Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

૧૭મીથી વડતાલ શ્રી સ્વામીનારાયણ મંદિર ખુલશેઃ સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન કરાશે

રાજકોટ,તા.૫:કોરોના મહામારીને કારણે કેન્દ્ર સરકારે લોકડાઉન ધીમે ધીમે ખોલવાનો પ્રયાસ શરૂ કર્યો છે. જેમાં મંદિરો પણ નિયમોને આધારે ૮ જૂનથી ખુલવાના છે. કોરોનાના કેસમાં વધારો થતા વડતાલ સ્વામિનારાયણ મંદિર અને તેના તાબાંના મંદિરો ૧૭ જૂનથી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરમાં ભકતોએ દર્શન માટે સરકારની ગાઇડલાઇનનું પાલન કરવુ પડશે.

વડતાલ સ્વામિનારાયણ મંદિર અને તેના તાબાના મંદિરો સાળંગપુર (શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદા) વિગેરે તમામ મંદિરો ૧૭ જૂન જેઠ એકાદશીના રોજ ખોલવાનો વડતાલ સંસ્થાએ નિર્ણય કર્યો છે. સરકારની ગાઇડલાઇન અનુસાર માત્ર ૨૦ વ્યકિતઓને જ અગાઉથી પ્રવેશ નક્કી કર્યા મુજબ આપવામાં આવશે.

કોઇ પણ સત્સંગી ભાઇઓ- બહેનો માસ્ક વગર, સેનેટાઇઝ થયા વિના મંદિરમાં પ્રવેશ કરી શકશે નહી અને જે કોઇ પણ ભકત માસ્ક વગર દર્શન માટે આવશે તેને દર્શન કર્યા વિના જ પરત ફરવુ પડશે. સાથે જ પૂજય સંતોને જય સ્વામિનારાયણ પાંચ ફૂટ દુર રહીને જ કરવા જણાવવામાં આવ્યુ છે. સાથે જ મંદિરમાં સત્સંગી હરિભકતો એક બીજાથી ૬ ફૂટ દૂર રહીને દર્શન કરશે અને સોશિયલ ડિસ્ટનસિંગ રાખવાનું પણ જણાવવામાં આવ્યુ છે.

(4:05 pm IST)