Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

વડોદરાની નિશાકુમારીના નેતૃત્‍વમાં 13 સાયકલિંગ સાહસિકોએ હિમાલયના બર્ફીલા પ્રદેશમાં 560 કિ.મી.ની સાયકલ યાત્રા કરીઃ કોરોના રસીકરણ માટે અભિયાન ચલાવ્‍યુ

વડોદરા: વડોદરાની નિશાકુમારીના નેતૃત્વ હેઠળ 13 સાયકલિંગ સાહસિકોએ હિમાલયના બર્ફીલા પ્રદેશમાં 560 કિમીની સાયકલ યાત્રા દ્વારા લોકોને કોરોનાથી બચવા રસી મૂકાવોનો સંદેશ આપ્યો હતો. રિબર્થ એડવેન્ચર સંસ્થાના નેજા હેઠળ મનાલીથી લેહથી ખારદુંગ્લાની રસી સંદેશ સાયકલ યાત્રા દરમિયાન 50 ફૂટનો વિશાળ રાષ્ટ્ર ધ્વજ સાહસિકોએ લહેરાવ્યો હતો.

વડોદરાની દીકરી નિશાકુમારીએ હિમાલયના બરફસ્તાનમાં કોરોનાની રસી લેવાની લોક જાગૃતિ કેળવવા રાઇડ ફોર નેશન.. રાઈડ ફોર વેક્સિનેશન સાયકલ યાત્રાનું નેતૃત્વ કરીને શહેરને ગૌરવ અપાવ્યું છે. આ સાયકલ યાત્રામાં વિવિધ સ્થળોના 13 સાહસિકો જોડાયાં હતાં. સાહસ પ્રવૃત્તિઓનું સંચાલન કરતી પાલનપુરની રીબર્થ એડવેન્ચર સંસ્થાએ તેનું આયોજન કર્યું હતું.

નિશાકુમારી અને સાયકલ સાથીઓએ લેહમાં 50 ફૂટનો વિરાટ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. યાત્રા માર્ગમાં આવતા તમામ ગામોમાં કોરોના સામે સુરક્ષા માટે રસીની અગત્યતા લોકોને સમજાવવાની સાથે રસીકરણ સમર્થન સહી ઝુંબેશ કરી હતી. લેહથી ખરદુંગ્લાથી પરત લેહની કપરી સાયકલ યાત્રા આ દીકરીએ એકલા કરી હિંમતનો દાખલો બેસાડ્યો હતો.

તા.21 મી જૂનના રોજ રસીકરણને વેગ આપવા સાયકલ પર હિમાલય ખુંદવાની આ સાહસ યાત્રાને ત્યાંના એસ.ડી.એમ. રમણ ઘરસંગરી એ પ્રસ્થાન કરાવ્યું હતું. 30 મી જૂને નિશા ખરદુંગ્લાની એકલ યાત્રાથી પરત ફરી અને તેની સાથે આ સાહસ અભિયાનનું સમાપન થયું હતું. સમગ્ર યાત્રા દરમિયાન પોલીસ,પ્રશાસન અને બોર્ડર હેલ્થ ટીમે આ યાત્રીઓને જરૂરી સવલતો આપીને પ્રોત્સાહિત કરી હતી.

આ ટીમે રસી અભિયાનને વેગ આપવા મનાલી,મહરી, તાંડી, જીપસા, ઝિંઝિંગ બાર, સાર્ચું, વિસ્કી નાલા, સોકર, લટો અને લેહની મુલાકાત લીધી હતી. દરેક સ્થળે લોકોએ આ રસીકરણનો સંદેશ લઈને આવેલા સાહસિકોને ઉષ્માભર્યો આવકાર આપ્યો હતો. લેહમાં એડીએમએ આ ટીમને અંદરુની વિસ્તારમાં પ્રવાસ અને 3 દિવસ ના રોકાણની ખાસ પરવાનગી આપી હતી.

સંસ્થા સ્થાપક નિલેશ બારોટે જણાવ્યું કે,તેમની સંસ્થા વિદ્યાર્થીઓમાં સાહસિકતા અને પ્રકૃતિ પ્રેમનું સિંચન કરવા ટ્રેકિંગ એડવેન્ચર કેમ્પ,નેચર ટ્રેલ જેવા કાર્યક્રમો યોજે છે. હિમાલયના બર્ફીલા પ્રદેશમાં સાયકલ યાત્રા પ્રથમવાર યોજવામાં આવી હતી. તેમનું કહેવું છે કે,વડોદરાની દીકરીએ આટલા લાંબા અને બર્ફીલા પ્રદેશમાં સાહસ યાત્રાનું નેતૃત્વ કર્યું હોય એવો કદાચ આ પ્રથમ પ્રસંગ છે.

(4:37 pm IST)