Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

રાજકોટ સહિત રાજ્યભરમાં ટ્રાવેલ્સ બસો ધમધમી : હડતાલ સમાપ્ત

છ મહિનાનો ટેક્ષ નહિ ભરવો પડે : માફી અપાઇ : નોનયુઝ બસમાં પણ એડવાન્સ ટેક્ષ ભરવામાંથી મુકિત : પ્રમુખ દશરથભાઇ વાળાની 'અકિલા' સાથે વાતચીત : ૧૫ હજાર બસો બપોરે ૧ાા વાગ્યાથી હાઇવે પર : મુખ્યમંત્રી વિજયભાઇનો આભાર મનાયો

રાજકોટ તા. ૫ : સતત ત્રણ દિવસથી ચાલી રહેલ રાજકોટ સહિત રાજ્યભરના ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોની હડતાલનો અંત આવ્યો છે, રાજ્ય સરકારે અમારી મુખ્ય બંને માંગણીઓ સ્વીકારી લેતા હડતાલ અમે સમાપ્ત કરી દિધી છે, અને બપોરે ૧ાા વાગ્યાથી તમામ ટ્રાવેલ્સ સંચાલકોએ બુકીંગ શરૂ કરી દીધું છે અને ૧૫ હજાર બસોના પૈડા બપોરે ૧ાા વાગ્યાથી હાઇવે ઉપર ધમધમતા થયાનું રાજકોટ ટ્રાવેલ્સ એસો.ના પ્રમુખશ્રી દશરથભાઇ વાળાએ આજે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

તેમણે જણાવેલ કે, અમે તમામ ટ્રાવેલ્સ સંચાલકો આ તકે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને વાહન વ્યવહાર મંત્રી તથા સરકારનો આભાર માનીએ છીએ, અમારા પ્રશ્નોનો ઝડપથી નીવેડો આવ્યો છે.

તેમણે જણાવેલ કે, રાજ્ય સરકાર મુખ્ય બે માંગણી છ મહિના સુધી ટેક્ષ નહી ભરવાનો... તેમાં માફી તથા, નોનયુઝ બસ મુકવા સમયે એડવાન્સ ટેક્ષ ભરવામાંથી પણ મુકિત આ બંને માંગણીઓ સ્વીકારી લેતા અમે આજે ત્રીજા દિવસે હડતાલ પૂર્ણ કરી દિધી છે.

શ્રી દશરથભાઇએ જણાવેલ કે, કોરોના સામે જંગ લડી રહેલ સરકાર સાથે અમે તમામ ટ્રાવેલ્સ સંચાલકો છીએ, બસમાં મુસાફરો ૬૦ થી ૭૦ ટકા અને સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરી લઇ જવાશે, મુસાફરોનું થર્મલ ગનથી ચેકીંગ, મેડીકલ સ્કેનીંગ, માસ્ક ફરજીયાત, બસ સેનેટાઇઝ કરવી વિગેરે સરકારના તમામ નિયમોનું પાલન કરાશે.

(2:56 pm IST)