Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

ચોમાસુ કર્ણાટકના દરિયાકિનારે પહોંચ્યુ : ગુજરાતમાં બીજા કે ત્રીજા સપ્તાહમાં આગમન

અમદાવાદ, તા. ૫ : રાજયમાં મેઘરાજાએ પોતાના આગમનની છડી પોકારી દીધી છે ત્યારે ગુજરાતમાં જૂનના બીજા કે ત્રીજા સપ્તાહમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ જશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.

રાજયમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. નિસર્ગ વાવાઝોડાની અસર હેઠળ દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં છુટોછવાયો વરસાદ વરસ્યો હતો. તેમાં અમદાવાદ પણ બાકાત રહ્યુ નથી.

હવામાન વિભાગના ડિરેકટર જયંત સરકારના જણાવ્યા મુજબ ચોમાસાની પેટર્ન ઉપર વાવાઝોડાની અસર નહિં થાય, અને ગુજરાતમાં ચોમાસાનું સમયસર જ આગમન થઈ જશે, એટલે કે ગુજરાતમાં ચોમાસાનું આગમન જૂનના બીજા અને ત્રીજા સપ્તાહ સુધીમાં થઈ જશે.

હાલમાં ચોમાસુ કર્ણાટકના દરીયા કિનારે પહોંચ્યુ છે. જે હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે. હવામાન વિભાગે ડાંગ, નવસારી, દક્ષિણ ગુજરાતમાં નર્મદા, ભરૂચ, સુરત અને વાપી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર આગમન આગાહી મુજબ ૧૫ જૂને થવાનુ હતું. પરંતુ ચાલુ વર્ષે ગુજરાતમાં ૨૧ જૂનથી સત્તાવાર ચોમાસાની શરૂઆત થશે એટલે કે ગુજરાતમાં જૂનના બીજા કે ત્રીજા સપ્તાહ સુધીમાં ચોમાસાનું આગમન થઈ જશે.

(3:10 pm IST)