Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

પશ્ચિમની રથયાત્રામાં લોકો અને સંતો જગન્નાથમય થયા

પશ્ચિમ વિસ્તારમાં પણ નગરજનો જાણે જગન્નાથમય : સ્વામિનારાયણ ગુરૂકુળ, ઇસ્કોન, અનંત ત્રિપદા પરિવાર રથયાત્રાનું શ્રદ્ધાળુઓમાં આકર્ષણ : પ્રસાદ માટે પડાપડી

અમદાવાદ, તા.૪ : અમદાવાદ શહેરમાં આજે ભગવાન જગન્નાથજીની ૧૪૨મી પરંપરાગત અને ઐતિહાસિક રથયાત્રા નીકળી હતી ત્યારે બીજીબાજુ, શહેરના પશ્ચિમ વિસ્તારમાં પણ નીકાળવમાં આવેલી જુદી જુદી રથયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. ખાસ કરીને ઇસ્કોન મંદિર, મેમનગર સ્વામિનારાયણ ગુરૃકુળથી નીકળેલી રથયાત્રા અને અનંત(ત્રિપદા) ટ્રસ્ટ પરિવાર દ્વારા નીકળેલી રથયાત્રા જોવા પશ્ચિમના વિસ્તારોમાં લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉમટયા હતા. હજારો લોકોએ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને જાણે જગન્નાથમય બન્યા હતા. પશ્ચિમના વિસ્તારોમાં પણ નીકળેલી વિવિધ રથયાત્રામાં ફણગાવેલા મગ, જાંબુ, કાકડીનો પ્રસાદ લેવા શ્રધ્ધાળુ ભકતોએ ભારે પડાપડી કરી હતી. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આજે ત્રિપદા એજયુકેશન ટ્રસ્ટના સહયોગ અને સોલા, ભાગવત વિદ્યાપીઠ દ્વારા અનંત(ત્રિપદા) ચેરિટેબલ ટ્રસ્ટ પરિવાર તરફથી સૌથી લાંબી રથયાત્રા નીકાળવામાં આવી હતી. અનંત(ત્રિપદા) ચેરિટેબલ ટ્રસ્ટ પરિવાર દ્વારા ૨૦ ફુટ ઉંચા અને આકર્ષક લાકડાના રથમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામની રથયાત્રા નીકાળવામાં આવી હતી. ત્રિપદા એજયુકેશન ટ્રસ્ટ,ઘાટલોડિયાના મેનેજીંગ ટ્રસ્ટી અર્ચિત ભટ્ટ અને ભાગવત વિદ્યાપીઠના ભાગવતઋષિએ જણાવ્યું હતુ કે, બાળકો-વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત આ બાળ રથયાત્રાની શરૃઆત ત્રિપદા પરિવારના સ્થાપક લાભશંકર પી.ભટ્ટે કરી હતી, આ પરંપરા તેમના પુત્ર અર્ચિત ભટ્ટે ૫૨મા વર્ષ સુધી નિભાવી હતી. આ વર્ષે બાળ રથયાત્રાનું ૫૨મું વર્ષ હોઇ તેની અનોખી ઉજવણી કરાઇ છે.  આજે સવારે ૬-૩૦ વાગ્યે ત્રિપદા પરિવાર અને શ્રધ્ધાળુઓ દ્વારા ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામની મહાઆરતી કર્યા બાદ સવારે ૭-૩૦ વાગ્યે નીલકંઠ મહાદેવથી રથયાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું. આ રથયાત્રા નીલકંઠ મહાદેવથી વરદાન ટાવર થઇ પ્રગતિનગર ગાર્ડન, વિજયનગર ચાર રસ્તા, આઇઓસી પેટ્રોલપંપ, કામેશ્વર સર્કલ, અંકુર ચાર રસ્તા, પલ્લવ ચાર રસ્તા,  શાસ્ત્રીનગર, રન્નાપાર્ક, પ્રભાત ચોક, ચાણકયપુરી બ્રીજ થઇ ડમરૃ સર્કલ, પ્રમુખનગર, શાયોના સીટી, વિશ્વાસ સીટી-૨, આઇડીપી સ્કૂલ, નિર્માણ ટાવર, ભાગવત કોમ્પલેક્ષ(પ્રસંગ ચાર રસ્તા) થઇ સમગ્ર ૧૨ કિલોમીટરના લાંબા રૃટ પર પસાર થતી સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે બપોરે ૧-૪૫ વાગ્યે પહોંચી હતી અને ત્યાં રથયાત્રાની પૂર્ણાહુતિ થઇ હતી. રથયાત્રાના રૃટમાં ૨૦ ફુટ ઉંચો શણગારેલો રથ, પાંચ ટ્રક, પાંચ મીની બસ, પાંચ ઉંટ ગાડી, પાંચ મારૃતિવાન, ૩૨ ટ્રેકટર, ૧૪ પેન્ડલ રીક્ષા અને શાળાના બાળકોની બેન્ડપાર્ટી, વિવિધ અખાડા-કરતબો, રાસ-ગરબા, ભજનમંડળી સહિતના આકર્ષણોએ ભારે જમાવટ કરી હતી. ત્રિપદા પરિવાર તરફથી શ્રધ્ધાળુ ભકતો માટે ૮૦ કિલો ફણગાવેલા મગ, ૬૦થી વધુ કિલો જાંબુ અને કાકડી સહિત ૨૦૦ કિલોથી વધુ પ્રસાદનું વિતરણ કરાયું હતું, જે મેળવવા ભકતોએ ભારે પડાપડી કરી હતી. તો બીજીબાજુ, પશ્ચિમ વિસ્તારમાં આજે બપોરે ૨-૦૦ વાગ્યે મેમનગર સ્વામિનારાયણ ગુરૃકુળ ખાતેથી રથયાત્રા નીકળી હતી. તે પહેલાં ૧૨-૦૦વાગ્યે રથનું પૂજન કરાયું હતું. આ રથયાત્રા મેમનગર ગુરૃકુળથી પ્રારંભ થઇ સુભાષ ચોક, યુગાન્ડા સોસાયટી, નીકિતા પાર્ક સોસાયટી, સત્તાધાર ચાર રસ્તા, કલાસાગર મોલ, કર્મચારીનગર ચાર રસ્તા, ભૂયંગદેવ ચાર રસ્તા, વિશ્રામનગર, તરૃણનગર, સુભાષ ચોક, મેમનગર ગામ, અને માનવમંદિર થઇ સ્વામિનારાયણ ગુરૃકુળ પરત ફરી હતી, જેમાં સેંકડો શ્રધ્ધાળુ ભકતો જોડાયા હતા. આ જ પ્રકારે ઇસ્કોન મંદિર દ્વારા પણ આજે સાંજે ૪-૦૦ વાગ્યે રથયાત્રા નીકાળવામાં આવી હતી. લગભગ ૩૫ ફુટ ઉંચા રથમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામને બિરાજમાન કરાયા હતા. ભગવાનના સુંદર સાજ શણગાર અને ભજનમંડળીઓ સહિતના આકર્ષણો સાથેની આ રથયાત્રા શ્યામલ ચાર રસ્તા, આનંદનગર રોડ થઇ, પ્રેરણાતીર્થ દેરાસર, રામદેવનગર થઇ રાત્રે આઠ વાગ્યે ઇસ્કોન મંદિર પરત ફરી હતી. આજે પશ્ચિમ વિસ્તારમાં પણ રથયાત્રાનો લોકોત્સવ છવાયો હતો.

(8:47 pm IST)