Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

કોરોના કેસમાં જોરદાર ઉછાળો આવતા વિજયભાઇ રૂપાણી - નિતીનભાઇ પટેલ સહિતના સુરતની મુલાકાતે

મુખ્ય સચિવ, મેયર, કલેકટર સહિતની સાથે બેઠક

રાજકોટ,તા.૪: ગુજરાતમાં જીવલેણ મહામારી કોવિડ-૧૯ હાહાકાર મચાવી રહી છે, ત્યારે અમદાવાદ બાદ હવે સુરત નવું હોટસ્પોટ બનીને ઉભરી રહ્યું છે. સુરતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના પોઝિટિવ કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે. જેને પગલે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના અધિકારીઓ આજે સુરતની મુલાકાત લેવાના છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરતમાં કોરોનાના વધતા જતાં કેસને લઈને આજે મહત્વની બેઠક યોજશે. જેમાં મુખ્ય સચિવ, સુરતના મેયર, કલેકટર સહિતના વહીવટી અધિકારીઓ પણ સામેલ થશે. આ બેઠકમાં કોરોના પર કાબૂ કરવા સંદર્ભે અને આરોગ્ય સેવાઓની સ્થિતિ અંગે સમીક્ષા કરવામા આવશે. ઉલ્લેખનીય છે કે, રાજયના અગ્ર આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ થોડા દિવસોથી સુરતમાં જ છે.

જણાવી દઈએ કે, સુરત શહેર સહિત જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૪૮ કેસ નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં સુરત શહેરમા ૧૯૦ અને જિલ્લામાં ૫૮ કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોના સંક્રમિતોનો આંકડો ૫૨૭૪ પર પહોંચી ગયો છે. જયારે અત્યાર સુધી કુલ ૨૨૦ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

(2:37 pm IST)