Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

દાહોદ જીલ્લાના શહેરા તાલુકાના સંભાલી ગામે નજીવી બાબતે સગા ભત્રીજાએ કાકા-કાકીની કુહાડીના ઘા ઝીંકીને કરપીણ હત્‍યા કરી નાખી

સેહરા: શહેરા તાલુકાના સંભાલી ગામે નજીવી બાબતે સગા ભત્રીજાએ કાકા-કાકીની કુહાડીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે, તો ગ્રામજનોએ હત્યારા ભત્રીજાને પકડી પાડી પોલીસને હવાલે કરતા પોલીસ દ્વારા હત્યારાને કોવિડ-૧૯ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યો હતો. પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના સંભાલી ગામે આવેલ નાયક ફળિયામાં રહેતા જયંતિભાઈ પ્રતાપભાઈ નાયકના માતા-પિતા ન હોવાથી તે પોતાના સગા કાકા અર્જુન સોમાભાઈ નાયક તેમજ કાકી રાધાબેન સાથે તેઓને ઘરે જ રહેતો હતો. ત્યારે બે દિવસ અગાઉ કાકા અર્જુનભાઈ અને કાકી રાધાબેને ભત્રીજા જયંતિભાઈને અવાર નવાર કહેતા હતા કે, તું કોઈ કામ ધંધો કરતો નથી અને બળતણના લાકડા પણ લાવતો નથી તને રોજેરોજ કોણ જમવાનું આપે તેવું કહેતા આ બાબતે ભત્રીજા અને કાકા-કાકી વચ્ચે બોલાચાલી થઈ હતી.

જેથી આ બાબતને લઈને ભત્રીજો જયંતિ રોષે પણ ભરાયો હતો, તેવામાં ગત મોડી રાત્રિએ અર્જુનભાઈ સોમાભાઈ નાયક અને તેમની પત્ની રાધાબેન આ બંને પતિ-પત્ની રાત્રિના સમયે પોતાના ઘરમાં ખાટલા ઉપર સુતા હતા. દરમિયાન ભત્રીજા જયંતિ નાયકના મનમાં ખુની ખેલ ખેલવાનું આવ્યું અને તેણે કાકી-કાકી સાથે બદલો લેવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ આ હત્યારા ભત્રીજાએ બદલાની આગમાં કુહાડી લઈ ઘરમાં ખાટલા પર સુતેલા પોતાના સગા કાકા અર્જુન તેમજ કાકી રાધાબેનને માથામાં તેમજ મોઢા પર ઉપરા છાપરી કુહાડીના ઘા જીકી કરપીણ હત્યા કરી દીધી હતી.

આ બાબતની જાણ વહેલી સવારે કુટુંબીજનો તેમજ આસપાસના રહીશોને થતાં આસપાસના રહીશોએ દોડી આવી ઘટનાની શહેરા પોલીસને જાણ કરાતા શહેરા પોલીસે ઘટના સ્થળે પહોંચી બંને પતિ-પત્નીના મૃતદેહને શહેરા ખાતે પી.એમ. માટે મોકલી આપ્યા હતા. ઘટનાને પગલે ડીવાયએસપી સહીત પોલીસના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથધરી હતી. તો બીજી તરફ કાકા-કાકીની હત્યા કરનાર હત્યારા ભત્રીજાને ગ્રામજનોએ પકડી પાડીને પોલીસના હવાલે કરતા પોલીસ દ્વારા હત્યારા ભત્રીજાને શહેરા રેફલ હોસ્પિટલ ખાતે કોવિડ-૧૯ ની ગાઈડ લાઈન મુજબ કોવિડ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યો હતો. હાલ તો આ સમગ્ર મામલે શહેરા પોલીસ મથકે કાકા-કાકીની હત્યા કરનાર હત્યારા ભત્રીજા વિરુદ્ધ હત્યા ગુનો નોંધાયો છે અને કોવિડ ટેસ્ટ બાદ હત્યારા જયંતિ નાયકની અટકાયત કરવામાં આવશે.

(5:40 pm IST)