Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

સોમવારથી શાળા - કોલેજોમાં ઓનલાઇન નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ

કોરોના મહામારીના કપરા સમયમાં સતત બીજા વર્ષે છાત્રો વગર શાળા - કોલેજો શરૂ થશે : ૩૫ દિવસનું વેકેશન પુરૃં : માસ પ્રમોશન મળતા ધો. ૩ થી ૧૨માં એક મહિનો બ્રિજ કોર્ષ ચલાવવા શિક્ષણ વિભાગની ભલામણ : શાળા - કોલેજોમાં છાત્રોને પ્રતિબંધ : શિક્ષકો - આચાર્યોએ સંસ્થામાં જવાનું : ટુંક સમયમાં ધો. ૧૧ અને કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે

રાજકોટ તા. ૫ : કોરોનાની મહામારીમાં છેલ્લા દોઢેક વર્ષથી શિક્ષણજગત ખૂબ પ્રભાવિત થયું છે. શાળા - કોલેજોમાં શિક્ષણનું સમયપત્રક ખોરવાયું છે. શાળાઓમાં પરીક્ષા રદ્દ કરીને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જ્યારે સ્નાતક કક્ષાએ ઉપલા વર્ગમાં છાત્રોને ઉતીર્ણ કર્યા છે. આ સંજોગોમાં હવે તા. ૭ જુન સોમવારથી શાળા - કોલેજોનાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે.

શાળા - કોલેજોમાં નવા વર્ષ ૨૦૨૧-૨૨ના શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે કોરોનાની અસર ખૂબ પડી છે. આ વર્ષે પણ કોરોનાકાળમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ પણ ઘરે ઓનલાઇન શિક્ષણ મેળવીને જ કરવો પડશે.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર - ગુજરાતમાં તા. ૭ જૂનથી શાળા - કોલેજોમાં નવા સત્રનો પ્રારંભ થશે. વિદ્યાર્થીઓએ શાળાએ જવાનું નથી માત્ર ઘરેથી જ ઓનલાઇન શિક્ષણ પધ્ધતિ અપનાવવાની રહેશે. જ્યારે શાળા - કોલેજોમાં આચાર્ય - શિક્ષકોએ હાજર રહેવું પડશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ખાનગી, ગ્રાન્ટેડ, સરકારી સાયન્સ - કોમર્સ અને આર્ટસ, બીબીએ સહિતની કોલેજોમાં હાલ ઓનલાઇન શિક્ષણ આપવામાં આવશે. વિદ્યાર્થીઓએ કોલેજમાં જવાનું રહેશે નહીં. અધ્યાપકો - આચાર્યોએ કોલેજમાં હાજર રહેવું પડશે. ધો. ૧૦માં માસ પ્રમોશન બાદ પ્રવેશ નિતી નિયત થયા બાદ ધો. ૧૧માં પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે. જ્યારે કોલેજમાં ધો. ૧૨ના ગુણ - ફાળવણી થયા બાદ કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે. આ વર્ષ ધો. ૧૦માં માસ પ્રમોશન મળતા ધો. ૧૧ના વર્ગો વધારવા પડશે. જ્યારે ધો. ૧૨ની પરીક્ષા રદ્દ થતા કોલેજો પણ હાઉસફૂલ થશે. આર્ટસ - કોમર્સ અને સાયન્સમાં ગત વર્ષની સરખામણીએ બે ગણા છાત્રોની પ્રવેશ આપવાની સ્થિતિ નિર્માણ પામતા યુનિવર્સિટીના સત્તાધીશોએ પણ વર્ગ વધારાની દરખાસ્ત અને કામનું ભારણ નક્કી કરવા કવાયત હાથ ધરી છે.

ધો. ૩ થી ૧૨માં પ્રારંભીક તબક્કે શાળાઓમાં એક મહિનો બ્રીજ કોર્ષ ચાલશે.

(3:55 pm IST)