Gujarati News

Gujarati News

News of Tuesday, 5th May 2020

ઓરેન્જ-ગ્રીન ઝોનમાં છુટછાટ છે તેનો ભંગ થશે તો ગુનો નોંધાશે

ગાઇડલાઈન મુજબ નીતિ બનાવી ચુસ્ત અમલ : રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા : કોરોના વોરિયર્સ પર વધુ બે હુમલા : રેડ ઝોન વિસ્તારમાં વિડિયોગ્રાફી અને સીસીટીવી મારફતે સતત મોનિટરિંગ

અમદાવાદ,તા.૪ : રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, કોરોના વાયરસનું  સંક્રમણ અટકાવવા માટે લૉકડાઉનના ત્રીજા તબક્કાનો રાજ્યમાં ચુસ્ત અમલ કરાશે. કેન્દ્ર સરકારની  ગાઈડલાઈન અનુસાર રાજ્ય સરકારે તર્કબદ્ધ રીતે નીતિ બનાવી છે જેમાં નાગરિકો પણ અત્યાર સુધી આપેલ સહયોગ મુજબ સહયોગ આપે તે જરૂરી છે. શિવાનંદ ઝાએ ઉમેર્યું કે, જે નાગરિકો અન્ય રાજ્યમાંથી ગુજરાત આવ્યા છે તેઓ તેમના વતન જવા ઈચ્છતા હોય તો રાજ્ય વહીવટી તંત્ર દ્વારા રેલવે અને ખાનગી બસની વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે, તેમાં  ધીરજ રાખી સહયોગ કરે. આ વ્યવસ્થાને અનુસરીને લોકો જો કાયદો હાથમાં લેશે તો ચલાવી લેવાશે નહીં અને તેમની સામે  કડક કાર્યવાહી કરાશે. ઝાએ ઉમેર્યુ કે, જે વિસ્તારોમાં સંક્રમણ વધુ છે એવા રેડઝોન વિસ્તારોમાં ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવા માટે જરૂરી  બંદોબસ્ત ગોઠવી દેવાયો છે એટલે આ વિસ્તારના લોકો ચેતીને તંત્રને સંપૂર્ણ સહયોગ આપે. જ્યાં કેસો વધુ છે

             તે જગ્યાઓને કન્ટેન્ટમેન્ટ બનાવી ત્યાં અવરજવર ઓછી થાય એવી વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ છે કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં વિડીયોગ્રાફી અને સીસીટીવી દ્વારા સતત મોનિટરિંગ કરવા પણ સૂચના અપાઇ છે અને અવર-જવર કરતા પ્રત્યેક વાહનો અને વ્યક્તિઓનું સઘન ચેકિંગ પણ કરાશે. તેમણે કહ્યું કે કન્ટેન્ટમેન્ટની આસપાસના વિસ્તારના લોકો પણ ખૂબ તકેદારી રાખે અને લોકડાઉનનો ચુસ્ત અમલ કરે. જો કાળજી નહીં  રખાય તો નવા કન્ટેન્ટમેન્ટ વિસ્તારો બનશે. અમદાવાદમાં મણિનગર વિસ્તારને નવો કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરાયો હોવાનો ઝાએ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે રેડઝોન સિવાયના વિસ્તારોમાં પણ લૉકડાઉનના અમલને હળવાશથી લેવાશે નહીં. આ વિસ્તારમાં અપાયેલ છૂટછાટ સિવાયની દુકાનો કે સેવાઓ ખુલ્લી હશે તો નિયમોનુસાર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરાશે, એ જ રીતે ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં પણ શરતોને આધિન છૂટછાટ અપાઇ છે તેનું પણ  જો ઉલ્લંઘન થશે તો ગૂનો નોંધાશે. ગ્રીનઝોન વિસ્તારના લોકોને અપીલ કરતાં તેમણે કહ્યું કે  ગ્રીન ઝોનમાં વસતા લોકોએ પણ પૂરતી તકેદારી રાખી તેમને અપાયેલ છૂટછાટનો દુરુપયોગ કરવો નહીં. જો આવું બનશે તો પણ કાયદેસરની કાર્યવાહી થશે. રાજ્યભરમાં પાન-મસાલાની દુકાનો અને શાળા-કોલેજો બંધ છે તેમજ ધાર્મિક સંસ્થાઓમાં પણ એકત્રિત  થવા પર પ્રતિબંધ છે

           ત્યારે આ સંદર્ભે પણ પોલીસ દ્વારા સધન ચેકિંગ કરાશે અને એમાં પણ કોઈ ક્ષતિઓ ધ્યાને આવશે તો ગુનો નોંધાશે તેમ તેમણે ઉમેર્યું હતું. લૉકડાઉન દરમિયાન પોલીસ સહિતના કોરોના વોરિયર્સ ઉપર થતાં હુમલાઓને રાજ્યસરકાર અતિગંભીરતાથી લઈ આવા તત્વો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે એમ જણાવી શ્રી ઝાએ આ અંગેની વિગતો આપતા કહ્યું કે, તા. ૨૯.૦૪.૨૦૨૦ના રાજકોટ જિલ્લામાં જસદણ પોલીસ મથક વિસ્તારમાં પોલીસ ઉપર હુમલાનો એક બનાવ નોંધાયેલ છે. જેમાં સામેલ એક આરોપીને પાસા હેઠળ કાર્યવાહી કરી લાજપર જેલ સુરત ખાતે મોકલી આપેલ છે. જયારે બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે તા.૨૯.૦૪.૨૦૨૦ના રોજ આશા વર્કર ઉપર થયેલ  હુમલાના બનાવને ગંભીરતાથી લઇ ઇ.પી.કો ૩૦૭ હેઠળ ગુનો નોંધી ૦૭ આરોપીઓને પાસા હેઠળ જેલના હવાલે કરાયા છે. લોકડાઉન બાદ અત્યાર સુધી કોરોના વોરિયર્સ ઉપર  થયેલા હુમલા સંદર્ભે ૨૩ ગુના નોંધી ૫૪ હુમલાખોરો સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(9:31 pm IST)