Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

BTP MLA મહેશ વસાવાએ કહ્યું, 5મી અનુસૂચિ લાગુ થાય તો PM પણ પરવાનગી વિના પ્રવેશી ન શકે

રાજપીપળા: BTPએ રાજ્યસભા ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કર્યો, એમણે કારણ એ આપ્યું કે ભાજપ-કોંગ્રેસે આદીવાસી વિસ્તારમાં 5મી અનુસૂચિ લાગુ કરવાની માંગ બાબતે અમને સમર્થન આપ્યું નહોતું. જો કે ચૂંટણી બહિષ્કાર બાદ BTP વિરુદ્ધ કોંગ્રેસી કાર્યકરોએ પોતાનો રોષ વ્યકત પણ કર્યો હતો. હવે રાજ્યસભા ચૂંટણી બાદ ફરી 5મી અનુસૂચિ લાગુ કરવાની માંગ બુલંદ બની છે. BTPના ધારાસભ્ય મહેશ વસાવાએ અનુસૂચિ 5 અંગે બેઠક કરી હતી. તેમાં તેમણે જણાવ્યુ હતુ કે 5મી અનુસૂચિ લાગુ થાય તો PM પણ પરવાનગી વિના પ્રવેશી ન શકે. નર્મદા જિલ્લાના કોકમ ગામે મળેલી બેઠકમાં BTPના ધારાસભ્ય મહેશ વસાવા, હોદ્દેદાર ચૈતર વસાવા, નર્મદા જિલ્લા આમુ સંગઠન પ્રમુખ મહેશ વસાવા સહિત સરપંચોની ઉપસ્થિતિ રહી હતી.

બેઠકને સંબોધતા MLA મહેશ વસાવાએ જણાવ્યું હતું કે 1935મા પણ આદિવાસી વિસ્તારને “Partially Excluded” અને “Excluded” વિસ્તારો નક્કી કરી આ વિસ્તારના સંશાધનો જેવા કે જળ, જંગલ, જમીન અને ખનીજ પર સ્વશાસનનો અધિકાર આપવામાં આવ્યો. 1950મા આઝાદ ભારતના બંધારણમાં Excluded વિસ્તારને અનુસૂચિ 6 અને Partlally Excludedને અનુસૂચિ 5મા સમાવેશ કરી આદિવાસીઓને પરંપરાગત અધિકારોની સ્વીકૃતિ આપેલી છે. તેની અમલીકરણની જવાબદારી રાજ્યપાલ, રાષ્ટ્રપતિ, તેમજ ટ્રાયબલ એડવાઇઝર કમિટીને આપવામાં આવેલી છે.

મહેશ વસાવાએ જણાવ્યું હતું કે “આબુઆ દિશુમ આબુઆ રાજ” આપણા ગામમાં આપણું રાજ અનુસુચી વિસ્તારોમાં આદિવાસીઓનુ જ રાજ હોવું જોઈએ. આદિવાસી વિસ્તારોમાં ફક્ત આદિવાસીઓની જ સરકાર ચાલશે લોકસભા કે વિધાનસભાના કાયદા લાગુ પડશે નહિ. રૂઢિગત ગ્રામસભા એ કરેલા ઠરાવોને સંસદસભા પણ પડકારી શકે નહિ એવી જોગવાઈ અનુસૂચિ 5મા કરવામાં આવી છે. અનુસૂચિત વિસ્તારમાં દરેક સરકારી નોકરીમા 100% રિઝર્વેશન આદિવાસીઓનું હશે. પટાવાળાથી લઇ કલેકટર સુધી આદિવાસી જ હશે. અનુસૂચિત વિસ્તારોમાં દરેક વેપાર-ધંધા કે કાચામાલની દુકાન આદિવાસીઓ જ ખોલી શકશે. ગેર આદિવાસીઓ ધંધો કરી શકે નહિ. અનુસૂચિત વિસ્તારોમાં જમીનની નીચે લોખંડ, સોનું, ચાંદી, કોલસો, બોકસાઈડ જેવી તમામ ધાતુઓ તથા જંગલો, નદીઓ, તળાવો, પહાડો, વીજળી, ખનીજો, વન્ય પેદાશો પર આદિવાસીઓની જ માલિકી હશે. સરકારને પણ જરૂર હશે તો વેચાતું લેવું પડશે. અનુસૂચિત વિસ્તારોમાં કલેક્ટર કે દેશના વડાપ્રધાન પણ પરવાનગી વગર પ્રવેશી શકશે નહીં ગેર સંવેધાનિક છે.

(4:17 pm IST)