Gujarati News

Gujarati News

News of Tuesday, 5th May 2020

સુભાષબ્રિજ-એલિસબ્રિજ ઉપર ટ્રાફિકજામના વરવા દૃશ્ય સર્જાયા

ઓરેન્જ ઝોનમાંથી રેડ ઝોનમાં જવા પર પ્રતિબંધ : અમદાવાદમાં માત્ર સુભાષબ્રિજ અને એલિસબ્રિજ ચાલુ હોવાથી વાહનચાલકોનો આ બંને બ્રિજ બાજુ ભારે ધસારો

અમદાવાદ,તા.૫ : કોરોનાના ખતરનાક કહેરને લઇ અમદાવાદ શહેરમાં એકતરફ લોકડાઉન છે તેમજ પોલીસે ઓરેન્જ ઝોનમાંથી રેડ ઝોનમાં જવા પર પ્રતિબંધ મુક્યો છે. જેમાં શહેરના નહેરૂ બ્રીજ, દધિચી બ્રીજ, સરદાર બ્રીજ સહિતના પાંચ મુખ્ય બ્રીજ વાહનવ્યવહાર માટે બિલકુલ બંધ કરી દેવાયા છે અને માત્ર સુભાષબ્રિજ અને એલિસબ્રિજ જ ચાલુ છે ત્યારે આજે સવારે સુભાષબ્રિજ પર ટ્રાફિકજામ થયો હતો. કોરોનાને લઇ શહેરમાં છેલ્લા દોઢ-બે મહિનાથી રસ્તાઓ પર સૂમસામ અને સન્નાટા જેવી પરિસ્થિતિ બાદ આજે શહેરના સુભાષબ્રીજ અને એલિસબ્રીજ પાસે ટ્રાફિક જામના વરવા દ્રશ્યો સર્જાયા હતા. પોલીસને એક તબક્કે ટ્રાફિક નિયમન અને ટ્રાફિક વિખેરવાની જહેમત ઉઠાવવી પડી હતી.

       અમદાવાદ શહેરમાંથી દસથી વધુ વિસ્તારો રેડ ઝોનમાં આવી ગયા હોઇ કન્ટેઇનમેન્ટ વિસ્તાર જાહેર કરી દેવાયા છે ત્યારે લોકો રેડ ઝોનમાંથી ઓરેન્જ અને ઓરેન્જમાંથી રેડ ઝોનમાં ન જાય તે માટે થોડા દિવસ પહેલા જ દધિચી, ગાંધી અને નહેરુબ્રિજ બંધ કરવામાં આવ્યા  હતા અને અમદાવાદ પોલીસે તાજેતરમાં વધુ બે બ્રિજ પણ વાહનવ્યવહાર માટે બંધ કરી દીધા છે. જમાલપુર અને આંબેડકરબ્રિજ પણ બંધ કરવામાં આવ્યા હતા. હવે માત્ર સુભાષબ્રિજ અને એલિસબ્રિજ જ વાહનવ્યવહાર માટે ચાલુ રાખવામાં આવ્યાં છે.,

       ત્યારે આજે સવારે મોટી સંખ્યામાં વાહનોનો કાફલો સુભાષબ્રિજ અને એલિસબ્રીજ પાસે ખડકાયો હતો. આ બંને બ્રીજ પાસે એક તબક્કે ભારે ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. ટુ વહીલર પર એક જ વ્યક્તિ અને ફોર વહીલરમાં બે વ્યક્તિ જ જઇ શકે છે જેથી પોલીસ લોકોને ચેક કરીને જ જવા દેતી હતી. માત્ર આવશક્યક ચીજવસ્તુઓ સાથે સંકળાયેલા લોકો અને સરકારી કર્મચારી જ રેડઝોનમાં જઇ શકે છે. શહેરના માત્ર આ બે જ બ્રીજ ચાલુ હોવાથી મોટી સંખ્યામાં વાહનોનો ધસારો સુભાષબ્રીજ અને એલિસબ્રીજ તરફ જોવા મળ્યો હતો.

(8:58 pm IST)