંધ્યું હતું કે, બોમ્બે પ્રોવીન્શીયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એકટ-૧૯૪૯ની કલમ-૨૬૦(૧) અને ૨૬૦(૨) હેઠળ સ્કૂલને નોટિસ જારી કરાયેલી છે ત્યારે એવી આશા રાખવામાં આવે છે કે,

            અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ આ કેસમાં જરૂરી પગલાં લેશે. અરજદાર જીગ્નેશ અરજણભાઇ કંજારીયા દ્વારા હાઇકોર્ટ સમક્ષ કરાયેલી રિટ અરજીમાં એડવોકેટ કલરવ પટેલ અને એડવોકેટ પ્રતિક નાયકે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, હરિવીલા સોસાયટી ખાતે બંગલા નંબર-૧૪,૧૫ અને ૧૬ ખાતે વીણાબહેન શર્માએ ગેરકાયદેસર બાંધકામ કરી પ્લે સ્કૂલ(ઇંગ્લીશ) ચલાવી રહ્યા હોઇ અરજદારે આ સમગ્ર મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, મ્યુનિસિપલ કમિશનર સહિતના સંબંધિત સત્તાવાળાઓને લેખિતમાં ફરિયાદ કરી હતી. જેના અનુસંધાનમાં અમ્યુકો સત્તાવાળાઓએ અનઅધિકૃત રીતે શાળા ચલાવતા સંચાલકોને ૬૦ દિવસમાં બંધ કરવા અને જરૂરી ખુલાસો કરવા હુકમ કર્યો હતો. ગત તા.૨૮-૨-૨૦૧૭ના રોજ ટીડીઓ દ્વારા ત્રણ દિવસમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવા હુકમ કર્યો હતો પરંતુ તેમછતાં શાળા સંચાલકો દ્વારા ગેરકાયદે બાંધકામ દૂર નહી કરાતાં અરજદાર દ્વારા ફરીથી તા.૧૩-૪-૨૦૧૭ના રોજ અમ્યુકો સત્તાવાળાઓને લેખિત રજૂઆત કરી તાત્કાલિક પગલાં લેવા માંગણી કરી હતી પરંતુ અમ્યુકો સત્તાધીશોએ પણ કોઇ પગલાં નહી લેતાં આખરે અરજદારને હાઇકોર્ટમાં રિટ અરજી કરવાની ફરજ પડી હતી.

              અરજદારપક્ષ તરફથી આ કેસમાં પ્રતિવાદી પક્ષકારો તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, પૂર્વ ઝોનના એસ્ટેટ ઓફિસર અને પૂર્વ ઝોનના ટાઉન પ્લાનીંગ ડેવલપમેન્ટ ઓફિસરને જોડવામાં આવ્યા હતા. અરજદારપક્ષ તરફથી પ્રસ્તુત કેસમાં અમ્યુકો સત્તાવાળાઓ દ્વારા ગેરકાયેદ રીતે ચાલતી આ સ્કૂલ વિરૂધ્ધ કાર્યવાહી કરી જરૂરી પગલાં લેવા રિટ અરજીમાં દાદ માંગવામાં આવી હતી. અરજદારપક્ષની દલીલો સાંભળ્યા બાદ હાઇકોર્ટે ઉપરમુજબ હુકમ કર્યો હતો.

(8:09 pm IST)